આખરે નીતા ચૌધરીને ATSએ લીમડીથી દબોચી લીધી, યુવરાજસિંહના સગાના ઘરે સંતાઇ હતી

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
આખરે નીતા ચૌધરીને ATSએ લીમડીથી દબોચી લીધી, યુવરાજસિંહના સગાના ઘરે સંતાઇ હતી 1 - image


Nita Chaudhary Arrested: નાસતી ફરતી પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી આખરે મંગળવારે લીમડી નજીકના ગામમાંથી ઝડપાઈ છે. ગુજરાત એટીએસ જેવી એજન્સી સક્રિય થયા પછી નીતા ચૌધરી તેના સાગરિત અને કચ્છના બુટલેગર યુવરાજસિંહના સાસરી પક્ષના સંબંધીના ઘરેથી લીમડી નજીકના ગામમાંથી પકડાઈ છે. 

બુટલેગર અને દારૂ સાથે ઝડપાયા બાદ પોલીસ પર જ થાર ગાડી ચડાવી દઈ હત્યાની કોશિશ કરવાના ગંભીર ગુનામાં નીતા ચૌધરીને સેસન્સ કોર્ટે જામીન રદ કરતાં છેલ્લા પખવાડિયાથી પોલીસને ખો આપી નાસતી ફરતી હતી.

પીએસઆઇ પર ગાડી ચડાવીને હત્યા કરવાની કોશિશ 

ગુજરાત એટીએસએ જણાવ્યું હતું કે, ગત 30 જૂનના પૂર્વ ઘટના દારૂના સૌથી મોટા બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે પૂર્વ કચ્છ સીઆઇડીની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી દારૂ સાથે થાર કારમાં ઝડપાઈ ગઈ હતી. દારૂ લઈને આવતી વખતે રોકવાનો પ્રયાસ કરનાર ભચાઉના પીએસઆઇ પર નંબર પ્લેટ વગરની પોતાની થાર ગાડી ચડાવી દઈ હત્યા કરવાની પણ કોશિશ કરી હતી.

સેશન્સ કોર્ટ દ્વારા તેના જામીન નકારી દેવામાં આવ્યા હતા

આ કેસમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા બાદ આખરે સેશન્સ કોર્ટ દ્વારા તેના જામીન નકારી દેવામાં આવ્યા હતા અને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ પછી તમામ રીતે અનુભવી એવી નીતા ચૌધરી કચ્છની પોલીસને થાપ આપી ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી.

એટીએસની ટીમ દ્વારા મંગળવારે દરોડો પાડવામાં આવ્યો હતો 

કચ્છ અને રેન્જ પોલીસને સફળતા મળતી નહોતી ત્યારે ગુજરાત એટીએસ જેવી એજન્સીને બાતમી મળી હતી કે, બુટલેગર યુવરાજસિંહ જાડેજાના સાસરીયાના અમુક સંબંધી લીમડી નજીકના ગામમાં રહે છે જ્યાં આ નીતા ચૌધરીએ આશરો લીધો છે. એટીએસની ટીમ દ્વારા મંગળવારે દરોડો પાડી અને નીતા ચૌધરીને ઝડપી પાડી હતી. નીતા ચૌધરીને કચ્છ પોલીસના હવાલે કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, નીતા ચૌધરીએ આરોપી અને બુટલેગર એવા યુવરાજસિંહને બચાવવા માટે અનેક પ્રયત્નો કર્યા છે અને પોતાના નિવેદનમાં પણ દારૂ પોતે જ લાવી હોવાનું કબૂલ્યું છે.

યુવરાજસિંહના સગાના ઘરેથી મળી નીતા ચૌધરી 

પૂર્વ કચ્છનો સૌથી મોટો દારૂનો બુટલેગર યુવરાજસિંહ છે. યુવરાજસિંહે નિવેદનમાં એવું પણ જણાવ્યું હતું કે છ મહિના પહેલા ઓનલાઇન નીતા સાથે તેની ઓળખાણ થઈ હતી અને બાદમાં તેની સાથે  મિત્રતા થઈ હતી. પરંતુ તેમની મિત્રતા કેટલી ઘનિષ્ઠ છે તે એટીએસના દરોડા બાદ યુવરાજસિંહના સગા-વ્હાલાના ઘરમાંથી નીતા ચૌધરી મળી આવતા સ્પષ્ટ થઈ ગયું છે. હવે કચ્છ પોલીસ આ બાબતે શું કરશે તેના પર સૌની મિટ મંડાઇ છે.

આ પણ વાંચો: મુલાસણા અને ડુમ્મસના જમીન કૌભાંડમાં સામેલ મોટાં માથાઓ પર CMO મહેરબાન

આખરે નીતા ચૌધરીને ATSએ લીમડીથી દબોચી લીધી, યુવરાજસિંહના સગાના ઘરે સંતાઇ હતી 2 - image



Google NewsGoogle News