સરકારે સ્ટાઈપેન્ડમાં 40ને બદલે 20 ટકા વધારો કરતાં જુનિયર-રેસિડેન્ટ ડોક્ટરો આજથી હડતાળ પર

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
સરકારે સ્ટાઈપેન્ડમાં 40ને બદલે 20 ટકા વધારો કરતાં જુનિયર-રેસિડેન્ટ ડોક્ટરો આજથી હડતાળ પર 1 - image


Junior-Resident Doctors on Strike : સરકારે સરકારી અને અર્ધ સરકારી (જીએમઈઆરએસ)મેડિકલ કોલેજોના ઈન્ટર્ન્સ્‌, રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઈપેન્ડમાં વધારો કરતો ઠરાવ રવિવારે કરી દીધો છે પરંતુ સરકારે  આ વર્ષે 40 ટકાને બદલે 20 ટકા વધારો કરતા અને ત્રણને બદલે હવેથી પાંચ વર્ષે સ્ટાઈપેન્ડમાં વદારો થશે તેવી જોગવાઈ કરતા જુનિયર ડોક્ટરો-રેસિડેન્ટ ડોક્ટરોએ ભારે વિરોધ કર્યા છે અને આજથી હડતાળ પર જવાની જાહેરાત કરી દીધી છે. 

ગુજારાતની છ સરકારી મેડિકલ કોલેજો અને 13 જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના તમામ ઈન્ટર્ન ડોક્ટરો તથા પ્રથમથી માંડી ત્રીજા વર્ષના તમામ રેસિડેન્ટ ડોક્ટરો સહિત 7 હજારથી વઘુ જુનિયર ડોક્ટરો આજથી હડતાળ પર જશે. જેથી ફરીએકવાર દર્દીઓ ને હેરાન થવાનો વારો આવશે. કારણકે જુનિયર ડોક્ટરો હડતાળ પર જશે તો સરકારી હોસ્પિટલોમાં ઓપીડીથી માંડી ઓપરેશનોને મોટી અસર થશે.

આ પણ વાંચો : ડોક્ટરોની માંગણી મુદ્દે સરકાર આકરા પાણીએ: અન્ય રાજ્યોથી સ્ટાઈપેન્ડ વધારે છે, હડતાળ સાંખી નહીં લેવાય

ગુજરાતની છ સરકારી-13 GMERS મેડિકલ કોલેજોના 7 હજારથી વઘુ ઈન્ટર્ન-રેસિડેન્ટની હડતાળમાં જોડાશે 

સરકારી મેડિકલ કોલેજો અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના એમબીબીએસના ઈન્ટર્ન સ્ટુડન્ટ તેમજ પીજી મેડિકલના પ્રથમ, બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ-રેસિડેન્ટ ડોક્ટરોને અપાતા સ્ટાઈપેન્ડમાં એપ્રિલથી વધારો પેન્ડિંગ હતો જેથી વધારાની માંગણી સાથે થોડા સમય પહેલા જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ કરાયા હતો અને હડતાળ પર જવાની ચીમકી આપી હતી. પરંતુ થોડા દિવસનો સમય માંગીને  સ્ટાઈપેન્ડ વધારાની ખાત્રી આપી હતી. જેથી અગાઉ જુનિયર-રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાડી ન હતી.  

દરમિયાન  રવિવારે રાજ્ય સરકારે કરેલા સ્ટાઈપેન્ડ વધારાના ઠરાવ મુજબ 20 ટકાનો વધારો આપવામાં આવ્યો છે. જેથી વિરોધ સાથે જુનિયર ડોક્ટર એસોસિએશનની ફરિયાદ છે કે અગાઉ સરકાર સાથે-અધિકારીઓ સાથે થયેલી મીટિંગમાં 40 ટકા વધારા માટે ખાત્રી અપાઈ હતી. પરંતુ સ્ટાઈપેન્ડ સરકારે 20 ટકા જ વધારો કર્યો છે.

ઉપરાંત  સરકારના જ ઠરાવ મુજબ દર 3 વર્ષે સ્ટાઈપેન્ડ વધારો થાય છે પરંતુ સરકારે હવે પાંચ વર્ષ સુધી કોઈ વધારો ન કરવાની જોગવાઈ કરી દીધી છે. જે ગેરવ્યાજબી છે. આમ વિરોધ પર ઉતરેલા જુનિયર ડોક્ટરોએ આજથી હડતાળ પર જવાની જાહેરાત કરી દીધી છે.

આમ સરકાર સાથે 10થી12 મુલાકાતો-રજૂઆતો છતાં પણ સરકારે સ્ટાઈપેન્ડ વધારામાં અન્યાય કર્યો હોવાની ફરિયાદ સાથે ઓલ ગુજરાત જુનિયર ડોક્ટરોસ એસોસિએશન હેઠળ આજે તમામ છ સરકારી મેડિકલ કોલેજો અને તમામ 13 જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના ઈન્ટર્ન ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પાડશે. ઓપીડી, ઓપરેશન સહિતની તમામ મેડિકલ સર્વિસીસમાં જુનિયર ડોક્ટરો નહીં જોડાય અને તમામ કામગીરીથી અળગા રહેશે. 

જુનિયર ડોક્ટરોની અચોક્કસ મુદતની હડતાળને પગલે સિવિલ હોસ્પિટલ સહિતની સરકારી હોસ્પિટલોમાં ફરી એકવાર ઓપીડી-સર્જરી-ઓપરેશન સહિતની કામગીરીને અસર થશે અને ફરી એકવાર દર્દીઓને હેરાન થવુ પડશે. આ હડતાળમાં 4 હજારથી વઘુ ઈન્ટર્ન્સ અને 3 હજારથી વઘુ રેસિડેન્ટ ડોક્ટરો જોડાશે. જો કે બીજી બાજુ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને કોઈ પણ મુશ્કેલી ન પડે તે રીતનું આયોજન કરવામાં આવ્યું હોવાનું હોસ્પિટલ સત્તાવાળાનું કહેવું છે.

રેસિડેન્ટ-વિદ્યાર્થીનું સ્ટાઈપેન્ડ શિક્ષકના પગારથી વધી જાય 

સરકારના આરોગ્ય-મેડિકલ શિક્ષણ સાથેના એક અધિકારીના જણાવ્યા મુજબ હવે આનાથી વધારે સ્ટાઈપેન્ડ ઈન્ટર્ન-રેસિડેન્ટને આપી શકાય તેમ નથી. કારણકે હાલ આસિસ્ટન્ટ પ્રોફેસરોનો શરૂઆતનો પગાર સ્કેલ જ 1.30 લાખની આસપાસ છે અને   કરાર આધારીત નિમાતા હંગામી ડોક્ટરોને પણ સરકારે 1 લાખથી વધારે આપતી હોય છે, ત્યારે ઈન્ટર્ન અને રેસિડેન્ટ તબીબોને ભણાવતા કરાર આધારિત હંગામી અઘ્યાપકો કરતા વઘુ રકમ સ્ટાઈપેન્ડ રૂપે રેસિડેન્ટ ડોક્ટરોને મળે છે. જો રેસિડેન્ટ ડોક્ટરોને 40 ટકા વધારા સાથે સ્ટાઈપેન્ડ આપવામા આવે તો  પ્રોફેસરના પગાર કરતા પણ સ્ટાઈપેન્ડની રકમ વધી જાય.

સરકારી ડેન્ટલ હોસ્ટિલના ઈન્ટર્ન-રેસિડેન્ટ પણ જોડાશે

મેડિકલના જુનિયર ડોક્ટરોની હડતાળને ડેન્ટલના જુનિયર ડોક્ટરોએ પણ સમર્થન આપ્યુ છે. જેથી આજે બી.જે.મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો સાથે સિવિલ કેમ્પસમાં જ આવેલી સરકારી ડેન્ટલ કોલેજના ઈન્ટર્ન-રેસિડેન્ટ પણ હડતાળમાં જોડાશે. ઉપરાંત જામનગરની સરકારી ડેન્ટલ કોલેજના ઈન્ટર્ન-રેસિડેન્ટ જામનગર મેડિકલ કોલેજના ઈન્ટર્ન-રેસિડેન્ટ ડોક્ટરો સાથે હડતાળમાં જોડાશે.



Google NewsGoogle News