2025માં વાલીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદની જાણીતી 25થી વધુ સ્કૂલોમાં ફી વધારો નહીં
Ahmedabad Famous School Fee : સરકારે અમદાવાદ સહિતના તમામ ઝોનમાં નવી ફી કમિટીઓ રચ્યા બાદ અમદાવાદ ઝોનની ફી કમિટી દ્વારા બાકી રહેલી સ્કૂલોની ફીના ઑર્ડર કરવામાં આવી રહ્યા છે અને જેમાં 2024-25ના વર્ષમાં અમદાવાદ શહેર અને આસપાસની ટોપ ગણાતી 25થી વધુ સીબીએસઈ, આઇસીએસઈ અને કેમ્બ્રિજ તેમજ આઇબી બોર્ડ સહિતની સ્કૂલોમાં ફી વધારો અપાયો નથી. 2023-24માં જે હતી તે જ ફી 2024-25માં પણ રાખવામાં આવી છે.
સ્કૂલોની 2024-25 અને 2025-26ની ફી નક્કી કરી દેવાઈ
ખાનગી સ્કૂલોના ફી નિર્ધારણ માટે રાજ્ય સરકાર દ્વારા 2017માં લાગુ કરાયેલા ફી રેગ્યુલેશન ઍક્ટ અંતર્ગત અમદાવાદ ઝોનની નવી ફી કમિટી રચાઈ છે અને ફી કમિટી દ્વારા અમદાવાદ શહેરની વિવિધ બોર્ડની અને વિવિધ માધ્યમોની સ્કૂલોની ફી નક્કી કરવાની હાલ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ફી મર્યાદાથી વધુ ફી ધરાવતી અને ફી વધારો માંગનારી સ્કૂલોના હિસાબો અને દરખાસ્તના આધારે ફી કમિટી દ્વારા ફી નિર્ધારણના ઑર્ડરો કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ શહેર અને આસપાસની મોટા ભાગની સ્કૂલોની 2024-25ની ફી માટેના ઑર્ડરો કરી દેવાયા છે તેમજ કેટલીક સ્કૂલોની 2025-26ની પણ ફી નક્કી કરી દેવામાં આવી છે. અમદાવાદની 15થી વધુ ટોપની ખાનગી સ્કૂલોની ફીમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 2024-25માં કોઈ જ વધારો થયો નથી. આ સ્કૂલોમાં કેલોરેકસ, મહાત્મા ગાંધી, રિવરસાઇડ, ડિવાઇન ઇન્ટરનેશનલ, ડિવાઇન્ડ ચાઇલ્ડ, કોસમોસ, સત્વ વિકાસ, શાંતિ એશિયાટિક, શ્રી શ્રી રવિશંકર, પોદાર, ડીએવી, ઝેબર, ઉદ્ગમ, અપોલો, લક્ષ્ય ઇન્ટરનેશનલ, એશિયા સ્કૂલ અને નિરમા સ્કૂલ તેમજ ઝાયડસ સહિતની સ્કૂલોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં બસ-ટેન્કર વચ્ચે ભયંકર ટક્કર, 3નાં મોત, વાહન છૂટા પાડવા 3 ક્રેઇનની મદદ લેવાઈ
મહાત્મા ગાંધી કેમ્બ્રિજની ફી ગત વર્ષે 1.62 લાખથી વધુ હતી જે આ વર્ષે પણ એટલી જ છે અને આઇબી બોર્ડમાં ફી 2.98 લાખથી વધુ ગત વર્ષે હતી જે આ વર્ષે પણ એટલી જ છે. સત્વ વિકાસની ફી 1.87 લાખથી વધુ અને કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલની પણ 2.48 લાખથી વધુ ફી યથાવત્ રહી છે.
આ ઉપરાંત રિવરસાઇડ કેમ્બ્રિજની 1.91 લાખથી વધુ અને લક્ષ્ય ઇન્ટરનેશનલની 99776 રૂપિયા ફી યથાવત્ રહી છે. જ્યારે અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુજરાત બોર્ડમાં ધો. 8થી10માં 89302 રૂ. ફી યથાવત્ રહી છે અને ધો.11-12માં 7 હજારના વધારા સાથે 90 હજાર તેમજ આઇબી બોર્ડમાં 1.08 લાખથી 1.14 લાખ ફી હતી જે વધીને 1.20થી 1.26 લાખ થઈ છે.