અમદાવાદમાં જો આ સ્થિતિ રહી તો બેંગ્લોર જેવો વારો આવશે, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
Ground Water


Ahmedabad: ગુજરાતમાં ભૂગર્ભજળની સ્થિતી ચિંતાજનક છે ત્યારે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ-2023ના રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે, અમદાવાદ શહેરમાં ભૂગર્ભજળનો ધૂમ ઉપયોગ થઇ રહ્યો છે. હાલ અમદાવાદમાં 152 ટકા ભૂગર્ભજળ વપરાઇ રહ્યુ છે. તે જોતાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, જો વરસાદી પાણીનું રિચાર્જ કરવામાં નહી આવે અને આ જ સ્થિતી રહી તો, અમદાવાદ શહેરમાં ભૂગર્ભજળ ખતમ થઇ જશે અને પાણીની સમસ્યા વિકરાળ બનશે.  

અમદાવાદ શહેરમાં ભૂગર્ભજળનો 152 ટકા ઉપયોગ

ગુજરાતમાં ભૂગર્ભજળનો આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના રિપોર્ટમાં એવા તારણ રજૂ કરાયા છે કે, વરસાદને કારણે ભૂગર્ભજળ રિચાર્જ થાય છે પરિણામે જમીનમાં નીચે ઉતરેલાં પાણીના સ્તર ઉંચે આવે છે. પણ કડવી હકીકત એ છે કે, રિચાર્જની સરખામણીમાં ભૂગર્ભજળનો વપરાશ વઘુ થાય છે જે ચિંતાજનક છે. જેમ કે, અમદાવાદ શહેરમાં વરસાદને કારણે 8944.47 એચએએમ પાણીથી રિચાર્જ થયુ જયારે અન્ય સ્ત્રોતને કારણે 2026 એચએએમ રિચાર્જ થયુ હતુ. આમ, કુલ મળીને 13381.73 એચએએમ પાણી રિચાર્જ થયુ હતું.

આ પણ વાંચો: વિશ્વના વિશાળ ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સમાં કસ્ટમ હાઉસ શરૂ કરવા મંજુરી મળી

સિંચાઇ-ઘરવપરાશમાં ભૂગર્ભજળનો ઉપયોગ વઘુ 

આ તરફ, અમદાવાદમાં વર્ષે 12712,65 એચએએમ ભૂગર્ભજળનો ઉપયોગ થઇ રહ્યો છે જેમાં 18.279 એચએએમ સિંચાઇ માટે વપરાઇ રહ્યુ છે. જ્યારે 325 એચએએમ ઉદ્યોગમાં અને 819.36 એચએએમ ભૂગર્ભજળ ઘરવપરાશમાં ઉપયોગ થઇ રહ્યુ છે. કુવામાંથી ઇલે.મોટરના માઘ્યમથી બેફામ રીતે ભૂગર્ભજળ ખેંચાઇ રહ્યુ છે ત્યારે હાલ અમદાવાદ શહેરમાં 152 ટકા ભૂગર્ભજળનો ઉપયોગ થઇ રહ્યો છે. આ જોતાં અમદાવાદ શહેર વઘુ પડતાં ભૂગર્ભજળના ઉપયોગની જોખમી કેટેગરીમાં મૂકાયુ છે. 

પાણીમાં ક્ષારની માત્રા વધતાં રોગોને નોતરુ મળી રહ્યુ છે

ચિંતાની વાત એ પણ છે કે, અમદાવાદ શહેરના કુલ 47359.34 હેક્ટર જમીન પૈકી 41990 હેક્ટર જમીનમાં રિચાર્જ થઇ રહ્યુ છે. આમ છતાંય 5368 હેક્ટર જમીનમાં પાણીની ગુણવત્તા બગડી છે જે માનવ સ્વાસ્થય માટે જોખમી પુરવાર શકે છે. ક્ષારની માત્રા વધતાં રોગોને નોતરુ મળી રહ્યુ છે. આ કારણોસર જ સાંધાના દુખાવાથી માંડીને અન્ય રોગના દર્દીઓની સંખ્યા વધી રહી છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, ચોમાસા પછી અમદાવાદ શહેરમાં પાણીનું સ્તર 20.06 મીટરે પહોંચી જાય છે. 

આમ, જો ભૂગર્ભજળના વપરાશ પર કાબૂ નહી મેળવાય તો આગામી દિવસોમાં અમદાવાદમાં શહેરમાં પાણીની સમસ્યા વઘુ ઘેરી બનશે કેમકે, જમીનમાંથી ભૂગર્ભજળ જ ખતમ થઇ જશે.

આ પણ વાંચો: રાજ્યમાં મોંઘવારીથી પીસાતી પ્રજા ઉપર બોજ, તોતિંગ વધારા સાથે કોલેજોનું 3 વર્ષનું નવું ફી માળખુ જાહેર

પાણીના બોર બનાવવા પર કોઇ રોકટોક નહીં, સરકાર જ બેખબર

કેન્દ્ર સરકારના આદેશ મુજબ, પાણીનો બોર બનાવવો હોય તો પૂર્વ મંજૂરી લેવી પડે. એટલુ જ નહીં, જો નિયમનુ ઉલ્લંઘન કરાય તો એક લાખ સુધીના દંડની જોગવાઇ છે. જોકે, પાણીના બોર પર તંત્રનો કોઇ કાબૂ નથી પરિણામે મનફાવે તેમ બોર બનાવી ભૂગર્ભજળનો બેફામ રીતે ઉપયોગ કરવામાં આવે છે. એટલુ જ નહીં, પાણીનો વેપાર સુઘ્ધાં કરવામાં આવે છે. સરકારે આ મામલે ચોક્કસ પોલીસી સુઘ્ધાં ઘડી નથી.આ કારણોસર આગામી દિવસોમાં ભૂગર્ભજળની સમસ્યા ફેણ માંડશે. 

અમદાવાદમાં જો આ સ્થિતિ રહી તો બેંગ્લોર જેવો વારો આવશે, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો 2 - image


Google NewsGoogle News