ગુજરાતમાં એર ટેક્સીનું ભૂત ધૂણ્યું પણ ફ્લાઈંગ કાર ભૂલાઈ ગઇ... નેધરલેન્ડ સાથેનો કરાર અભેરાઈએ
Gujarat Air Taxi: ગુજરાતમાં એર ટેક્સી શરૂ કરવા રાજ્ય સરકારે હિલચાલ આદરી છે. આ જ ભાજપ સરકારે ગુજરાતમાં ફ્લાઇંગ કાર શરૂ કરવા નેધરલેન્ડ સાથે કરાર કર્યા હતાં. એટલુ જ નહીં, વાઇબ્રન્ટ ગુજરાતમાં ફ્લાઇંગ કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનુ નિર્માણ થતાં 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવશે તેવી ડીંગો હાંકવામાં આવી હતી. આ વાતને પાંચ વર્ષ વિત્યાં પછી હજુ ઠેકાણુ પડ્યુ નથી.
ફ્લાઇંગ કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો કરાર કરી ભાજપ સરકારને ઉઠા ભણાવ્યાં
ગુજરાતમાં એર ટેક્સી શરૂ કરવા કેન્દ્રીય એવિએશન વિભાગે આયોજન કર્યુ છે તેમાંય વર્ટીક્લ ટેક ઓફ લેન્ડીંગ માટે સાબરમતી રિવરફ્રન્ટ અને કચ્છના માંડવીને પસંદ કરાયુ છે. ગુજરાતમાં બે સ્થળોએ એર ટેક્સી સેવા શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે કેન્દ્રીય એવિએશન વિભાગની એક ટીમ ગુજરાતની મુલાકાત લઈ ચૂકી છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં છાશ પીધા 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, એક બાળક ICUમાં સારવાર હેઠળ
2020માં ફ્લાઇંગ કાર માટે થયો હતો કરાર
એક બાજુ, એરટેક્સી શરૂ કરવા તૈયારી થઈ રહી છે પણ બીજી તરફ, ગાંધીનગરમાં ગુજરાત સરકારે માર્ચ-2020માં નેધરલેન્ડની એક ડચ કંપની ‘પીએએલ-વી’સાથે એમઓયુ કર્યાં હતાં. આ ડચ કંપનીએ ગુજરાતમાં ફ્લાઇંગ કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાંખવા નક્કી કર્યુ હતું. એ વખતે ડચ કંપનીના સત્તાધીશોએ એવી ડીંગો હાંકી કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બંદર સહિતની સુવિધાઓને કારણે ડચ કંપનીએ ફ્લાઇંગ કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાંખવા ગુજરાત પર પસંદગી ઢોળી છે. એટલુ જ નહીં, યુરોપિયન દેશોમાંથી 110 ફ્લાઇંગ કારનો ઓર્ડર મળ્યો છે ત્યારે આ બધીય ફ્લાઇંગ કારનુ નિર્માણ કરાશે.
આ પણ વાંચોઃ અમદાવાદ મ્યુનિ. હસ્તકના સ્મશાનમાં QR કૉડ લગાવાયા, મરણ નોંધણી સરળ બનશે
એર ટેક્સીની વાતો સામે ફ્લાઇંગ કાર ભૂલાઈ ગઈ
હવે જ્યારે એર ટેક્સી શરૂ કરવા વાતો થઈ રહી છે ત્યારે ફ્લાઇંગ કાર ભૂલાઈ ગઈ છે કેમકે, હજુ સુધી ગુજરાતમાં ફ્લાઇંગ કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું કોઈ ઠેકાણું પડ્યું નથી. અત્યાર સુધી ગુજરાત સરકારના અધિકારીઓ એવું બહાનુ કાઢતાં હતાં કે, કેન્દ્રમાંથી કેટલીક મંજૂરી લેવાની બાકી છે. પણ આ બહાનું પણ કાઢી શકાય તેમ નથી કેમકે, આ વાતને પાંચ વર્ષ વિત્યાં છે. ગુજરાત સરકાર ફ્લાઇંગ કારના નિર્માણને લઇને ઝાઝું કાઠું કાઢી શકે તેમ નથી. આ જોતાં આખીય વાત હાસ્યાસ્પદ બની રહી છે.