ગોમતીપુરમાં પોલીસને જુગારના અડ્ડાના દરોડામાં દારૂનો જથ્થો મળ્યો
જુગારની બાતમીને આધારે દરોડો પાડયો હતો
જુગારનો અડ્ડો ચલાવતો આરોપી દેશી અને વિદેશી દારૂનું પણ વેચાણ કરતો હતોઃ જુગાર રમવાના ટોકન જપ્ત કરાયા
અમદાવાદ,ગુરૂવાર
શહેરના ગોમતીપુરમાં આવેલી શેઠ કોઠાવાલીની ચાલીમાં સ્થાનિક પોલીસે જુગારના અડ્ડા પર દરોડો પાડયો હતો. જે દરમિયાન દેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે જુગારનો અડ્ડો ચલાવતો આરોપી મોટાપાયે દારૂનું વેચાણ પણ કરતો હતો. આ અંગે ગોમતીપુર પોલીસે બે અલગ અલગ ગુના નોંધીને કાર્યવાહી કરી છે. ગોમતીપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી વી રાણાને બાતમી મળી હતી કે શેઠ કોઠાવાળાની ચાલીમાં રહેતો વિજય ડેવીડ પરમાર તેના મકાનમાં છેલ્લાં ઘણા સમયથી લોકોને બહારથી બોલાવીને કમિશન લઇને જુગાર રમાડે છે.
જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડીને તપાસ કરતા સાત જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા. તેમની પાસેથી અલગ અલગ રંગના પ્લાસ્ટીકના સિક્કા મળી આવ્યા હતા. જે નાણાંની જગ્યાએ દાવ પર મુકવામાં આવ્યા હતા. પોલીસની આ કામગીરી દરમિયાન કેટલાંક સ્થાનિક લોકોએ આપેલી માહિતીને આધારે અન્ય રૂમમાં તપાસ કરતા દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે વિજય પરમાર જુગાર રમવા આવતા લોકો અને અન્ય લોકોને વેચાણે આપતો હતો. આ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.