સાબરમતી રિવરફ્રન્ટ તંત્રની ઘોર બેદરકારી , એક વર્ષથી વિના લાયસન્સ સાબરમતીમાં બોટીંગ ચાલતુ હતુ

થોડા મહિના અગાઉ એક મહિલા બોટીંગ સમયે ડૂબતા બચતા મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરાઈ હતી

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News

     સાબરમતી રિવરફ્રન્ટ તંત્રની ઘોર બેદરકારી , એક વર્ષથી વિના લાયસન્સ  સાબરમતીમાં બોટીંગ ચાલતુ હતુ 1 - image

  અમદાવાદ,બુધવાર,24 જાન્યુ,2024

વડોદરાના હરણી તળાવમાં બનેલી દુર્ઘટનાને પગલે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.એક વર્ષથી વિના લાયસન્સ ત્રણ સ્પોટ ઉપર બોટીંગ ચાલતુ હોવા છતાં મ્યુનિ.તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરાઈ નહીં હોવાનો મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષે આક્ષેપ કરતા તંત્ર અને શાસકપક્ષે મૌન ધારણ કરી લીધુ હતુ.નોંધનીય છે કે થોડા મહિના અગાઉ સાબરમતીમાં બોટીંગ સમયે એક મહિલા ડુબતા બચી જતા તેમણે ઘટના મામલે ટ્વિટ કરી રાજયના મુખ્યમંત્રીનુ ધ્યાન દોર્યુ હતુ.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વડોદરામાં બનેલી દુર્ઘટના બાદ બોટીંગ પ્રવૃત્તિ બંધ કરાવી દેવામાં આવી છે.આ મુદ્દે મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે આક્ષેપ કરતા કહયુ, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની બેદરકારીના કારણે જ એક વર્ષથી  ફાયર વિભાગ ઉપરાંત પોલીસ, આર.એન્ડ બી.વિભાગ સહિત અન્ય ઓથોરિટીના લાયસન્સ નહીં હોવા છતાં વલ્લભસદન ઉપરાંત ઉસ્માનપુરા અને એન.આઈ.ડી.એમ ત્રણ સ્થળે બોટિંગની વ્યવસ્થા કરવામા આવી હતી.વલ્લભસદન અને ઉસ્માનપુરા ખાતે એક જ કોન્ટ્રાકટરને બોટીંગ માટેનો કોન્ટ્રાકટ આપવામા આવેલો છે.એન.આઈ.ડી.ની પાછળના ભાગમા નવ મહિનાથી કાયાકીંગ બોટીંગ શરુ કરવામાં આવેલુ છે. અન્ય એક સ્પોટ ઉપર એટલાન્ટીક નામના કોન્ટ્રાકટરને બોટીંગ માટેનો કોન્ટ્રાકટ આપવામાં આવેલો છે.સાબરમતી રિવરફ્રન્ટ તંત્ર હરણી તળાવની દુર્ઘટના બાદ ઉંઘતુ ઝડપાઈ જતા કોન્ટ્રાકટરોને ફાયર,પોલીસ સહિતના લાયસન્સ રજુ કરવા આદેશ કર્યો છે.આ બાબત મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર અને શાસકપક્ષ  બંને માટે  ખુબ ગંભીર  અને શરમજનક છે.


Google NewsGoogle News