40 કરોડ તો ગયા પાણીમાં! વધુ 52 કરોડ ખર્ચી ગુજરાતના ચર્ચિત બ્રિજનું થશે ડિમોલિશન-રિનોવેશન
Demolition-Renovation Of Hatkeshwar Bridge: અમદાવાદમાં હાટકેશ્વર પુલ વિવાદનું ઘર બન્યો છે. ભાજપના ભ્રષ્ટ સત્તાધીશો અને અધિકારીઓની ભ્રષ્ટ નીતિનો અમદાવાદીઓ ભોગ બની રહ્યાં છે. એટલુ જ નહીં, સોશિયલ મીડિયામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટિ્વટર વોર જામ્યો છે. આ મામલે આક્ષેપબાજી જામી છે. ખુદ ગૃહમંત્રીએ ટિ્વટ કરીને બળતામાં ઘી હોમ્યુ છે. હાટકેશ્વર પુલનુ ડિમોલેશન કરી નવનિર્માણ કરવા પાછળ વધુ રૂ.12 કરોડનો ધુમાડો કરવામાં આવશે પરિણામે ખાતર પર દિવેલ જેવો ઘાટ સર્જાયો છે ત્યારે અમદાવાદીઓને પડેલી હાલાકી, કરોડો રૂપિયાનો માનવશ્રમ અને સરકારી મશીનરીનો વ્યય એ બધાની તો કોઇ ગણતરી જ કરતું નથી.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ભ્રષ્ટ સત્તાધીશોએ રૂ. 40 કરોડના ખર્ચે ગુણવત્તાને કોરાણે મૂકી હાટકેશ્વર પુલ બનાવ્યો હતો પણ આ મામલે આખુય કૌભાંડ ઉજાગર થતાં ભાજપના નેતા-અધિકારીઓની ખાયકીની પોલ ઉઘાડી પડી હતી. શહેરીજનોએ પણ હાટકેશ્વર પુલ તોડી પાડવાની માંગ માટે લડત લડી હતી. લાંબી લડતના અંતે મ્યુનિ,કોર્પોરેશને આ પુલ તોડવા નિર્ણય કર્યો છે.
હવે એવુ નક્કી કરાયુ છે કે, રૂ. 8 કરોડના ખર્ચે હાટકેશ્વર પુલ તોડી પાડવામાં આવશે જ્યારે રૂ.44 કરોડના ખર્ચે કરાશે. આમ, પુલના નિર્માણને લઇને વઘુ રૂ.12 કરોડનો ખર્ચ થાય તેમ છે.
આ વિવાદ એટલો ચગ્યો છે, ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપ લાજવાને બદલે ગાજે છે. હાટકેશ્વર પુલ હવે ભ્રષ્ટાચારનો નમૂનો બન્યો છે. લાખો રૂપિયા ટેક્સ ચૂકવતા અમદાવાદના નાગરિકોને લાંબો સમય હાલાકી વેઠ્યાં પછી પણ સેવા-સુવિધા પણ મળતી નથી. આ તરફ, ગૃહમંત્રીએ એવુ ટિ્વટ કર્યુ છે કે, કોગ્રેસ હળાહળ જુઠ્ઠાણું ફેલાવે છે. રૂા.52 કરોડના ખર્ચમાં પુલનું ડિમોલિશન થશે અને નવા પુલનુ નિર્માણ પણ થશે. એટલું જ નહીં, કોન્ટ્રાકટર પાસેથી બધી વસૂલાત થશે. આમ, હાટકેશ્વર પુલને લઇ ભાજપ-કોંગ્રેસ આમને સામને આવ્યા છે.