વિદેશથી MBBS ભણ્યા બાદ ફોરેન ગ્રેજ્યુએટ પરીક્ષા પાસ કરનારા ગુજરાતના 3 વિદ્યાર્થીના પરિણામ રદ
Gujarat 3 students Result cancelled: મેડિકલ કમિશનના નિયમો મુજબ એમબીબીએસનો અભ્યાસ વિદેશની યુનિ.માંથી કર્યા બાદ વિદ્યાર્થીએ ભારતમાં મેડિકલ પ્રેક્ટિસ-રજિસ્ટ્રેશન માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા લેવાતી ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામ ફરજીયાત આપવાની હોય છે ત્યારે એક્ઝાનિશન બોર્ડ દ્વારા આ પરીક્ષા પાસ કરી ચુકેલા ગુજરાતના 3 સહિત દેશના કુલ 8 ઉમેદવારોના પરિણામ-પાસિંગ સર્ટિફિકેટ લાયકાતોના કારણોસર રદ કર્યા છે.
બોર્ડ દ્વારા દર વર્ષે જુન અને ડિસેમ્બરમાં લેવામા આવે છે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામ
આ પરીક્ષા આપતા પહેલા દરેક વિદ્યાર્થીએ નિયમો મુજબ પ્રાયમરી મેડિકલ ક્વોલિફિકેશનના આધારે એક્ઝામ આપવા માટે એલિજિબિલિટી સર્ટિફિકેટ મેળવવાનું હોય છે અને જેમાં વિદ્યાર્થીએ વિદેશમાં ભણેલા કોર્ષ-વિવિધ વિષયો-ઈન્ટર્નશિપના ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય છે પ્રોવિઝનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે.
બોર્ડ દ્વારા તમામ ઉમેદવારોના ડોક્યુમેન્ટ મેડિકલ કમિશનના નિયમો મુજબ ચેક કરવામા આવે છે. બોર્ડના ધ્યાને આવ્યુ છે કે ગુજરાત સહિત દેશના 8 ઉમેદવારો-વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ ખોટા હોય અથવા તો લાયકાતો પરીક્ષા માટે પુરતી નથી. જેથી નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા આઠેય વિદ્યાર્થીઓને ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ પાસ કર્યા બાદ અપાયેલા પાસિંગ સૉર્ટફિકેટ-પરિણામ રદ કરીને સર્ટિફિકેટ પાછા ખેંચવામાં આવ્યા છે.
આ આઠ વિદ્યાર્થીઓમાં પાંચ વિદ્યાર્થીઓએ ડિસેમ્બર 2023ના સેશનમાં ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામ આપી હતી, જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ જુન 2023ના સેશનમાં પરીક્ષા આપી હતી. ગુજરાતના 3 વિદ્યાર્થીઓમાં આણંદનો નેઈલ સથવાર, આણંદની જાનવી પટેલ અને અમદાવાદનો ફરહાન મનસુરી છે. નેશનલ એક્ઝામ બોર્ડ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને અપાયેલી નોટિસમાં જણાવવામા આવ્યુ છે કે વિદેશની યુનિ.માં કુલ છ વર્ષના અભ્યાસમાં છઠ્ઠા સેમેસ્ટરથી 12 માં સેમેસ્ટર સુધી ઈન્ટર્નશિપ હતી અને છઠ્ઠા વર્ષના સીલેબસમાં યુનિ.દ્વારા નવા વિષયો ભણાવવામા આવ્યા છે.
જેથી ફોરેન ગ્રેજ્યુએટ એક્ઝામ આપવા માટે એલિજબિલિટી સર્ટિફિકેટ મેળવવા રજૂ કરાયેલુ પ્રોવિઝનલ સર્ટિફિકેટ ગેરમાર્ગે દોરનારુ છે અને ડિગ્રી જે તે સેશનની કટ ઓફ ડેટ એટલ કે મુદત પછીની છે. પ્રાયમરી મેડિકલ ક્વોલિફિકેશન માટે રજૂ કરાયેલા ખોટા ડોક્યુમેન્ટ તેમજ કોર્સ પુરો કર્યા વિના ફોરેન ગ્રેજ્યુએટ એક્ઝામ આપવા માટે પરિણામ-પાસિંગ સર્ટિ રદ કરવામા આવે છે.
બોર્ડે જે તે મેડિકલ કાઉન્સિલને પરિણામ-પાસિંગ સર્ટિફિકેટ રદ કરવા બાબતે પણ જાણ કરી હોઈ હવે જે તે મેડિકલ કાઉન્સિલ દ્વારા એક્ઝામના પાસિંગ પરિણામના આધારે અપાયેલા મેડિકલ પ્રેક્ટિસ રજિસ્ટ્રેશન નંબર પણ રદ કરવાની કાર્યવાહી કરાશે. જે કે સ્ટેટ મેડિકલ કાઉન્સિલનું કહેવુ છે કે પ્રથમવાર આ પ્રકારની નોટિસ અમને મળી છે.