હોટેલ અને રેસ્ટોરાંમાં 'ઓપન કિચન' પરિપત્રનો પાંચ વર્ષથી સરકાર જ અમલ કરતી નથી

પરિપત્ર મુજબ ગ્રાહક ઇચ્છે ત્યારે રસોડામાં જઇને બનતો ખોરાક જોઇ શકે, મંજૂરી વગર અંદર જવુ નહી જેવી સૂચના લખવા ઉપર પણ પ્રતિબંધ

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
હોટેલ અને રેસ્ટોરાંમાં 'ઓપન કિચન' પરિપત્રનો પાંચ વર્ષથી સરકાર જ અમલ કરતી નથી 1 - image


વડોદરા : હોટેલ અને રેસ્ટોરાંમાં ગ્રાહકો રસોડાની સ્વચ્છતા અને ખોરાક કઇ રીતે તૈયાર થાય છે તે જોઇ શકે તે માટે ગુજરાત સરકારે પાંચ વર્ષ પહેલા પરિપત્ર જાહેર કરીને ગ્રાહક જો ઇચ્છે તો રસોડામાં રોકટોક વગર પ્રવેશ આપવો તેવો હુકમ કર્યો હતો. જો કે આ પરિપત્રનો પાંચ વર્ષમાં અમલ થયો નથી. આજકાલ હોટલ- રેસ્ટોરાંમાં ખાદ્ય પદાર્થોમાંથી કીડા-મકોડા નીકળવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે આ પરિપત્રનો અમલ કડક રીતે થાય તે જરૃરી છે અને હોટલ-રેસ્ટોરાંના દબાણમાં આ પરિપત્ર દબાવી રાખનાર ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન કમિશનર ઓફિસ સામે પણ સરકારે કડક પગલાં લેવા જોઇએ.

ભોજનમાંથી વંદા, ઇયળ અને ગરોળી જેવા કીડા-મકોડા તો ઠીક, માનવ અંગો પણ નીકળી રહ્યા છે ત્યારે આ પરિપત્રનો કડક અમલ કરવો જરૃરી

ફાઇવ સ્ટાર હોટલથી લઇને રોડ સાઇડ રેસ્ટોરાંમાં આજકાલ એક વાત સામાન્ય જોવા મળી રહી છે કે 'સ્વચ્છતા'નું ધ્યાન રાખવામા આવતું નથી, જેના પરિણામે રોજ એક-બે એવા કિસ્સા બહાર આવી રહ્યા છે કે ભોજનમાંથી વંદા, ઇયળ અને ગરોળી જેવા કીડા-મકોડા તો ઠીક, માનવ અંગો પણ નીકળી રહ્યા છે. રોજ બનતી આવી ઘટનાઓ સામે સરકારનું કોઇ નિયંત્રણ નથી એવું લાગી રહ્યું છે.
હોટેલ અને રેસ્ટોરાંમાં 'ઓપન કિચન' પરિપત્રનો પાંચ વર્ષથી સરકાર જ અમલ કરતી નથી 2 - image

જો કે આ સમસ્યા નવી નથી. ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે. તે સમયે જાહેર સ્વાસ્થ્ય સાથે થતા આ પ્રકારના ચેડાં રોકવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ એમિનિસ્ટ્રેશન કમિશનર ડો. એચ.જી.કોશીયા દ્વારા ૬ નવેમ્બર ૨૦૧૯ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિપત્ર મુજબ ગુજરાતમાં આવેલી હોટલો અને રેસ્ટોરાંએ રસોડાની બહાર 'નો એડમિશન વિધાઉટ પરમિશન' અને 'એડમિશન વીથ પરમિશન' જેવી સૂચનાઓ લગાવવી નહી. ગ્રાહક રસોડાની અંદર તૈયાર થતી સામગ્રી જોવા ઇચ્છે તો તેને રસોડામાં જવા દેવો અથવા તો ગ્રાહક બહારથી જ જોઇ શકે તે પ્રકારે રસોડું ખુલ્લુ રાખવું(ઓપન કિચન). સરકારે પરિપત્ર તો જાહેર કરી દીધો, પણ તેનો અમલ પાંચ વર્ષથી કરવામાં આવતો નથી. પરિપત્ર જાહેર થયાના શરૃઆતના એક-બે મહિના કેટલાક રેસ્ટોરાં અને હોટલોએ નિયમનો અમલ કર્યો હતો પરંતુ પછીથી પરિપત્ર દબાવી દેવામાં આવ્યો અને કોઇ કાર્યવાહી નહી થતા પરિપત્રનો કોઇ મતલબ રહ્યો નથી.


Google NewsGoogle News