પાન-માલા ગુટકાના વેપારીઓની ૫.૬૮ કરોડની જીએસટી ચોરી પકડાઈ
પાનમસાલા અને ગુટકાના વેપારીઓના ૨૨ સ્થળે દરોડા
રોકડેથી બિનહિસાબી વેપાર કરવાનું વલણ હોવાનું બહાર આવ્યું બિનહિસાબી માલનો મોટો જથ્થો પણ ધ્યાનમાં આવ્યો
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
અમદાવાદના ચાંગોદર, મણિનગર, કુબેર નગર સહિતના ૨૨ સ્થળે પાનમસાલા અને ગુટકાના વેપારીઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કચેરી દ્વારા ગત ૨૫મી માર્ચે પાડવામાં આવેલા દરોડામાં રૃા. ૫.૬૮ કરોડની ચોરી પકડી પાડવામાં સફળતા મળી છે. આ વેપારીઓ બિનહિસાબી માલનો રોકડેથી વેપાર કરતાં હોવાનું બહાર આવ્યું છે.
જીએસટી કચેરીના અધિકારીઓએ પાડેલા દરોડા દરમિયાન રોકડેથી પાન મસાલા અને ગુટકાની પડીકીઓનો મોટેપાયે વેપાર કરવામાં આવતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તેમણે ચોપડે ન દર્શાવેલો હોય તેવો પણ મોટો જથ્થો મળી આવ્યો છે. જીએસટીનું રજિસ્ટ્રેશન પણ ન ધરાવતા ડીલરો પાસેથી અંદાજે રૃા. ૫.૬૮ કરોડની જીએસટીની ચોરી પકડી પાડવામાં સફળતા મળી છે.
જોકે ચાંગોદર વિસ્તારમાં જ પાન મસાલા ગુટકાની મોટી બ્રાન્ડને ત્યાં રોજ રોજ સેંકડો ટ્રક આવતી હોવાનું અને તેના માધ્યમથી જીએસટીની મોટે પાયે ચોરી થતી હોવાનો કિસ્સો ગાજેલો છે. આ ગુટકા કે પાનમસાલાના ઉત્પાદકો સાથે ગુજરાતના જીએસટી અધિકારીઓ સારી પેઠે મળેલો હોવાથી તેની સામે કોઈ જ પગલાં લેવામાં આવતા ન હોવાનું જાણવા મળી રહ્યું છે. પાનમસાલા અને ગુટકાના મોટા ઉત્પાદક સાથે જીએસટી અધિકારીઓનું મોટું સેટિંગ હોવાનું જાણવા મળી રહ્યું છે.