ગુજરાતમાં એક દિવસમાં બે અકસ્માતઃ અમદાવાદમાં વૃદ્ધનું મોત, સુરતમાં દોઢ વર્ષની બાળકીએ ગુમાવ્યો જીવ
Gujarat Accident: ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં ચોંકાવનારો વધારો થઈ રહ્યો છે. રવિવારે એક દિવસમાં બે શહેરોમાં અકસ્માતના કારણે બે લોકોના મોત નિપજ્યા છે. અમદાવાદમાં BRTS એ વૃદ્ધને અડફેટે લેતાં તેમનું મોત નિપજ્યું હતું. બીજી બાજું સુરતમાં રિક્ષાચાલકે મોપેડને અડફેટે લેતાં એક દોઢ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે.
અમદાવાદમાં વૃદ્ધાનું અકસ્માત
અમદાવાદમાં સાબરમતી ચાર રસ્તા પાસે BRTS એ કેશવપ્રસાદ તિવારી નામના વૃદ્ધને અડફેટે લેતાં તેમનું મોત નિપજ્યું હતું. વૃદ્ધ દવા લઈને પરત ફરી રહ્યા હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. હાલ, આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં દોઢ વર્ષની બાળકીનું મોત
બીજી બાજું સુરતના વેસુમાં અકસ્માતની ઘટના સામે આવી હતી. જ્યાં કાર અને રિક્ષા વચ્ચે ટક્કર થવાના કારણે એક દોઢ વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું અને ચાર લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ લોકોએ કાર ચાલકને બહાર કાઢી માર માર્યો હતો. મળતી માહિતી મુજબ રોન્ગ સાઇડમાં આવતી કારે રિક્ષાને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.