ATS દ્વારા ખંભાત નજીકથી રૂ.૧૦૭ કરોડનું અલ્પ્રાઝોલમ ડ્રગ્સ જપ્ત કરાયું
ગુજરાતમાં પ્રથમવાર પ્રતિબંધિત અસ્પ્રાઝોલમ ડ્રગ્સનું નેટવર્ક સામે આવ્યું
મધ્યપ્રદેશમાં રહેતા આરોપી સહિત છ લોકોની ધરપકડ કરાઇઃ જપ્ત કરાયેલા અલ્પ્રાઝોલમના પાવડરમાંથી ૪૨.૭ કરોડ ટેબલેટ તૈયાર થઇ શકે છે
અમદાવાદ,શુક્રવાર
ગુજરાત એટીએસ દ્વારા આણંદ જિલ્લાના ખંભાત નજીક આવેલા નેજા ગામ નજીક આવેલી એક ફાર્મા કંપનીમાં દરોડો પાડીને રૂપિયા ૧૦૭ કરોડની કિંમતનો અલ્પ્રાઝોલમ ડ્રગ્સનો ૧૦૭ કિલો જથ્થો જપ્ત કરીને છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઇન્દોરમાં રહેતા એક વ્યક્તિએ ખંભાતમાં ફેક્ટરી ધરાવતા લોકોેને અલ્પ્રાઝોલમ ડ્રગ્સ તૈયાર કરવાનો ઓર્ડર આપ્યો હતો. જેમાંથી ટેબલેટ બનાવીને સમગ્ર દેશમાં સપ્લાય કરવામાં આવતી હતી. સુત્રોના જણાવ્યા મુજબ પ્રતિબંધિત અલ્પ્રાઝોલમ ડ્ગ્સનો સૌથી મોટો જથ્થો ગુજરાતમાં સૌ પ્રથમવાર જપ્ત કરાયો છે. ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને ચોક્કસ બાતમી મળી હતી કે આણંદ જિલ્લાના ખંભાત નજીક આવેલા નેજા ગામમાં આવેલી ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝમાં મોટાપાયે ગેરકાયદે અલ્પ્રાઝોલમ ડ્રગ્સનો જથ્થો તૈયાર કરાયો છે. જે અજય જૈન નામના વ્યક્તિને મોકલવાનો છે. જે બાતમીને આધારે દશ જેટલા અધિકારીઓની એક વિશેષ ટીમ તૈયાર કરીને ગુરૂવારે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં પોલીસને પાંચ વ્યક્તિઓ મળી આવ્યા હતા અને તપાસ કરતા દવા બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતા અલ્પ્રાઝોલમનો ૧૦૭ કિલો જથ્થો પણ મળી આવ્યો હતો. જેની કિંમત ૧૦૭ કરોડ રૂપિયા હતી. આ અંગે પોલીસે રણજીત ડાભી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણા (તમામ રહે.ખંભાત)ની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે અલ્પ્રાઝોલમ ડ્રગ્સનો જથ્થો તૈયાર કરવાનો ઓર્ડર મધ્યપ્રદેશના ઇન્દોરમાં રહેતા અજય જૈને આપ્યો હતો. જે માટે તેણે ૩૦ લાખ રૂપિયા પણ આપ્યા હતા. આ નાણાં પણ પોલીસે મુખ્ય આરોપી રણજીત ડાભી પાસેથી મળી આવ્યા હતા. આ અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે રણજીત ડાભી સત્યમ ટ્રેડર્સ નામની કંપનીની માલીકી ધરાવે છે. જ્યારે વિજય મકવાણા અને હેમંત પટેલ કેમીકલ ડીગ્રી ધરાવે છે. બંને ખંભાંતમાં આવેલી ક્રિષાંક ફાર્મા નામની કંપનીમાં અગાઉ નોકરી કરતા હતા. તેમની સાથે લાલજી અને જયદીપ કામ કરતા હતા. જો કે રણજીતે ગેરકાયદે ડ્રગ્સ બનાવવાનું શરૂ કરતા તેણે તમામને તેની કંપનીમાં નોકરીમાં રાખ્યા હતા.
જ્યારે અજય જૈન વિરૂદ્ધ અગાઉ નોંધાયેલા અલ્પ્રાઝોલમના કેસમાં તેને ૧૬ વર્ષની સજા થઇ હતી. ખંભાતમાં દરોડાની કામગીરી દરમિયાન પોલીસે એક ટીમ મધ્યપ્રદેશ મોકલીને અજય જૈનને પણ ઝડપી લીધો હતો. આરોપીની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે ૧૦૭ કિલો અલ્પ્રાઝોલમના જથ્થામાંથી ૦.૨૫ ગ્રામની ૪૨.૮ કરોડ ટેબલેટ તૈયાર થતી હતી. જે સમગ્ર દેશમાં તેમજ વિદેશમાં પણ ગેરકાયદે મોકલવામાં આવતી હતી. આ અંગે ગુજરાત એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.