ભાજપના ગજેન્દ્રસિંહ પરમાર પર ગૃહવિભાગના આશીર્વાદ યથાવત્ : દુષ્કર્મ મામલે ફરાર ધારાસભ્યની ભાળ આપી પણ પોલીસે કહ્યું- 'તે ઘરમાં નથી'
Ahmedabad : મહિલા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં પોલીસનો દાવો કરવામાં આવે છે કે ફરાર પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ કોઇ કડી મળતી નથી. જેથી તેમની ધરપકડ કરવામાં આવતી નથી. ત્યારે અગાઉ બે વાર ગજેન્દ્રસિંહ પરમારનું લોકેશન આપવામાં આવ્યું હોવા છંતાય પોલીસ સ્થળ પર પહોંચી નહોતી. ત્યારબાદ ગુરૂવારે ખુદ ફરિયાદી મહિલાએ ગજેન્દ્રસિંહના વખતપુર ગામમાં આવેલા મકાનની બહાર વોચ ગોઠવીને ગજેન્દ્રસિંહ પરમાર તેના ઘરે આવ્યો હોવાની ચોક્કસ ખાતરી કરીને સાબરકાંઠા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જો કે પોલીસે બે કલાક જેટલો સમય લગાવ્યો અને ઘરમાં તપાસ કરીને ગજેન્દ્રસિંહ પરમાર ઘરમાં ન હોવાનું કહીને મહિલા સાથે ગેરવર્તન કર્યું હતું. આમ, ફરી એકવાર ગૃહવિભાગ સાથેની સીધી સાંઠગાંઠનો મામલો સામે આવ્યો છે.
ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ઘરે હોવાની જાણ ફરિયાદી મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમમાં કરી પણ પોલીસ બે કલાક બાદ આવી : ઘરેથી ભગાડી દીધો હોવાનો પોલીસ પર આરોપ
ભારતીય જનતા પાર્ટીના પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ ગાંધીનગર સેક્ટર-21 પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા સાથે દુષ્કર્મ આચરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે ગાંધીનગર પોલીસને રાજકીય દબાણમાં આવ્યા વિના કાર્યવાહી કરવાની સુચન આપી છે. પરંતુ, માત્ર ગાંધીનગર પોલીસ જ નહી પણ ગૃહવિભાગ દ્વારા જ ગજેન્દ્રસિંહની ધરપકડ ન કરવા માટે રાજકીય દબાણ ઉભુ કરવામાં આવ્યું છે અને પોલીસ અલગ અલગ કારણ આપીને ધારાસભ્ય ફરાર હોવાથી તેની ધરપકડ થઇ ન શકતી હોવાનું કારણ આપતા હતા. જેથી આ મામલે ફરીયાદી મહિલાને પોલીસતંત્ર પર વિશ્વાસ ન રહેતા તેણે જાતે ધારાસભ્ય અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં ગુરૂવારે તેણે ગજેન્દ્રસિંહ પરમારને તેના વખતપુર ગામના મકાનમાં આવતો જોયો હતો. જેથી તણે તાત્કાલિક સાબરકાંઠા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. પરંતુ, ફોન ઉપાડનાર મહિલા પોલીસ કર્મચારીએ ફરિયાદી મહિલાને કહ્યું હતું કે કેસ ગાધીનગરનો છે તો સાબરકાંઠા પોલીસ કંટ્રોલરૂમમાં શા માટે કોલ કર્યો? જો કે ફરિયાદી મહિલાએ તેને ગજેન્દ્રસિંહ તેના ઘરે હોવાની માહિતી કોઇપણ પોલીસને આપી શકે તેમ કહીને તાત્કાલિક ધરપકડ માટે પોલીસ સ્ટાફ મોકલવા માટે કહ્યું હતું. પરંતુ, પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યાના બે કલાક બાદ તલોદ પોલીસનો સ્ટાફ આવ્યો હતો અને મહિલાને ગજેન્દ્રસિંહ પરમારના ઘરની બહાર ઉભા રહેવાનું કહીને અંદર તપાસ કરી હતી . પરંતુ, ગજેન્દ્રસિંહ તેના ઘરે ન હોવાનું કહીને પોલીસને ખોટી રીતે ધમકાવી હોવાનું કહીને ફરીથી ગેરવર્તન કર્યું હતું.
આ મામલે ફરિયાદી મહિલાએ પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે આરોપી ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને ગાંધીનગર પોલીસની સાથે ગૃહવિભાગ દ્વારા છાવરવામાં આવે છ. આ અગાઉ પણ બે વાર પોલીસને લોકેશન આપ્યું હોવા છતાંય, પોલીસે તેને પકડવાનુ ટાળ્યું હતું.