હાઈકોર્ટની ફટકાર બાદ આખરે સરકારે જાગી: રેલવે ટ્રેક પર સિંહોના મોત રોકવા એક્શન પ્લાન તૈયાર
Prevent Death Of Lions On Railway Tracks : ગીર વિસ્તારમાં રેલવે ટ્રેક પર સિંહના મોતને રોકવા હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં 10 સભ્યોની ટીમ મળીને રેન્જ લેવલ કમિટી, ડિવિઝનલ લેવલ રીવ્યુ કમિટી, સર્કલ લેવલ રીવ્યુ કમિટી અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવશે. આ કમિટીમાં 5 સભ્યો વન વિભાગના અને અન્ય 5 સભ્યોમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ નિયુક્ત કરવામાં આવ્યાં છે. આ કમિટી થકી હોટસ્પોટ સહિતના વિસ્તારોમાં ટ્રેનની સ્પીડને નિયંત્રણમાં રાખવી, સિંહના હલચલની જાણ થાય તો વન વિભાગને જાણ કરવી, સહિતની કામગીરી કરીને રેલવે ટ્રેક પર સિંહોના મોતને રોકવામાં આવશે.
અલગ-અલગ કમિટી દ્વારા સિંહની ટ્રેન અડફેટ થતાં અટકવવા કામગીરી હાથ ધરાઈ
રેલવે ટ્રેક પર સિંહના મોતના બનાવ સામે હાઈકોર્ટ દ્વારા સચોટ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં હોટસ્પોટ સહિતના વિસ્તારોમાં દેખરેખ રાખવાની સાથે યોગ્ય કામગીરી કરવા માટે ડિવિઝનલ લેવલ રીવ્યુ કમિટીની રચના કરવામાં આવી છે. સાથે-સાથે રેન્જ લેવલ કમિટીની બેઠક દર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળશે. તેવામાં ત્રણ મહિનાના ગાળામાં સર્કલ લેવલ રીવ્યુ કમિટીની બેઠક યોજીની તમામ બાબતે ચર્ચા કરવાની સાથે જંગલ વિસ્તારોમાંથી પસાર થતી ટ્રેનોની સ્પીડ નક્કી કરવા સહિતની કામગીરી કરવામાં આવશે.
ટ્રેનની અડફેટે આવતા સિંહના મોતને અટકાવવા સરકારની SOP
રાજ્ય સરકાર દ્વારા ગીર વિસ્તારમાં ટ્રેનની અડફેટે આવતા સિંહના મોતને અટકાવવા SOP બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ડિવિઝનલ લેવલ રીવ્યુ કમિટીની રચના કરીને હોટસ્પોટ સહિના વિસ્તારોને લગતા નિર્ણય લેવામાં આવશે. આ સાથે તમામ ટ્રેનોના લોકો પાયલટને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે, જો લોકો પાયલટને સિંહની હલચલની જાણ થતાં સ્ટેશન માસ્ટર અને જે-તે વન વિભાગના અધિકારીને જાણ કરવામાં આવશે. આ ઉપરાંત, જંગલ વિસ્તારોમાં મુકવામાં આવેલા 49 સાઈન બોર્ડનું 2 મહિનામાં સર્વે કરવો, દૂરથી જ સિંહોની હલચલની ઓળખ કરવા 23 વોચ ટાવર મૂકવા, 71 વિશેષ રેલ સેવકની નિમણુક કરવા સહિતની કામગીરી પર કમિટીની બેઠકોમાં નિયમિતપણે ધ્યાન દોરવામાં આવશે. આ સાથે દરેક પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવા માટે વન વિભાગ અને પશ્ચિમ રેલવે વિભાગની બેઠક દર 6 મહિને મળવામાં આવશે.
જંગલ વિસ્તારની ટ્રેનમાં ચોક્કસ સ્પીડ લાગું કરાઈ
હાઈકોર્ટના આદેશ પ્રમાણે, વન વિભાગ અને રેલવે વિભાગના અધિકારીની કમિટીની રચના કરવામાં આવી છે. જેના થકી જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનની એક ચોક્કસ ઝડપ નક્કી કરવામાં આવી છે. જેમાં રાજુલા – પીપાવાવ, કેસીયા નેસ – સાસણ ગીર, જૂનાગઢ – બીલખા ટ્રેનની ઝડપ હંમેશા માટે ઘટાડી દેવામાં આવી છે. આ સાથે દામનગર – લીલીયા મોટા, લીલીયા મોટા – સાવરકુંડલા, સાવરકુંડલા – ગધકડા, ગઢકડા – વિજપડી, વીજપડી – રાજુલા જંક્શન, રાજુલા – મહુવા સહિતની ટ્રેનોમાં મહત્તમ 40 કિ.મી. સ્પીડની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, વન વિભાગ અને રેલવે વિભાગની સહિયારી જવાબદારી નક્કી કરતાં હાઈકોર્ટ દ્વારા જણાવ્યું હતું કે, હવે કોઈ સિંહનું આ રીતે મોત થયું તો કડક પગલા લેવામાં આવશે.