Get The App

અમદાવાદથી વિદેશ જવું મોંઘું, મુંબઈ-દિલ્હીથી જશો તો 20થી 25 હજારનો થશે ફાયદો

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
અમદાવાદથી વિદેશ જવું મોંઘું, મુંબઈ-દિલ્હીથી જશો તો 20થી 25 હજારનો થશે ફાયદો 1 - image


Sardar Patel International Airport :  અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મોટે ઉપાડે નવી ઈન્ટરનેશનલ ફ્લાઈટ તો શરૂ કરાય છે પણ ખૂબ જ ટૂંકા સમયમાં તેના શટર પણ પડી જાય છે. અમદાવાદથી ડાયરેક્ટ ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ થવાનું મુખ્ય કારણ ઊંચું ભાડું છે. વાત એમ છે કે, અમદાવાદથી સીધી ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં જતા મુસાફરોએ જે ભાડું ચૂકવવું પડે છે તેના કરતાં ઓછા ભાડામાં વાયા મુંબઇ કે દિલ્હીથી વિદેશ જઈ શકાય છે. 

અંદાજે રૂપિયા 30 હજાર જેવી રકમ બચતી હોવાથી મોટાભાગના લોકો એ જ રસ્તો અપનાવે છે અને તેના કારણે અમદાવાદ એરપોર્ટથી ડાયરેક્ટ ઈન્ટરનેશનલ ફ્લાઈટના પૂરતા પ્રવાસીઓ મળતા નથી. એરલાઈન્સના વ્યવસાય સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદથી ડાયરેક્ટ ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં જવાને બદલે મુંબઈ-દિલ્હી થઈને જવામાં મુસાફરોને 30 થી 40 ટકાની બચત થાય છે. 

દ્રષ્ટાંત તરીકે સમજીએ તો, અમદાવાદ એરપોર્ટથી ટોરન્ટો અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓએ એર ઈન્ડિયાનીફ્લાઇટ માટે રૂ. 71 હજાર બેઝ ફેર અને 18 ટકા ટેક્સ એમ મળીને રૂપિયા 83,780 ચૂકવવા પડે છે. બીજી તરફ મુંબઇથી કેનેડા રૂપિયા 38 હજારના બેઝ ફેર અને 18 ટકા ટેક્સ સાથે કુલ રૂપિયા 44,840 ચૂકવવાના થાય છે.

હવે આ ભાડામાં અમદાવાદ-મુંબઈનું એરફેર ઉમેરવામાં આવે તો વધુમાં વધુ રૂપિયા 50 હજાર ચૂકવવા પડે. મતલબ કે, વાયા મુંબઈ ઈન્ટરનેશનલ ફ્લાઈટના ભાડાથી 33 હજાર ઓછું ભાડું ચૂકવીને કેનેડા જઈ શકાય છે. આ જ રીતે દિલ્હીથી કેનેડા જવાના પર હજાર બેઝ ફેર અને 18 ટકા ટેક્સ મળીને કુલ રૂપિયા 61,390 ચૂકવવા પડે છે. તેમાં દિલ્હીની ફ્લાઈટનું રૂપિયા 6 હજાર ભાડું ઉમેરો તો રૂપિયા 67 હજાર ભાડું થાય. આમ, કુલ રૂપિયા 17 હજાર રૂપિયાનો ફાયદો સીધી ઈન્ટરનેશનલ ફ્લાઇટની સરખામણીએ થાય છે.

આ સ્થિતિ દરેક ઈન્ટરનેશનલ રૂટમાં છે. આમ, રૂપિયા 20 હજારથી રૂપિયા 25 હજારની બચત કરવા ખાસ કરીને વિદ્યાર્થીઓ વાયા મુંબઈ કે દિલ્હી થઈને કેનેડા જવાનું વધારે પસંદ કરે છે.

અમદાવાદથી વિદેશ જતાં પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને મુંબઈ-દિલ્હી ફ્લાઈટના શેડ્યૂલ

ગુજરાતમાંથી વિદેશ જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિનો લાભ લેવા એરલાઈન્સ પણ કૂદી પડે છે. જેના કારણે અમદાવાદ એરપોર્ટમાં ડોમેસ્ટિક-ઈન્ટરનેશનલ ફ્લાઇટ વચ્ચે હરીફાઈ શરૂ થઈ ગઈ છે. ડોમેસ્ટિક ફ્લાઈટના શેડ્યૂલ જ એ રીતે ગોઠવાય છે કે જેથી દિલ્હી-મુંબઇથી વિદેશ જવા માટે કનેક્ટિંગ ફ્લાઈટ મળી રહે. અમદાવાદથી ઓપરેટ થતી ડોમેસ્ટિક ફ્લાઈટો પણ યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા જતા મુસાફરોને મુંબઈ-દિલ્હીથી કનેક્ટિવિટી આપવા માંડી છે.

ભાડું ઓછું થાય તો પ્રવાસીઓ વધે

અમદાવાદથી વિદેશ જવા માટેની ફ્લાઈટનું ભાડું મુંબઈ-દિલ્હી કરતાં ખૂબ જ વધારે છે. જેના કારણે અનેક લોકો ખાસ કરીને મુંબઇથી વિદેશ જવાનું વધારે પસંદ કરે છે. નિયમિત વિદેશ પ્રવાસે જતાં લોકોને મને અમદાવાદથી ભાડું ઓછું થાય તો જ ઈન્ટરનેશનલ ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યા વધી શકે.


Google NewsGoogle News