'UPSC લેવલનું પેપર પૂછાયું...' GPSC ક્લાસ 1-2ની પરીક્ષા પૂર્ણ, પાલનપુરમાં 5 મિનિટ મોડું થતાં પરીક્ષાર્થીઓને પ્રવેશ ન મળ્યો
GPSC Exam : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની ક્લાસ 1-2ની પરીક્ષા આજે રવિવારે (20 એપ્રિલ, 2025) લેવામાં આવી હતી. જેમાં ગુજરાતના 21 જિલ્લામાં 97 હજારથી વધુ ઉમેદવારો માટે પરીક્ષા યોજાઈ હતી. આ વખતે પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોને પોણા બે કલાક વહેલા પ્રવેશ આપવામાં આવ્યો હતો. GPSCની પરીક્ષા નવી પેટર્ન લેવામાં આવી છે, ત્યારે પરીક્ષાર્થીઓને સમય ઓછો પડ્યો હોય તેમ જણાવ્યું હતું. જ્યારે પેપર UPSC લેવલનું પૂછાયું હોવાનું પરીક્ષાર્થીઓનું કહેવું છે.
'UPSC લેવલનું પેપર પૂછાયું...'
GPSCની ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની જાહેરાત ક્રમાંક- 240/2024-25ની કુલ 244 જગ્યા માટે આજે રવિવારે પ્રિલિમિનરી પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષાને લઈને પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું કે, 'પેપર બહુ લાંબુ અને અઘરું હતું, એટલે પૂરેપૂરો સમય માંગી લે તેવું હતું. જેમાં અમુક પ્રશ્નોને છોડીને મોટાભાગના સવાલો વિધાન વાળા હતા. જ્યારે આ વખતે પેપરમાં કરન્ટ અફેર્સ વધારે પૂછાયું હતું. GPSCની પરીક્ષાની પેટર્ન બદલાઈ છે, ત્યારે લેવામાં આવેલું પેપર UPSC લેવલનું પૂછાયું હતું.'
આ પણ વાંચો: આજે GPSC ક્લાસ 1-2ની પરીક્ષાઃ ગુજરાતના 97000 ઉમેદવારોની કસોટી
5 મિનિટ મોડા થતા પરીક્ષાર્થીઓને પરીક્ષાખંડમાં પ્રવેશ ન મળ્યો
રાજ્યમાં આજે રવિવારે GPSCની ક્લાસ 1-2ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં પાલનપુરના વિદ્યામંદિર ખાતે યોજાયેલી પરીક્ષામાં 20થી 25 જેટલા પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવાની તક ગુમાવવી પડી છે. પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર 5 મિનિટ મોડા પહોંચતા પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.