ગુજરાત ભાજપે જિલ્લા અને શહેરી સંગઠનના 41 પ્રભારીઓ નિમ્યા, 33 જિલ્લા અને 8 મનપા માટે કરી નિમણૂક
આગામી 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના સંગઠનમાં ફેરફાર કરાયો
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યની 26 બેઠકો પર વિજય મેળવવા ભાજપ દ્વારા પ્રયાસો શરુ કરી દેવામાં આવ્યાં છે. વિધાનસભમાં જે સીટ પર પરાજય મળ્યો છે. ત્યાં કેવી રીતે સંગઠનને મજબૂત કરીને લોકસભામાં જીત મેળવવી તેની પર મંથન શરૂ કરવામાં આવ્યું છે. હવે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે જિલ્લા અને મહાનગરના સંગઠનના 41 પ્રભારીઓની નિમણૂંક કરી છે.
અમદાવાદમાં ઝવેરીભાઈ ઠકરારની નિમણૂંક
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે લોકસભાની ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત કરવા માટે જિલ્લા અને શહેર પ્રભારીની નિમણૂંક કરી છે. જેમાં 33 જિલ્લા અને આઠ મહાનગર પાલિકા વિસ્તારમાં પ્રભારીઓ નિમવામાં આવ્યાં છે. સુરત શહેરમાં શિતલબેન સોની, વડોદરા શહેરમાં ગોરધન ઝડફિયા, જામનગરમાં પલ્લવીબેન ઠાકર, રાજકોટમાં પ્રકાશભાઈ સોની, ભાવનગર શહેરમાં ચંદ્રશેખર દવે, અમદાવાદમાં ઝવેરીભાઈ ઠકરારની નિમણૂંક કરવામાં આવી છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કેસરીયો કરશે
લોકસભાની ચૂંટણી પહેલાં આદિવાસી વિસ્તારમાં પક્ષની પકડ મજબૂત કરવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલને હવે ભાજપનો કેસરીયો પહેરાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ધીરુભાઈ કોંગ્રેસની ટીકિટ પર 6 વખત ચૂંટણી લડી ચૂક્યા છે. હવે તેમને ભાજપમાં લાવીને આદિવાસી મતો અંકે કરવાની તૈયારી કરી લેવાઈ છે. ધીરુભાઈ ભીલ ટુંક સમયમાં કેસરીયો ખેસ ધારણ કરે તેવી શક્યતાઓ છે.