સ્માર્ટ મીટર માટે ગ્રાહકોને આકર્ષવા સરકારી વીજકંપનીઓની દરખાસ્ત, જાણો શું ઓફર મળશે!
Smart Meter: ગુજરાતની ચાર સરકારી વીજ કંપનીઓના 1.30 કરોડથી વધુ વીજ ગ્રાહકોને બપોરે 11 વાગ્યાથી માંડીને ત્રણ વાગ્યા સુધીમાં વીજળીના થનારા વપરાશના ચાર્જમાં યુનિટદીટ 45 પૈસાની રાહત આપવાનો દરખાસ્ત ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલી 2025-26ના વર્ષની ટેરિફ પીટીશનમાં જણાવવામાં આવ્યું છે.
સ્માર્ટ મીટર બેસાડનારને યુનિટ ચાર્જ પર 2%ની રાહત અપાશે
આ જ રીતે પ્રિપેઈડ સ્માર્ટ મીટર લગાડનારાઓને તેમના સંપૂર્ણ યુનિટના બિલ એટલે કે એનર્જી ચાર્જના બિલમાં 2%ની રાહત આપવામાં આવશે. આમ સ્માર્ટ મીટર લગાડનારનું એનર્જી બિલ રૂ. 5000 આવે તો તેને રૂ. 100ની રાહત આપવામાં આવશે. આ રાહતને વીજ વપરાશના સમયગાળા સાથે કોઈ જ નિસબત નથી.
એપ્રિલ 2025થી આ લાભ આપવાનું ચાલુ કરી દેવામાં આવશે
ગુજરાત સરકારની ચાર વીજ કંપનીઓની આ દરખાસ્ત માન્ય થશે તો પહેલી એપ્રિલ 2025થી આ લાભ આપવાનું ચાલુ કરી દેવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો વીજ વપરાશકારોને સ્માર્ટ પ્રિપેઈડ મીટર લગાડવા માટે પ્રેરવાનું પગલું આ ઓફર આપીને લેવામાં આવ્યું હોવાનું માની શકાય છે. આ દરખાસ્ત સહિતની સમગ્ર ટેરિફ પીટીશન અંગે ગ્રાહકો અને ગ્રાહકોના હિતમાં કામ કરતી સંસ્થાઓના અભિપ્રાય પણ મંગાવવામાં આવ્યા છે.
યુનિટ દીઠ ચાર્જમાં યુનિટે 45 પૈસાની રાહત
ખેતી વાડી સિવાયના હેતુઓ માટે હાઈ ટેન્શન, લૉ ટેન્શન, એન.આર.જી.પી. કે પછી ઈ.વી.સી.એસ.ની કેટેગરીમાં આવતા વીજ જોડાણ લેનારા દરેક વીજ ગ્રાહકોને બપોરે 11 વાગ્યાથી ત્રણ વાગ્યાના સમયગાળામાં વપરાનારી વીજળીના યુનિટ દીઠ ચાર્જમાં યુનિટે 45 પૈસાની રાહત આપવામાં આવશે. પરંતુ તેને માટે સ્માર્ટ મીટર લગાડવું જરૂરી છે. કારણ કે સ્માર્ટ મીટરથી જ દિવસના કયા સમયગાળામાં કેટલી વીજળીનો ઉપયોગ કરવામાં આવ્યો તેનો રેકોર્ડ તૈયાર કરી શકાય છે. હા, સ્માર્ટ મીટર લગાડનારાઓ પાસે સિંગલ ફેઝના જોડાણ માટે મહિને રૂ.110 અને થ્રી ફેઝના જોડાણ માટે મહિને રૂ.150 લેવામાં આવશે.
જોકે સ્માર્ટ મીટર લગાડવાનો કોઈ જ ચાર્જ લેવામાં આવશે નહિ. સ્માર્ટ મીટર બેસાડનારને યુનિટદીઠ એનર્જી ચાર્જમાં બીજી બે પૈસાની રાહત આપવામાં આવશે. તેની સાથે જ 11 કિલોવોટનો વીજપુરવઠો મેળવતા અને 33 કિલોવોટથી વધુના દબાણ પર વીજપુરવઠો મેળવતા ગ્રાહકોને પણ વર્તમાન વીજદરમાં આપવામાં આવતા રિબેટમાં વધારો કરવાની દરખાસ્ત મૂકવામાં આવેલી છે. ગુજરાતની સરકારી વીજ કંપનીઓના તમામ ગ્રાહકોને આ લાભ મળશે.