ગુજરાત 'પ્રયોગશાળા'નો એક ઓર પ્રયોગ : સરકાર અને સંગઠન બધે જ ગુજરાતી, ગુજરાતના પ્રતિનિધિ
image : Socialmedia
- નરેન્દ્ર મોદી, અમિત શાહ, એસ. જયશંકર સાથે હવે ભાજપ સંગઠન પ્રમુખ નડ્ડા પણ સામેલ
અમદાવાદ,તા.15 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાના નામની જાહેરાત થતાં જ હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે દેશની સરકાર અને શાસક પક્ષનું સંચાલન ગુજરાતીઓ-ગુજરાતના પ્રતિનિધિઓના હાથમાં પહોંચી ગયું છ. આ બાબત ગુજરાત-ગુજરાતીઓનું મહત્વ અને વર્ચસ્વ વધી રહ્યાનો સંકેત આપે છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી થતાં હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા બધા જ સત્તા-સંગઠનનો દોર સંભાળનારા બન્યા છે. એસ. જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા છે.
ભાજપ આમ પણ ગુજરાતને પોતાની રાજકીય પ્રયોગશાળા માને છે અને અહીંના પ્રયોગો અને તેની સફળતાને એક મોડેલ તરીકે ગણીને દેશભરમાં જ્યાં પોતાના પક્ષનું શાસન છે ત્યાં એનો અમલ કરાવવાના પગલાં લેવાય છે આવી બાબતોની યાદી લાંબી છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ, મુખ્યમંત્રીની પસંદગી, મંત્રીઓની નિમણૂક વગેરે બાબતમાં નજીકના ભૂતકાળમાં નો રિપીટ થિયરીનો સફળ પ્રયોગ કર્યો પછી દેશમાં વિવિધ જગ્યાએ એ જ ફોર્મ્યુલા અજમાવાઈ છે.રાજકારણમાં સાવ નવા ચહેરા ગણાતા હોય તેમને ઊંચા સ્થાન આપવની ફોર્મ્યુલા અને વર્ષોથી અડિંગો જમાવી બેઠેલાઓને રૃખસદ પણ કારગત નીવડી છે.મુખ્યમંત્રી તરીકે તદ્દન અજાણ્યો ચહેરો ભુપેન્દ્ર પટેલને મૂકવાનું આશ્ચર્ય જન્માવ્યા પછી આખેખાખું મંત્રીમંડળ જ નવું એવો બીજો આશ્ચર્ય આંચકો અપાયો હતો. અને આવા જ આંચકાઓ આપવાની રમત બીજા રાજ્યોમાં પણ થઈ એ જાણીતું છે.
ભૂતકાળમાં ગુજરાત બહારના અગ્રણી રાજ્યસભામાં ગયા છે
કોંગ્રેસ
1. પી. શિવશંકર
2. પ્રણવ મુખરજી
ભાજપ
1. બાંગારુ લક્ષ્મણ
2. જનાકૃષ્ણ મૂર્તિ
3. અરૃણ જેટલી
4. સ્મૃતિ ઈરાની
5. એસ. જયશંકર