અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે જી.એસ. મલિકે ચાર્જ સંભાળ્યો, ગાર્ડ ઓફ ઓનર અપાયું
જી.એસ. મલિકની 8 જાન્યુઆરી 1994ના રોજ IPS તરીકે નિમણૂક કરવામાં આવી હતી
ગુજરાતમાં જી.એસ. મલિક અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને નર્મદા સહિતના જિલ્લામાં ફરજ બજાવી ચૂક્યા છે
અમદાવાદઃ શહેરને નવા પોલીસ કમિશ્નર મળ્યાં છે. અગાઉ સંજય શ્રીવાસ્તવ ફરજ નિવૃત્ત થતાં તેમના પદ પર પ્રેમવીર સિંહને ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર તરીકે વધારાની ફરજ સોંપવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં IPS અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ અને વડોદરાને નવા પોલીસ કમિશ્નર મળ્યા હતાં. અમદાવાદમાં જી.એસ. મલિકની નવા પોલીસ કમિશ્નર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. આજે તેમણે સત્તાવાર પોલીસ કમિશ્નર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
જી.એસ. મલિક 1993 બેચના IPS અધિકારી છે
અમદાવાદના નવા પોલીસ કમિશ્નર જી.એસ. મલિકને શાહિબાગ પોલીસ કમિશ્નર કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, જી.એસ. મલિક 1993 બેચના IPS અધિકારી છે. 8 જાન્યુઆરી 1994ના રોજ IPS તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેઓ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને નર્મદા સહિતના જિલ્લામાં ફરજ બજાવી ચૂક્યા છે. જી.એસ. મલિક BSFના વડા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.