AMCનાઆસી. ટીડીઓ અને મળતિયો રૂપિયા ૨૦ લાખની લાંચ લેતા ઝડપાયા
ટીડ઼ીઓના ઘરેથી સર્ચ ઓપરેશનમાં 73 લાખની રોકડ અને સોનાનું બિસ્કીટ મળી આવ્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને દુકાનો- મકાનો તોડતા તેની સામે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાના બદલામાં લાંચની માંગણી કરવામાં આવી હતી
અમદાવાદ, ગુરૂવાર
અમદાવાદ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ ગુરૂવારે સાંજે આશ્રમ રોડ પર સ્થિત એક બિલ્ડરની ઓફિસમાં છટકું ગોઠવીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસીટન્ટ ટાઉન પ્લાનીંગ ઓફિસર અને તેમના મળતિયા તરીકે કામ કરતા એન્જીનિયરને રૂપિયા ૨૦ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં ફરિયાદીના મકાન અને દુકાનો તોડી પડાયા હતા. જે અનુસંધાનમાં કામગીરી કરીને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી અપાવવાના બદલામાં લાંચની માંગણી કરવામાં આવી હતી. આ અંગે એસીબીએ બંનેની ધરપકડ કરીને તેમના નિવાસસ્થાને તેમજ ઓફિસ પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અમદાવાદમાં રહેતા અને બિલ્ડર તરીકે વ્યવસાય કરતા વ્યક્તિની શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલી વડીલો પાર્જીત જમીન પરની કેટલીક દુકાનો અને મકાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પડાયા હતા. જે બાદ જમીન પર કબ્જો લીધો હતો. જેથી આ દુકાનો અને મકાનોના ભાડૂઆતો અને જમીનના માલિકે કાયદાકીય પ્રક્રિયા કરી હતી. જેમાં તેમને કહેવામાં આવ્યું હતું કે જમીન સંદર્ભમાં પુરાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં રજૂ કરશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે. જે દરમિયાન જમીનના માલિક અને ભાડૂઆતોની સરકાર માન્ય એન્જીનિયર આશીષ પટેલ સાથે મુલાકાત થઇ હતી. તે પછી આશિષ પટેલે તેમનો સંપર્ક એએમસીના આસીસ્ટન્ટ ટાઉન પ્લાનીંગ ઓફિસર હર્ષદ ભોજક સાથે સંપર્ક કરાવ્યો હતો. તેમણે ફરિયાદીને આ કેસમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપીને ૫૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો કે રકઝકના અંતે ૨૦ લાખની રકમ નક્કી કરવામાં આવી હતી. જે અંગે ફરિયાદીએ એસીબીમાં જાણ કરતા આશ્રમ રોડ પર રત્નાકર બિઝનેસ સ્કેવરમાં આવેલી અક્ષર સ્પેસ ઇન્ફ્રાની ઓફિસમાં ગુરૂવારે સાંજે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં એસીબીના અધિકારીઓએ આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને તેના મળતિયા આશિષ પટેલને રૂપિયા ૨૦ લાખની રકમ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. આસી. ટીડીઓ હર્ષદ ભોજકને રૃપિયા ૨૦ લાખની લાંચમાં ઝડપી લીધા બાદ ્અન્ય એસીબીની અન્ય એક ટીમ દ્વારા હર્ષદ ભોજકના નારણપુરા પ્રગતિનગર સ્થિત મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં સર્ચ ઓપરેશન દરમિયાન ૭૩ લાખની રોકડ અને એક સોનાનું બિસ્કીટ મળીને કુલ ૭૭ લાખના મુદ્દામાલ મળી આવ્યો હતો. જે એસીબીએ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.