સરકારના સાયન્ટીફિક જંત્રીના દાવા પોકળ, ઓફિસમાં બેસીને જંત્રી દર લખાયા છે
સુચિત જંત્રીના દર અંગે ક્રેડાઇ દ્વારા વિરોધ
- જે ખેડુતો એક ટુકડો વેચીને સુરતમાં ઘર ખરીદી શકતા હતા તે નવી જંત્રી બાદ જમીનનો ટુકડો વેચ્યા પછી પણ ઘર ખરીદી શકશે નહી
સુરત
સુચિત જંત્રીના દરમાં થયેલા તોંતિગ વધારા સામે ગુજરાત-સુરત ક્રેડાઇ દ્વારા વિરોધ કરાયો છે કે આ દરો સાયન્ટીફિક હોવાના સરકારના દાવા પોકળ છે. ઓફિસમાં બેસીને દરો લખ્યા છે. કેમકે ૨૦ વર્ષ પહેલા જે ખેડુત જમીનનો એક ટુકડો વેચીને સુરતમાં ઘર લઇ શકતો હતો. તે જ ખેડુત ના નવા દરથી મકાન લેવુ એક સ્વપ્ન જ બની રહેશે. આ દરો સાયન્ટીફિક નહીં હોવાથી તજજ્ઞાો પાસે રીસર્વે કરવાની માંગ ઉઠી છે.
તાજેતરમાં જ રાજય સરકાર દ્વારા સુચિત જંત્રી-૨૦૨૪ જાહેર કરીને વાંધાઓ મંગાવ્યા છે. આ સુચિત દરોને લઇને રીઅલ એસ્ટેટ માર્કેટ જ કડકભૂસ થઇ જાય તેવી સ્થિતિ ઉત્પન્ન થઇ હોવાથી આજે બિલ્ડર એસોસીએશનના ક્રેડાઇ સુરત દ્વારા આ જંત્રીનો વિરોધ કરાયો હતો. સુરત ક્રેડાઇના પ્રમુખ જિજ્ઞોશ પટેલે સ્પષ્ટ જણાવ્યુ હતુ કે અસહય ભાવ વધારો, વિસંગતતાઆ, ઋટીઓ માર્કેટ પર અસરો વિશે ખૂબ ઉંડો અભ્યાસ કર્યા બાદ તારણો કાઢયા છે કે સરકારે ફરીથી સાયન્ટીફિક સર્વે કરવો જોઇએ. જો ના કરશે તો અમો સ્ટેપ લઇશુ. અને અમલ કરાવીશુ. સરકારે સર્વે કરવા માટે ૧૮ મહિનાનો સમય લીધો અને જયારે વાંધાઓ રજુ કરવા માટે ફકત ૩૦ દિવસનો જ સમય આપ્યો હોવાથી અમો છ મહિનાનો સમય આપવો જોઇએ. સરકારે જે સાયન્ટીફિક સર્વેની વાત કરે છે તે વાત સાવ પોકળ છે. સર્વે માટે શહેરના ૫૦ હજાર માણસોને પુછવુ જોઇએ. શહેરના નામાંકિત, વેલ્યુઅરો, જમીન સાથે સંકળાયેલાઓને પુછવુ જોઇતુ હતુ.તેના બદલે આ દરો જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે ઓફિસમાં બેસીને જ વેલ્યુ નક્કી કરી છે.
ખાસ તો ખેતીની જંત્રીમાં જે અસહય વધારો કરાયો છે તેનાથી પરોક્ષ રીતે સ્ટેમ્પ ડયુટી, પેઇડઅપ એફએસઆઇ, નવી શરતનું પ્રિમિયમમાં મોટાપાયે અસર પડશે. આ જંત્રીના દરમાં યોગ્ય સુધારો કરવામાં ન આવે તો બાંધકામની કિંમતમાં વધારો થશે. અને જે ખેડુતો ૨૦ વર્ષ પહેલા જમીનનો એક ટુકડો ખરીદીને સુરતમાં ઘર લઇ શકતા હતા.તે જ ખેડુતો નવા દરથી જમીનનો ટુકડો વેચીને પણ ઘર લઇ શકશે નહીં. આથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘરનું ધર વ્યવસાય માટે દુકાન કે ઓફિસ લેવાનુ સ્વપ્ન સાકાર થશે નહીં. અને સમ્રગ ગુજરાતનો વિકાસ અટકી જશે. આગામી સોમવારે સુરત જિલ્લા કલેકટરને આ બાબતે આવેદનપત્ર પાઠવીને રજુઆત કરીશુ.