નળસરોવરમાં બોટિંગ બંધ, 15 ગામના લોકો બેરોજગાર થયા, સરકારની બેધારી નીતિની પોલ ખુલી
Government's Negligent Policy: શિયાળાની કડકડતી ઠંડીમાં દેશવિદેશથી આવતા વિવિધ જાતિના પક્ષીઓને નિહાળવા હજારો પ્રવાસીઓ નળ સરોવરની મુલાકાત લે છે. છિછરા પાણીમાં બોટમાં બેસીને ફ્લેમિંગો, પેલિકન, વાઇટ સ્ટોર્ક, સાઇબેરિયન ક્રેન જેવા જુદા જુદા પ્રકારના પક્ષીઓ નિહાળવાની મજા જ કઇંક ઔર છે.
નળ સરોવરમાં બોટિંગ બંધ
એક તરફ, ઇકો ટુરિઝમની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. એટલુ જ નહીં, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં એડ ફિલ્મ થકી પ્રચારના નામે લાખો કરોડોનો ઘુમાડો કરવામાં આવે છે ત્યારે ગુજરાતના સૌથી મોટા વેટલેન્ડ નળ સરોવરમાં બોટિંગ બંધ કરી દેવાયુ છે પરિણામે 15 ગામના ગરીબ લોકોએ રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે.
દેશી ઢાબા-ખાણીપીણી થકી રોજી મેળવતાં ગરીબ પરિવારોની કફોડી દશા
શિયાળામાં પક્ષીઓ નિહાળવા હજારો પ્રવાસીઓ નળ સરોવરની મુલાકાત લે છે. 120થી વઘુ કિલોમીટરના ઘેરાવમાં ફેલાયેલા નળ સરોવરમાં ગત વર્ષે 140થી વધુ પ્રજાતિના 3.20 લાખ વિદેશી પક્ષીઓ આવ્યા હતા. ગત વર્ષે જ 61 હજાર પ્રવાસીઓએ નળસરોવરની મુલાકાત લઇને પક્ષીઓને નિહાળ્યા હતાં. એશિયન ઓપનબિલ, પેલિકન સહિત વિવિધ જાતિના વિદેશી પક્ષીઓ વેટલેન્ડને પોતાનુ ઘર બનાવે છે.
પ્રવાસન,વન-સરકારની બેધારી નીતિ ખુલ્લી પડી
હરણીકાંડના નામે નળ સરોવરમાં પણ બોટિંગ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે ત્યારે વિરમગામ, લિંબડી અને બાવળા તાલુકાના 15થી વધુ ગામોના ગરીબ લોકોનું ગુજરાન જ બોટિંગ પર થાય છે ત્યારે બોટિંગ બંધ કરી દેવાતા આ પરિવારોએ રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત વેટલેન્ડમાં પક્ષી નિહાળવા આવતાં પ્રવાસીઓને બાજરાના રોટલા, રીગણનું ભરથુ જેવી ગુજરાતી વાનગીઓ પિરસીને રોજગારી મેળવતા ગરીબોને પણ હાલ રોજગારના ફાંફા થયાં છે.
સરકારે માર્ગદર્શિકા જાહેર કરીને ગરીબોને રોજગાર પૂરું પાળવું જોઈએ
એક બાજુ, સરકાર પ્રવાસન અને ઇકો ટુરિઝમના નામે સ્થાનિકોને રોજગાર મળે તેવા ગાણાં ગાઇ રહી છે પણ વાસ્તવિકતા એ છેકે, પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની સુવિધાના નામે મિંડુ છે. પક્ષીઓને નિહાળવા આવતાં વિદ્યાર્થીઓ, પક્ષીપ્રેમી ઉપરાંત પ્રવાસીઓ વેટલેન્ટ પર કેવી રીતે જશે તે સવાલ ઉભો થયો છે. સાથે સાથે છિછરુ પાણી હોવા છતાં બોટિંગ બંધ કરી દેવાયુ છે જે વાત લોકોના ગળે ઉતરે તેમ નથી. આમ, ખુદ વન-પ્રવાસન વિભાગ અને સરકારના નિર્ણયને પગલે ગરીબ પરિવારોને રોજગારી ગુમાવવી પડી છે જેના કારણે એવી માંગ ઉઠી છેકે, સરકાર આ દિશામાં ચોકક્સ માર્ગદર્શિકા જાહેર કરીને ગરીબોને રોજગાર પુરો પાડે.