Get The App

ગુજરાતનું કરપ્શન મોડલઃ કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર ભરતી કરો, પછી ટેક્સ વસૂલી તેમને કંગાળ કરો

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
Corruption in Gujarat


Corruption in Gujarat: ગુજરાતનું વિકાસ અને રોજગારીનું મોડલ જેટલું પોસ્ટરોમાં દેખાય છે તેટલું ફુલગુલાબી છે નહીં. દરેક સ્તરે માત્ર વાતો અને વાયદાઓની જ વાત કરવામાં છે. મોટાભાગના સરકારી વિભાગોમાં, કૉર્પોરેશનમાં, પોલિસ ખાતામાં, હેલ્થ વિભાગમાં, પોસ્ટ વિભાગમાં, ઍરપૉર્ટ ઉપર અને જ્યાં પણ માણસોની જરૂર પડે છે ત્યાં કરાર આધારિત લોકોની પસંદગી કરીને નોકરી રાખવામાં આવે છે. ત્યાં સુધી કે સચિવાલયમાં પણ કામગીરી માટે નિવૃત્ત અધિકારીને જ કરાર આધારિત રાખી લેવાય છે. 

સરકારને જરૂર હોય અને નિવૃત્ત અધિકારી આવી શકે ત્યાં સુધી આ રીતે જ કામ ચલાવાયા છે. દરેક ખાતામાં સાવ નજીવા પગારે કરાર આધારિત માણસો રાખીને તેમનું શોષણ કરવાનું કામ સરકાર કરી રહી છે. 35 રૂપિયાના પેટ્રોલ ઉપર 95 રૂપિયા ટેક્સ અને સેઝ ઉઘરાવીને પ્રજાને 100 રૂપિયે પેટ્રોલ આપતી સરકાર પોતાના નેતાઓ પાછળ લાખો રૂપિયાના પેટ્રોલ-ડિઝલનું આંધણ કરી શકે છે. 

અંદાજે પાંચ લાખથી વધારે કરાર આધારિત કર્મચારીઓ

મહિનાનું પેટ્રોલ અને ખિસ્સા ખર્ચ પણ ન નીકળે તેટલો પગાર સરકાર એક વ્યક્તિને ચૂકવે છે અને તેમાં તેણે સમગ્ર પરિવારનું ભરણપોષણ કરવાનું હોય છે. અંદાજે પાંચ લાખથી વધારે કરાર આધારિત કર્મચારીઓ હશે અને તેમના પાંચ લાખ પરિવાર સાથે સરકાર છડેચોક અન્યાય કરી રહી છે અને પાંચથી દસ હજાર જેવી સામાન્ય રકમ આપીને તેમને લાંચ લેવા અને ખોટા કામ કરવા મજબૂર કરી રહી છે. 

રોજગારીના વાયદા મોટા મોટા

સરકારનું આ ખોટકાયેલું તંત્ર કરાર આધારિત લોકોના ખભે મૂકાયેલું છે. રાજ્યભરના યુવાનોને રોજગારી મળતી નથી પણ રોજગારીના વાયદા મોટા મોટા કરવામાં આવે છે. જ્યારે ખરેખર રોજગારી આપવાનો સમય આવે છે ત્યારે કરાર આધારિત ભરતીઓ કરીને નહીંવત્ પગારે લોકોને રાખવામાં આવે છે. પગાર અને નોકરીના નામે લોકોની લાયકાત અને અભ્યાસની છડેચોક મજાક કરવામાં આવે છે. 

સરકાર નાના કર્મચારીઓને પગાર આપવામાં ગરીબ

રાજ્યભરમાં કરપ્શનનું જે મોડલ ચાલી રહ્યું છે તે કલ્પના કરી શકાય તેમ નથી. ગાંધીનગરથી મંત્રીનો કાફલો એક વખત નીકળે એટલે એકાદ ચક્કરમાં 25,000ના પેટ્રોલનો ધુમાડો કરતી સરકાર નાના કર્મચારીઓના પગાર આપવામાં ગરીબ થઈ જાય છે. તેનાથી પણ ગંભીર વાત એવી છે કે, દિલ્હીથી આવતાં મોટા મોટા નેતાના એક પ્રવાસ પાછળ બેથી પાંચ કરોડનું આંધણ કરતી સરકાર પ્રજાની પરસેવાની કમાણીના વેડફાટ પાછળ વિચાર કરતી નથી. 

નેતાઓને, મંત્રીઓને લાખોના ખર્ચે સવલતો અપાય છે પણ લોકોને સવલત આપવાની કે નોકરીમાં પગાર આપવાની વાત આવે ત્યારે સરકાર ગરીબ બની જાય છે. ઉત્સવોના નામે કરોડો રૂપિયા ફૂંકી મારતી સરકાર પાસે પ્રજા માટે પૈસા નથી.

ગુજરાતનું કરપ્શન મોડલઃ કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર ભરતી કરો, પછી ટેક્સ વસૂલી તેમને કંગાળ કરો 2 - image

ટ્રાફિક પોલીસનો માસિક પગાર માત્ર રૂ. 8100 છે 

રાજ્યમાં સૌથી પહેલાં જો કરપ્શનની બૂમો પડતી હોય તો તે પોલીસ ખાતામાં પડે છે. તેમાંય ટ્રાફિક વિભાગમાં જે રીતે તોડ કરવામાં આવે છે તેનાથી પ્રજા તોબા પોકારી ગઈ છે. આ સ્થિતિના મૂળમાં ઉતરીએ તો ખ્યાલ આવશે કે સરકાર દ્વારા જ પડદા પાછળ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ટ્રાફિક રેગ્યુલેશન બોર્ડ દ્વારા ટ્રાફિકના નિયમન અને જાળવણી માટે મોટાપાયે જવાનોની ભરતી કરવામાં આવી છે. 

આ જવાનોને કોઈ બેઝિક સુવિધાઓ મળતી નથી. સિગ્નલ ઉપર આખો દિવસ ધુમાડા, ઘોંઘાટ, ટ્રાફિક અને લોકોની રકઝક વચ્ચે જ ઊભા રહેવાનું હોય છે. તેમના માટે પીવાના પાણી કે ટોઇલેટની પણ પૂરતી વ્યવસ્થા હોતી નથી. તેમની સાથે સૌથી મોટી મજાક તો પગારના નામે કરવામાં આવે છે. આખો મહિનો કરાર આધારિત ટ્રાફિક પોલીસ કામ પૂરું કરે ત્યારે તેના હાથમાં માત્ર 8100 રૂપિયા જેવી નજીવી રકમ જ આવે છે. આ રકમમાં વ્યક્તિ ઘર ચલાવે, સંતાનોને ભણાવે, તહેવાર ઉજવે, પોતાના વાહનમાં પેટ્રોલ ભરાવે કે પછી પોતાના અંતરઆત્માને જીવંત રાખીને લાંચ લીધા વગર સજાગ તરીકે નોકરી ચાલુ રાખે. આ વ્યક્તિ કૌભાંડ નહીં કરે, લોકોની સાથે તોડ નહીં કરે તો બીજું કરશે શું! 

અથાક મહેનત કર્યા પછી જો મહિનાના અંતે તેની પાસે 10,000 જેટલો પણ પગાર ન આવતો હોય તો ટ્રાફિક પોલીસ તોડ નહીં કરે તો બીજું કરશે શું? આ સિવાય ઉપરી અધિકારીઓ દ્વારા ટાર્ગેટ આપવામાં આવ્યા હોય છે. પોતાના ભરણા માટે પણ આવા લોકોને હાથા બનાવાયા છે. હવે જે હાથો સાહેબને કમાવી આપે તે પોતાનું ખિસ્સું થોડી ખાલી રહેવા દેવાનો છે!

કૉર્પોરેશનમાં પણ 400-450  રૂપિયાના રોજમદારો રખાયા છે

કૉર્પોરેશન શાળાઓમાં જ નહિ, અન્ય વિભાગોમાં ૫ણ રોજના 400થી 450 રૂપિયાના રોજમદારો રખાયા છે. તેમાંય રજાઓના પૈસા કાપી લેવામાં આવે છે. આ લોકોના હાથમાં પૂરા 10-12 હજાર પણ આવતાં નથી. તેમની પાસે પણ તમામ પ્રકારનું કામ કરાવવામાં આવે છે. સિટી સિવિક સેન્ટરમાં પણ આવા જ લોકોનો ભરાવો છે. 

તેઓ પોતાનું ફ્રસ્ટ્રેશન લોકો ઉપર ઉતારે છે. કલાકો સુધી તેઓ લોકોને લાઇનોમાં ઊભા રાખે છે. અહીંયા પણ કામ કરાવવા માટે પાછલા બારણે વહીવટો થાય છે. ઉપરી અધિકારીઓની રહેમ નજરે અને તેમની જ ભાગબટાઈના આધારે કામ થતા હોય છે. સૂત્રોના મતે અધિકારીઓ દ્વારા પોતાના વહીવટદાર અંદરખાને નીમાઈ જાય છે. તેઓ બધું સંભાળી લે છે અને મહિનાને અંતે તગડી રકમ પણ ભેગી કરી લેતા હોય છે.

ગુજરાતનું કરપ્શન મોડલઃ કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર ભરતી કરો, પછી ટેક્સ વસૂલી તેમને કંગાળ કરો 3 - image

આ પણ વાંચો: ગુજરાતમાં આવતીકાલથી ત્રણ દિવસ માવઠાની આગાહી, કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ

હેલ્થ અને સફાઈ સેક્ટરમાં પણ શોષણ, સ્મશાનના કર્મચારીને પણ નથી છોડ્યા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે હેલ્થ સેક્ટરમાં તો ડૉક્ટરો સિવાયનું મોટાભાગનું કામ કરાર આધારિત લોકોને આધીન જ ચાલે છે. મળતીયાઓની એજન્સીઓને પેટા કોન્ટ્રાક્ટ આપીને કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. તેમના દ્વારા કેસ કઢાવવાથી શરુ કરીને લાઇનમાં વહેલા લેવા, ઝડપી ટ્રિટમેન્ટ કરાવવા, આયુષ્યમાન કાર્ડ, મા કાર્ડ, બીજા હેલ્થ બેનિફિટ લેવા માટે પણ લાગવગો કરવામાં આવે છે. 

આ રીતે તેઓ લાંચિયાવૃત્તિના આધારે દૈનિક ધોરણે મોટી કમાણી કરતાં હોય છે. સફાઈ વિભાગમાં રસ્તા સાફ કરનારા કર્મચારીઓને પણ ખૂબ જ ઓછા પગાર આપવામાં આવે છે. તેઓ અન્ય કોઈ ખાનગી કામ કરે તો તેમની સામે પગલાં લેવામાં આવે છે. તેમને વધારાના કોઈ ભથ્થાં કે અન્ય લાભ અપાતા નથી અને બીજું કામ કરે તો અધિકારીઓ દબડાવે છે. સ્મશાનમાં કામ કરનારા કર્મચારીઓની તો સ્થિતિ સાવ કફોડી છે. તેમને તો પાંચ હજાર પગાર પરાણે આપવામાં આવે છે. આ લોકો ડેડબોડીને જ આવકનું સાધન બનાવી દે છે. ત્યાં આવતા લોકો પાસેથી ખિસ્સા ખર્ચના નામે પૈસા માંગ્યા કરે છે. 

ગુજરાતનું કરપ્શન મોડલઃ કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર ભરતી કરો, પછી ટેક્સ વસૂલી તેમને કંગાળ કરો 4 - image

શિક્ષણ વિભાગમાં કરાર કરવા એટલે કાંડા કાપીને આપી દેવાના

સરકારે શિક્ષણ વિભાગમાં પણ કરાર આધારિત શિક્ષકોની ભરતી કરી છે. પ્રાથમિકથી શરુ કરીને ઉચ્ચતર માધ્યમિક સુધી તમામ સ્તરે શિક્ષણના નામે દાઢિયા- મજૂરી કરતાં સહાયકોની જ ભરતી કરીને શિક્ષક અને શિક્ષણનું અપમાન કર્યું છે. તેમને પગારના આપવામાં આવે છે રૂ. 12000, માધ્યમિક અને ઉચ્ચતરમાં જ્ઞાન સહાયકોને 20,000 સુધી પગાર અપાય છે. તેની સાથે જે કાયમી શિક્ષક છે તેનો 70થી 80 હજાર જેટલો તોતિંગ પગાર હોય છે અને કામ કાયમી અને કરાર આધારિત શિક્ષક બંનેએ સરખા જ કરવાના હોય છે, કામ કરવાની ના પાડે તો કરાર રદ કરવાની અને ફરીથી કરાર રિન્યૂ નહીં કરવાની દમદાટી આપવામાં આવે છે. 

શિક્ષક સવારે સ્કૂલમાં જાય ત્યારથી રાત્રે ધરે ઊંઘી જાય ત્યાં સુધી જાતભાતના ફોર્મ ભરે રાખવાના. અધિકારીઓ અડધી રાત્રે વોટ્સએપ ગ્રૂપમાં તાયાફાઓના આદેશ જારી કરે છે. વેકેશનનો પગાર આપવાનો નહીં, ગમે ત્યારે વેકેશનમાં તાલીમ રાખી દેવાની. શાળા પૂરી થયા પછી તાલીમ રાખવાની અને સવારે સાડા છ વાગ્યે શાળા ગયેલા શિક્ષકને તાલીમના નામે સાંજે છ વાગ્યા સુધી ગોંધી રાખવાનો. સરકારી દરેક ઉત્સવોમાં ભીડ બનાવીને લઈ જવાના. કહેવાય છે કે ગુજરાતનું શિક્ષણ ગુણવત્તા વગરનું થતું જાય છે, તેનું કારણ કરારના નામે શોષણ અને શિક્ષણના નામે ઉત્સવો અને તાયફા છે. 

ઉદ્યોગપતિઓના નફા વધ્યા, દેવાં માફ પણ મધ્યમવર્ગને હળહળતો અન્યાય

છેલ્લા એક દાયકામાં કેન્દ્ર દ્વારા લોકોનો વિકાસ થાય તેવી કોઈ નક્કર યોજના લાવવામાં આવી નથી. લોકોને માત્ર મફત અનાજ આપવાની એક યોજના ચાલે છે જેમાં લોકોને ગુલામ અને બિચારા બનીને જીવવાનું દબાણ આવી રહ્યું છે. ગરીબ વ્યક્તિ ભણી શકે, આગળ વધી શકે, નોકરી મેળવી શકે અથવા વ્યવસાય કરી શકે તેવી કોઈ કામગીરી જમીની સ્તરે થઈ નથી. 

કાગળ ઉપર અને પોસ્ટરોમાં તો ભારતનો અધધધ વિકાસ થયો છે. દુનિયાની મોટી ઈકોનોમીમાં ભારતની ગણના થવા લાગી છે. જો ખરેખર જોવામાં આવે તો છેલ્લા એક દાયકામાં ભારતમાં કે પછી ગુજરાતમાં માત્ર ઉદ્યોગપતિઓ જ માલામાલ થયા છે. તેમની આવક અધધ વધી છે. તેમના નફામાં 20 ટકા સુધીનો તોતિંગ ઉછાળો આવ્યો છે પણ ગરીબોની આવકમાં કે કરાર આધારિત લોકોના પગારમાં પાંચ ટકાનો પણ વધારો કરવામાં આવ્યો નથી. 

ઓછું ભણેલા, અંગુઠાછાપ જેવા નેતાઓ અને મંત્રીઓને કરોડોની કિંમતના મકાનો, તગડાં ભથ્થાં અને પગાર, હવાઈ સફરો, વિદેશ પ્રવાસો કરાવવા માટે સરકાર પાસે પૈસા છે. જે જનતાની ઉપર કમરતોડ ટેક્સ ઝીંક્યો છે. તેમના વિકાસ માટે કે લોકોને પગાર આપવા માટે સરકાર પાસે પૈસા નથી. 

નેતાઓ અને મંત્રીઓના બિનજરૂરી કાફલા, પ્રવાસો, ભથ્થાં બધું બંધ કરી દેવામાં આવે, તાયફા ઓછા કરવામાં આવે તો પૈસા આપોઆપ બચે તેમ છે. આ બચેલા પૈસા લોકોના પગાર વધારીને કે તેમના માટેની સુવિધાઓ વધારેને સદુપયોગમાં લેવામાં આવે તો લેખે લાગે. બાકી તો જે અંધેરરાજ ચાલે છે તે જ ચાલતું રહેશે અને પ્રજા બિચારી હેરાન થતી રહેશે.

ગુજરાતનું કરપ્શન મોડલઃ કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર ભરતી કરો, પછી ટેક્સ વસૂલી તેમને કંગાળ કરો 5 - image

પોતાનું કામ કરાવવા નાના કર્મચારીઓને અલગ વ્યવહાર

સૌથી મોટી વાત તો એ છે કે, મોટા અધિકારીઓ, કેટલાક મામલતદારી અને કેટલાક વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ પોતાના હાથ નીચે આવા કેટલાક કરાર આધારિત અને નાના કર્મચારીઓ રાખ્યા છે જે તેમનું કામ કરી આપે છે. ઑફિસનું કામ તો કરી જ આપે છે, કેટલાક તો પોતાના અંગત કામકાજ પણ આવા કર્મચારીઓ પાસે કરાવે છે અને તેના માટે અલગથી પગાર આપે છે. 

ઇન્કમટેક્સ વિભાગમાં પણ ઘણા પ્યૂન અને સેવકો છે જેઓ અધિકારીઓના કામ કરે છે અને તેના માટે તેમને અલગથી વ્યવહાર પણ કરાય છે. ઓછા પગારે ભરતી કરીને શોષણ કરવાનું અને ત્યારબાદ એકસ્ટ્રા ઇન્કમ કરાવીશું તેવું કહીને પોતાનું કામ કરાવી લેવાનું ચલણ સરકારી સિસ્ટમમાં જોવા મળે છે. 

આ પણ વાંચો: દર્દીની સારવાર દરમિયાન RMP ડીગ્રી દર્શાવવાના નિયમની ઐસીતૈસી

આ તમામ વિભાગોમાં ચાલતા ગોરખધંધા જોનારું કોઈ જ નથી. બહુમતીના નામે ચાલતી આ ડબલ એન્જિન સરકારની પાસે લોકોની સામે જોવા કે લોકોનું ભલું કરવાનો સમય જ નથી અને કદાય હવે તો ઇચ્છાશક્તિ પણ નથી. 

સચિવાલયમાં પણ કોન્ટ્રાક્ટ પ્રથા અને કૌભાંડ પ્રથા જ અમલમાં

સચિવાલયમાં પણ કોન્ટ્રાક્ટ પ્રથા અને કૌભાંડ પ્રથા ચાલ્યા જ કરે છે. અહીંયા પણ બારથી પંદર હજારના પગારદાર કર્મચારીઓનો જમાવડો છે. સરકાર દ્વારા સીધી કે કાયમી ભરતી કરવામાં આવતી નથી. માત્ર રોજગારીના નામે યુવાનોને સસ્તા પગારે મજૂરી કરવા રાખવામાં આવે છે. જે લોકોને મજબૂરી છે તેઓ નોકરી કરે છે અને તેમનું મોટાપાયે શોષણ પણ કરવામાં આવે છે. સિનિયર અધિકારીઓ અને કર્મચારીઓ તગડા પગાર લઈને કામ કરતાં હોતા નથી અને આવા નવા લોકોને નોકરી લઈ લેવાની દમદાટી આપીને કામ કરાવતા હોવાના પણ અહેવાલો છે. 

આ સિવાય સૌથી મોટો ફાયદો કૌભાંડોનો છે. નેતાઓ, અધિકારીઓ દ્વારા કોઈપણ વિભાગમાં મોટો વહીવટ કરવામાં આવે તેમાં મુખ્ય કામ કરનાર પ્યાદુ આવા જ કોઈ કર્મચારીને બનાવવામાં આવે છે. જ્યાં સુધી કૌભાંડ ન પકડાય ત્યાં સુધી નાની માછલીથી શરુ કરીને મગર સુધીના બધા જ પોતાની રીતે કમાય છે. જે દિવસે કંઈક ઉપર-નીચે થાય ત્યારે કરાર આધારિત કર્મચારીએ ગોટાળા કર્યા કહીને તેને નોકરીમાંથી હાંકી કાઢવાનો. તપાસ ઉપર ઠંડુ પાણી રેડાઈ જાય અને થોડા સમય પછી નવી કોડી નવો દાવ શરુ કરી દેવાનો.

ગુજરાતનું કરપ્શન મોડલઃ કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર ભરતી કરો, પછી ટેક્સ વસૂલી તેમને કંગાળ કરો 6 - image


Google NewsGoogle News