AAPના MLA ચૈતર વસાવાનું સરેન્ડર, વનકર્મીને મારવાના કેસમાં હતા ફરાર, મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા
ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી ભુગર્ભમાં હતા
AAP MLA Chaitar Vasava Surrendered at dediapada police station : AAPના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે. તેઓ વનકર્મીને માર માર્યાના કેસમાં છેલ્લા એક મહિનાથી ભુગર્ભમાં હતા ત્યારે હવે તણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે.
ચૈતર વસાવા છેલ્લા એક મહિનાથી ભુગર્ભમાં હતા
ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. વનકર્મી પર હુમલો કરવાના મામલે ચૈતર વસાવા આજે સરેન્ડર કરીને ડેડીયાપાડા પોલીસ સ્ટેશને હાજર થયા છે. આ દરમિયાના તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને નારેબાજી શરુ કરી હતી તેમજ સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયુ હતું. તેમના પર નર્મદા જિલ્લામાં વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો કેસ નોંધાયો હતો અને તેઓ છેલ્લા એક મહિનાથી ભુગર્ભમાં હતા. આ કેસમાં ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટ અને ત્યાર બાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને બંને કોર્ટે ફગાવી દીધી હતી.
શું છે સમગ્ર મામલો?
AAPના ધારાસભ્ય ચૈતર વસાવા જે મામલે ફરાર હતા તેમાં વન વિભાગે તેમના વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી હતી, જેમાં વનવિભાગના કર્મચારીઓ તરફથી ફોરેસ્ટ વિસ્તારમાં ખેડૂતો દ્વારા દબાણ કરી ખેતી કરવામાં આવતા વનવિભાગે કાર્યવાહી કરી હતી અને ખેતી કાઢી નાંખી હતી, ત્યારે આ અંગે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓને ઘરે વાતચીત કરવા માટે બોલાવ્યા હતા. જ્યારે વનવિભાગના કર્મચારીઓ તેમના ઘરે ગયા ત્યારે તેમની સાથે બોલાચાલીની સાથે માર મારી તેમને ધમકાવ્યા હતા અને ખેડૂતોને પાકના પૈસા આપવા માટે દબાણ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આ મામલામાં પોલીસે FIR દાખલ કર્યા બાદ તેમની પત્ની, PA અને એક અન્ય વ્યક્તિની ધરપકડ કરી હતી.