ગુજરાતની નિર્ભયાના આરોપીને 'ફાંસી આપો'ની માંગ સાથે રેલી, મૃતદેહને ઝારખંડ મોકલાયો
Gujarat Nirbhaya: ભરૂચના ઝઘડિયા વિસ્તારમાં દુષ્કર્મની ઘટનાનો ભોગ બનેલી 10 વર્ષની બાળકી મોતને ભેટી છે. 8 દિવસ સારવાર હેઠળ 2 કાર્ડિયાક એરેસ્ટ થતાં તેનું સોમવારે (23 ડિસેમ્બર) મોત થયું હતું. ત્યારબાદ મધ્ય રાત્રિએ સયાજી હૉસ્પિટલમાં બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બાદમાં રાતના 1.58 કલાકે એમ્બ્યુલન્સ દ્વારા બાળકીના મૃતદેહને તેના મૂળ વતન ઝારખંડ લઈ જવામાં આવ્યો છે. ભરૂચના જયેન્દ્રપુરી આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજના વિદ્યાર્થીઓએ બાળકીને ન્યાય અને આરોપીને ફાંસીની માંગ સાથે રેલી કાઢી હતી.
પોલીસે હાથ ધરી તપાસ
દુષ્કર્મ આચરનાર નરાધમ વિજય પાસવાનને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ હેવાનને કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસને પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે સમગ્ર મુદ્દે તપાસ કરવા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. આ સાથે વધુ રિમાન્ડ મેળવવા અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ વિશે તપાસ કરી રહી છે અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી હતી કે કેમ તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ તપાસમાં તેણે કોઈ અન્યને દુષ્કર્મ કરતાં સમયે રેકી કરવા સાથે રાખ્યો હતો કે કેમ? ગુનો આચરતાં પહેલાં અને પછી તેણે કોની-કોની સાથે વાતચીત કરી હતી તે સહિતની વિગતો મેળવવા તેના સીડીઆર મેળવી તેના આધારે તપાસ હાથ ધરવા વધુ દસ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓએ કરી ન્યાયની માંગ
બાળકીને ન્યાય અપાવવા માટે ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજના 500 જેટલા વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીને ફાંસીની માંગ કરી હતી. આ સિવાય વિદ્યાર્થીઓએ બે મિનિટ મૌન પાડી પીડિતાને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
શું હતો સમગ્ર કેસ?
16 ડિસેમ્બરે મંગળવારે ભરૂચના ઝઘડિયામાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકીનું આરોપી વિજય પાસવાને અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. આ નિર્ભયા જેવા કાંડથી રાજ્યભરમાં ચકચાર મચી હતી. નરાધમે બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. નિર્ભયા કેસ જેવી વિકૃતિ આરોપીએ પીડિતા સાથે આચરી હતી. સમગ્ર ઘટનામાં બાળકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ લઈ ગયા હતા. જ્યાં પીડિતાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ બાળકીની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આરોપી અને પીડિતા બન્ને મૂળ ઝારખંડના વતની હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસને ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી તેની આકરી પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ભરૂચમાં બળાત્કારના આરોપીને જામીન, બહાર આવીને 71 વર્ષની વૃદ્ધા સાથે બીજી વાર દુષ્કર્મ
નરાધમે એક મહિના અગાઉ પણ બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ
આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ક્રૂરતાની હદ વટાવી હતી. જેના લીધે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ નરાધમે એક મહિના અગાઉ પણ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે, સમાજમાં આબરૂ જવાની બીકે મા-બાપે કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી, જેના લીધે આરોપીની હિંમત વધી અને બીજીવાર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. કેસની ગંભીરતા જોતાં તપાસ માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. સાથે જ આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે.