Get The App

ખેડૂતે પોતાની કારને આપી સમાધિ, વાજતે-ગાજતે ફૂલેકું કાઢી રાખ્યો જમણવાર, જાણો કારણ

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
ખેડૂતે પોતાની કારને આપી સમાધિ, વાજતે-ગાજતે ફૂલેકું કાઢી રાખ્યો જમણવાર, જાણો કારણ 1 - image


Amreli News: ગુજરાતના અમરેલીમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અત્યાર સુધી તમે સંતો, મહંતો, તેમજ અન્ય મહાપુરૂષોની સમાધિ વિશે જાણ્યું હશે. આ સાથે શ્વાન, હાથી, કપિરાજ કે કોઈ પક્ષીની સમાધિ વિશે પણ સાંભળ્યું કે જોયું હશે. પરંતુ શું તમે ક્યારેય કોઈ નિર્જીવ વસ્તુને સમાધિ આપવામાં આવી હોય તેવું સાંભળ્યું છે? અમરેલીમાં આ પ્રકારની ઘટના હકીકત બની છે. લાઠી તાલુકાના પાડરશીંગા ગામના રહેવાસી સંજય પોલરાએ પોતાની મનપસંદ અને ભાગ્યશાળી કારને સંતો-મહંતો અને 15 હજારથી વધુ મહેમાનોની હાજરીમાં સમાધિ આપી છે. 

કારને કેમ સમાધિ આપાઈ? 

ગુજરાતના અમરેલીના જિલ્લાના લાઠી તાલુકામાં પાડશીંગા ગામમાં સંજય પોલરા નામના ખેડૂત રહે છે. આ ખેડૂત પોતાની કારની લકી માનતા હતાં. ખેડૂતનું માનવું હતું કે, કાર ખરીદ્યા બાદ તેઓ આર્થિક રીતે ઘણા સમૃદ્ધ થયા, તેમની પ્રતિષ્ઠા પણ વધી અને સમાજમાં નામના પણ થઈ હતી. ખેડૂત અને તેમના પરિવારને પોતાની કાર સાથે એક ખાસ લગાવ હતો, પરંતુ સમય જતાં હવે કાર ખેડૂતનો સાથ નહતી આપતી. કાર ખૂબ જ જૂની થઈ ગઈ હતી, તેમ છતાં ખેડૂતને તે ખૂબ જ વ્હાલી હતી, જેના કારણે તે પોતાની કાર વેચતા પણ નહોતા કે ભંગારમાં પણ નહોતા આપવા માગતા. ઘણો વિચાર કર્યા બાદ આખરે તેમણે પોતાની કારને સમાધિ આપવાનો નિર્ણય કર્યો. અને સંપૂર્ણ ધાર્મિક વિધિ સાથે વિદાય આપી.

આ પણ વાંચોઃ જૂનાગઢમાં અંધાધૂંધીનો અંતિમ દિવસ: 78 વર્ષ પહેલાં આજના દિવસે ભુટ્ટોએ આરઝી હુકુમતનાં શરણે થવા નિર્ણય લીધો હતો

ખેડૂતે પોતાની કારને આપી સમાધિ, વાજતે-ગાજતે ફૂલેકું કાઢી રાખ્યો જમણવાર, જાણો કારણ 2 - image

વાજતે-ગાજતે ગાડીનું ફૂલેકું કાઢ્યું

ખેડૂત સંજય પોલરાએ પોતાની કારને સમાધિ અપાવી ત્યાં તેનું સ્મારક બનાવવાનું નક્કી કર્યું. જેના માટે તેમણે પોતાના ખેતરમાં 12 ફૂટ ઉંડો ખાડો ખોદાવ્યો. સમાધિ પ્રસંગે ખેડૂતે 15 હજાર જેટલાં મહેમાનોને પણ તેડાવ્યાં હતાં. ગામમાં ખૂબ જ ધામધૂમથી વિદાયના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતોને પણ બોલાવવામાં આવ્યા હતાં. ઢોલ નગારા સાથે ગાડીનું સામૈયું કાઢવામાં આવ્યું હતું અને સમગ્ર કુટુંબીજનો અને મિત્રો હિલોળે ચઢ્યા હતાં. ગાડીનું વાજતે-ગાજતે ફૂલેકું કાઢવામાં આવ્યું હતું. 

પોતાના ખેતરમાં જ બનાવી કારની સમાધિ

કારને સમાધિ અપાવતા પહેલાં ખેડૂતે તેને ફૂલોની માળાથી શણગારી અને અંતિમ સંસ્કાર જેવી ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ કારને  ખેતરમાં ખોદવામાં આવેલા સમાધિના ખાડામાં નીચે ઉતારવામાં આવી અને તેની ઉપર બુલડોઝર વડે માટી નાંખવામાં આવી. 

આ પણ વાંચોઃ ગુજરાતના વિકાસની બત્તી ગુલ! 57 નગરપાલિકાની તિજોરી ખાલી, 311 કરોડનું વીજ બિલ ભર્યું જ નથી

ખેડૂતે પોતાની કારને આપી સમાધિ, વાજતે-ગાજતે ફૂલેકું કાઢી રાખ્યો જમણવાર, જાણો કારણ 3 - image

ભાગ્યશાળી કારના કારણે બદલાયું ભાગ્ય: ખેડૂત

ખેડૂતનું માનવું છે કે, કારને પોતાના ખેતરની જમીનમાં જ સમાધિ આપીને આ જીવન યાદ રહે તે માટે તેના ઉપર વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. જેથી તેમની પ્રિય કાર અને તેની યાદ બન્ને સદાય તેમની સાથે જોડાયેલી રહેશે. 



Google NewsGoogle News