Get The App

સરકારૂ કર્મચારીઓ અને જીન માલિકે ખેડૂતને થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો

સંખેડામાં કપાસ વેચવા આવેલા ખેડૂત અને તેના પુત્ર સાથે અમાનવીય વ્યવહાર થતાં ખેડૂતે ઝેરી દવા ગટગટાવી

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
સરકારૂ કર્મચારીઓ અને જીન માલિકે ખેડૂતને થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો 1 - image


સંખેડા - ડભોઇ : સંખેડા તાલુકાના હાંડોદ ખાતે આળેલ જગદંબા જીનમાં કપાસ આપવા આવેલા દેવલીયાના ખેડૂતને જીનના માલિક અને ભારત સરકારના ઉપક્રમ સીસીઆઇ (કોટન કમિશન ઓફ ઇન્ડિયા) ના કર્મચારીઓએ લાઈટના થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. ખેડૂતને બચાવવા વચ્ચે પડેલા ખેડૂત પુત્રને પણ ટોળાએ બેરહેમીપૂર્વક માર માર્યો હતો. પુત્રની સામે જ માર મારવાની ઘટનાથી આઘાતમાં સરી પડેલા ખેડૂતે ઝેરી દવા ગટગટાવી લેતા હાલમાં તે ડભોઇ ખાતે હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે.

તિલકવાડા તાલુકામાં દેવલીયા ગામે રહેતા દિનેશ ઈશ્વરભાઈ બારીયા (ઉ.૪૫) અને તેમના પુત્રો કૌશિક તથા ભુપેન્દ્ર આજે વહેલી સવારે તેમનો કપાસ લઈને વેચવા માટે હાડોદ ખાતે આવેલ જગદંબિકા જીનમાં આવ્યા હતા અને પોતાના ટ્રેક્ટરમાંથી કપાસ ઉતાર્યો હતો જે બાદ અહી ઉપસ્થિત સીસીઆઇના અધિકારીઓએ રૃ.૭,૧૦૦નો ભાવ આપ્યો હતો. આ ભાવે અમે કપાસ આપવા માગતા નહી હોવાથી અમે ના પાડી હતી. આ દરમિયાન  જીનના માલિક હિતેશ શાહ ત્યાં આવ્યા હતા અને તમારો માલ સુકો છે એટલે અમારે લેવાનો નથી તેવુ કહીને દિનેશભાઇ બારીયા  સાથે બોલાચાલી કરી હતી. જે બાદ દિનેશભાઇ તેમનો કપાસ ટ્રેક્ટરમાં ભરી દીધો હતો. કપાસ ટ્રેકટરમાં ભરાયા બાદ તેનું વજન કરવા માટે ખેડૂતે માગ કરતા જીનના વજનકાંટાવાળાએ ના પાડી દીધી હતી એટલે દિનેશભાઇ બારીયા અને હિતેશ શાહ વચ્ચે ફરી બબાલ થઇ હતી.આ સમયે હિતેશ શાહ અને તેના માણસો ઉપરાંત સીસીઆઇના કર્મચારીઓ દિનેશ બારીયાને ઘેરી વળ્યા હતા અને પકડીને થાંભલા સાથે બાંધી દીધા હતા જે બાદ ઢોર માર માર્યો હતો. આ દ્રશ્ય જોઇને ખેડૂત દિનેશભાઇનો પુત્ર કૌશિક પિતાને બચાવવા દોડી આવ્યો હતો ત્યારે હિતેશ અને તેના માણસોએ કૌશિકને પણ પકડી લીધો હતો અને તેને પણ માર માર્યો હતો.

માર મારીને દિનેશભાઇને છોડી દીધા હતા. પરંતુ પોતાના ગમાના ખેડૂતો અને પુત્રની સામે જ જાહેરમાં થયેલા અપમાનથી મનોમન લાગી આવતા દિેનેશભાઇ બારીયાઆ નજીકની દુકાનમાંથી જંતુનાશક દવાની બોટલ લાવ્યા હતા અને જાહેરમાં જ ગટગટાવી લીધી હતી. જેના કારણે દિનેશભાઇની તબિયત લથડતા સંખેડા આરોગ્ય કેન્દ્રમાં અને ત્યાર બાદ ડભોઇ ખાતે ખસેડયા છે અહી તેઓની સારવાર ચાલી રહી છે. આશ્ચર્ય એ વાતનું છે કે આટલી મોટી ઘટના બન્યા બાદ સંખેડા પોલીસ દ્વારા આરોપીઓ સામે હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

સરકારૂ કર્મચારીઓ અને જીન માલિકે ખેડૂતને થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો 2 - image

ખેડૂત દિનેશ બારીયાની વ્યથા 'અમારું કઇ પણ ના ચાલ્યું  જીનના માલિકે થાંભલા સાથે દોરડાથી બાંધી ઢોર માર માર્યો'

હોસ્પિટલમાં સારવાર હેઠળ ખેડૂત દિનેશ બારીયાનું કહેવું છે કે અમે કપાસ આપવા માટે જગદંબા જીનમાં આવ્યા હતા. જ્યાં કપાસની ખરીદી સી.સી.આઇ દ્વારા કરવામાં આવતી હતી. જ્યારે સી.સી.આઈ દ્વારા અમે કપાસ આપવા માટે ગયા ત્યારે અમને સી.સી.આઇ દ્વારા કપાસ સારો નથી એમ કહી અમને ભાવ આપવાની ના પાડી. ત્યારે અમે અમારો કપાસ બીજી જીનમાં આપવા માટે જવાના હતા તે વખતે અમે અમારો કપાસ ટ્રેક્ટરમાં ભરવા લાગ્યા ત્યારે અમે વજન કાંટો કરાવવા માટે વજન કાંટા વાળાને કહ્યું ત્યારે તેને ના પાડી અને જીનના માલિક દ્વારા અમારી જોડે માથાકૂટ કરવા લાગ્યા અને અમને જેમતેમ બોલી અમને મારવા લાગ્યા ત્યારે અમે પણ બચવા માટે કોશિશ કરવા લાગ્યા તેમ છતાં અમારું કઇ પણ ના ચાલ્યું અને જીનના માલિક તેમજ પુત્ર દ્વારા અમને લાઈટના થાંભલા પાસે દોરડાથી બાંધી ઢોર માર મારવામાં આવ્યો. 

જિલ્લાના ખેડૂતોમાં ભારે આક્રોશ, આજથી આંદોલનની ચિમકી

જીનમાં ખેડૂતને માર મારવાની ઘટના બનતા આસપાસ ના ખેડૂતો દોડી આવ્યા હતા અને જીન માલિક સામે અને સીસી આઈ ના અધિકારીઓ સામે આક્રોશ ઠાલવ્યો હતો અને એક સમયે સ્ફોટક પરિસ્થિતિ નું નિર્માણ થયું હતું. ખેડૂતોનું કહેવુ છે કે કાલથી આંદોલન કરશે અને કપાસની જીનમાં આવીને અધિકારીઓનો ઘેરાવો કરશે. સીસીઆઈ મારફતે કપાસની ખરીદી માં ચાલતો ભ્રષ્ટાચારને ખેડૂતો ખુલ્લો પાડવા માટે ઉચ્ચ સ્તરે રજૂઆત રજૂઆત પણ કરવામાં આવશે.છોટાઉદેપુર જિલ્લામાં અન્ય જિલ્લામાંથી પણ કપાસ આવે છે જીનમાંથી તેના સીસી ટીવી ફૂટેજ મેળવીને તપાસ થવી જોઈએ.

જીન માલિક અને સીસીઆઇના કર્મચારી સામે ફરિયાદ નોંધવા પોલીસ તૈયાર નથી

દવા પીનાર ખેડૂતના પુત્ર ભુપેન્દ્ર બારીયાનું કહેવું છે કે '૭૧૦૦ રૃપિયા ભાવ સીસી આઈ ના અધિકારીઓ નક્કી કરતા અમારે કપાસ વેચવો ના હતો અને અમે ખાલી કરેલો કપાસ પાછો ટ્રેકટરમાં ભરતા અમારા ટ્રેકટર માં કપાસ ભરવા દીધો ના હતો અને કહ્યુ હતું કે વજન નહિ કરીએ પાંચ વાગ્યા પછી આ કામ થશે તે બાબતે અમે વિરોધ કરતા જીન માલિક, સીસીઆઈના કર્મચારીઓ અને જીનના કર્મચારીઓ મારા પિતાજી અને મારા ભાઈને મારેલ છે ને જેને લઈને મારા પિતાજીએ દવા પીધેલ છે આ સીસી આઈ ના અધિકારીઓ અને જીન માલિકો સામે ફરિયાદ નોંધવા માટે અમે પોલીસને રજૂઆત કરતા પોલીસ અમારું સાંભળતી નથી અને જીન માલિક થાય તે કરી લો તેવી ધમકી આપે છે. આગામી દિવસોમાં ખેડૂતો જલદ આંદોલન કરશે.'

કપાસના ભાવ સીસીઆઇ નક્કી કરે છે જીન માલિક વચ્ચે કેમ પડે છે

ખેડૂતો આંતકવાદી હોય તે રીતે મારવામાં આવ્યા છે આ કૃત્યની તપાસ થવી જોઈએ અને ખેડૂતો કપાસ વેચવા આવે ત્યારે સીસીઆઈના અધિકારીઓ કપાસ ખરીદે છે ત્યારે જીન માલિકોએ કપાસની ખરીદીમાં વચ્ચે પડવાની જરૃરિયાત રહેતી નથી પછી કયા કારણો સર ખેડૂતો ને ઓછા ભાવ અને વધારે ભાવ ની મગજમારીમાં જીન માલિકો પડે છે. - હિતેન્દ્ર બારીયા - ખેડૂત આગેવાન સંખેડા

ખેડૂતને માર માર્યો તે મારી ભુલ છે

જીન માલિક હિતેશ શાહનું કહેવું છે કે ખેડૂતોએ મારા ઉપર હુમલો કર્યો હતો એટલે ઘટના બની છે ખેડૂત ને માર માર્યો છે તે અમારી ભૂલ છે 


Google NewsGoogle News