અમરેલીમાં દીપડાના અને જામકંડોરણામાં શ્વાનના હુમલામાં કુલ બે બાળકોના મોત
Amreli Animal Attack: અમરેલીમાં જંગલી જાનવર તેમજ રાજકોટમાં રખડતાં જાનવરનો આતંક સામે આવ્યો છે. જેનો ભોગ બે નાના બાળકો બન્યા હતા. અમરેલીના ખાંભાના પચપચીયા ગામની સીમના વિસ્તારમાં મોડી રાત્રે 10 વર્ષના દીપડાએ બાળકને ફાડી ખાધું હતું. બીજી બાજુ રાજકોટના જામકંડોરણામાં એક સાત વર્ષનું બાળક શ્વાનના આતંકનો ભોગ બન્યો હતો.
અમરેલીમાં દીપડાનો આતંક
અમરેલીના ખાંભા તાલુકાના પચપચીયા ગામની સીમના વિસ્તારમાં મોડી રાત્રે દીપડો આવ્યો અને 10 વર્ષના બાળકને ફાડી ખાધો હતો. બાળક રાત્રે ગામની વાડીમાં પરિવાર સાથે ખુલ્લામાં સૂતો હતો, તે સમયે દીપડો બાળકને ઉઠાવીને 500 મીટર દૂર ઢસડી જઈ તેનું મારણ કર્યું હતું. બાળકની તપાસ કરતાં વન વિભાગને બાળકના શરીરના હાથ-પગ સહિત અવશેષો મળ્યા હતા. હાલ, બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખાંભાની સરકારી હૉસ્પિટલ ખાતે મોકલાયો છે. આ સિવાય વન વિભાગ દ્વારા આ માનવભક્ષી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. દીપડાને પકડવા માટે વન વિભાગે ચાર પિંજરા મૂક્યા છે.
આ પણ વાંચોઃ રણોલી જીઆઇડીસીની ઇન્ડિયન એન્જિનિયરિંગ કંપનીમાં ભીષણ આગથી ભાગદોડ
સમગ્ર મુદ્દે અમરેલીના ધારાસભ્ય હીરા સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે. હીરા સોલંકીએ શ્રમિકોને બહાર ખુલ્લામાં ન સૂવાની તેમજ રાત્રે સાવચેત રહેવાની સલાહ આપી છે. જોકે, મહત્ત્વની વાત છે કે, ગુજરાત બહારથી મજૂરી કામ શોધવા આવેલા લોકોને રહેવાની સુવિધા કોણ આપશે? નોંધનીય છે કે, તંત્ર દ્વારા કે શ્રમિકોને મજૂરી આપતાં કોન્ટ્રાક્ટરો દ્વારા મજૂરી કરવા આવતાં લોકોને નજીકમાં આવાસની સુવિધા ન કરી આપતાં તેઓ ઝૂંપડા બાંધી ખુલ્લામાં સૂવા મજબૂર બને છે. જેનાથી આ પ્રકારની ઘટનાનો ભોગ મજૂરો અથવા તેમના બાળકો બનતા હોય છે.
આ પણ વાંચોઃ 22 લાખના હાઇબ્રીડ ગાંજાનો માસ્ટર માઈન્ડ અબ્દુલ પોતાના મકાનમાંથી જ પકડાયો
શ્વાને લીધો માસૂમનો જીવ
ગુજરાતના રાજકોટ જિલ્લામાં એક સાત વર્ષનો બાળક શ્વાનના આતંકનો ભોગ બન્યું છે. જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં શ્વાને રવિ નામના બાળકને અસંખ્ય વખત કરડતાં તેનું મૃત્યુ થયું હતું. હકીકતમાં, ત્રણ બાળકો બહાર રમતા હતા, તે સમયે એકાએક શ્વાને રવિ પર હુમલો કર્યો અને તેને અસંખ્ય વાર બચકાં ભર્યાં. જોકે, બાળકના વાલી તેની સુધી પહોંચી તેને હૉસ્પિટલ સારવાર અર્થે પહોંચાડે તે પહેલાં જ બાળકનું મોત થઈ ગયું હતું.