ગુજરાત સરકાર નવી નીતિઓ અને જોગવાઇઓ ઘડવામાં આરંભે શૂરી, અમલમાં સૂરસૂરિયું
Stray Cattle headache : અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોમાં રખડતાં ઢોરની સમસ્યા એ એક જૂનો અને જટિલ મુદ્દો છે. શહેરના વિવિધ રસ્તા ઉપર પશુઓની અવરજવરના કારણે અકસ્માત, ટ્રાફિક જામ અને ગંદકી ફેલાય છે. સોશિયલ મીડિયા પર અવાર-નવાર વીડિયો જોવા મળે છે, જેમાં પશુઓ શહેરીજનો અડેફેટે લેતાં જોવા મળે છે. આ સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકારે અનેક કાયદાઓ અને નીતિઓ બનાવી છે. પરંતુ પછી અમલવારી લાગૂ કરતાં કરતાં સૂરસુરિયું નીકળી જાય છે.
ફરી જાહેરમાર્ગો પર જામ્યો રખડતાં ઢોરોનો અડીંગો
રખડતાં ઢોરો સંબંધિત કાયદાઓ હોવા છતાં તેનું યોગ્ય અમલીકરણ ન થવાના કારણે આ સમસ્યા ગંભીર બની રહી છે. રખડતાં ઢોરોને પકડીને પાંજરાપોળમાં રાખવાની વ્યવસ્થા હોવા છતાં, પાંજરાપોળની ક્ષમતા મર્યાદિત હોવાથી તમામ ઢોરોને પકડી શકાતા નથી. અગાઉ ઘણીવાર રખડતાં ઢોરને લઈને હાઈકોર્ટે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરવા આદેશો આપ્યા છે. ત્યારે કોર્પોરેશનના અધિકારીઓની ટીમ (ઢોર પકડનાર પાર્ટી) અને ઢોર માલિકો વચ્ચે માથાકૂટ થવાના કિસ્સા જોવા મળ્યા હતા. સમયજતાં ફરી એકવાર અમદાવાદ અને ગાંધીનગરના જાહેરમાર્ગો ફરી રખડતાં ઢોરોએ અડીંગો જમાવી દીધો છે.
રસ્તાના કિનારે ઘાસચારો લઇને ઊભા રહેનારાનો ત્રાસ
હાલમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં જેમાં ખાસકરીને ત્રાગડ, ગોતા, ચાંદખેડા, અડાલજ ગામ, વેજલપુર, પ્રહ્લાદનગર સહિત મહેસાણા હાઈવે પર ઠેર-ઠેર લારીઓના ઘાસચારો અને 10-15 ગાયોનું ટોળુંને લઇને ઊભેલા વ્યક્તિઓ જોવા મળે છે. ત્યારે રોડ પરથી પસાર થતાં લોકો આ લારી પરથી 10-20 રૂપિયામાં લીલા ઘાસનો પૂળો લઇને ગાયને ખવડાતા હોય છે. જેથી આ રસ્તાઓ પર રખડતી ગાયો જોવા મળે છે અને અકસ્માતોનું જોખમ વધે છે. ચાંદખેડા, ત્રાગડ અને ગાંધીનગરની આસપાસ આવા દ્રશ્યો સામાન્ય બની ગયા છે પરંતુ તેમછતાં એ.એમ.સી કે જી.એમ.સી દ્વારા કોઇપણ પ્રકારના પગલાં લેવામાં આવતાં નથી. રોડના કિનારે ઘાસ અને ગાયોને લઇને ઊભા રહેતા લોકોની દાદાગીરી ખૂબ વધી ગઇ છે. જો સ્થાનિક રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવે તો તેમના પર હુમલા થયાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદના રિંગ રોડ પરની હોટલો-કેફે બન્યા નશેડીઓના અડ્ડા, અહીં પોલીસ લેશે એક્શન?
સ્વચ્છ શહેરની વાતો માત્ર કાગળ પર
ગાંધીનગર અને અમદાવાદમાં સ્વચ્છતાની વાતો કાગળ પર જોવા મળે છે. રખડતાં ઢોરોના આતંકના કારણે શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ગઢલાં જોવા મળે છે. રસ્તા પર છાણ અને ઘાસના પૂળા વિખરેલા પડ્યા હોય છે. સમયાંતરે કોર્પોરેશન દ્વારા રસ્તાઓની સફાઇ ન થતી હોવાથી મચ્છરો અને ગંદકીનો ઉપદ્રવ વધતો જોવા મળે છે. જેના કારણે શહેરીજનો વારંવાર બિમારીનો ભોગ બને છે અને દવાખાનામાં મસમોટા બિલ ચૂકવે છે.
પ્રજાના પૈસે તાગડધિન્ના અને ફોરેન ટુર
કોર્પોરેશનના અલગ-અલગ વિભાગની ટીમોને વિદેશોના વિવિધ શહેરોના અભ્યાસ માટે અવાર-નવાર વિદેશ પ્રવાસે મોકલવામાં આવે છે. વિદેશના શહેરોની નગર રચના, ટ્રાફીક સંચાલન અને ગટર વ્યવસ્થાનું નિરિક્ષણ કરી ગુજરાતના મોટા શહેરમાં ઉદભવતી આ સમસ્યાઓમાંથી કેવી છુટકારો મેળવી શકાય તે અંગેનો તાગ મેળવી શકે છે. પરંતુ આપણા અધિકારીઓ પ્રજાના પૈસે તાગડધિન્ના કરીને વિદેશ ટૂરની મજા માણી પાછા ફરે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચાલતી દવાની દુકાનોમાં પણ લોલમલોલ, 50% સ્ટોર ફાર્માસિસ્ટ વગર ધમધમી રહ્યા છે
વિધાનસભામાં રજૂ કરાયું હતું બિલ
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ગુજરાત ઢોર નિયંત્રણ (પાલન અને હેરફેર) શહેરી વિસ્તાર બિલ બજેટ સત્રમાં આ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલનો હેતુ શહેરી વિસ્તારોમાં રખડતાં ઢોરને નિયંત્રિત કરવાનો છે. આ કાયદો મુખ્ય ઉદ્દેશ્ય રખડતાં ઢોરને કારણે થતાં અકસ્માતો અને ટ્રાફિક જામને રોકવા અટકાવવાનો હતો. પરંતુ માલધારી સમાજના આક્રોશના લીધે આ બિલ રદ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ખોખરાની સોસાયટીમાં કિન્નરોનો આતંક: સૂત્રધાર મોના માસી સહિત સાતની ધરપકડ
આ રીતે મળી શકે છે રખડતાં ઢોરોના ત્રાસમાંથી મુક્તિ
રખડતાં ઢોરો સંબંધિત કાયદાઓનું કડક અમલીકરણ કરવું જરૂરી છે. જે લોકો પોતાના પશુઓને રસ્તા પર છોડે છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા પાંજરાપોળની ક્ષમતામાં અને તેની સુવિધાઓમાં સુધારો કરવો જોઈએ. એટલું જ નહીં માલધારી સમાજને આર્થિક સહાય પૂરી પાડીને તેમને પોતાના પશુઓને સંભાળવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. માલધારીઓને આધુનિક પશુપાલનની તાલીમ અને તેમને સસ્તી લોન આપવી જોઈએ. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં ઢોર મુક્ત ઝોન બનાવીને રખડતાં ઢોરોને નિયંત્રિત કરવા જોઈએ.