કાચની મસ્જિદ વકફની જગ્યામાં જર્જરીત મ્યુનિ.શાળાને જમીન દોસ્ત કરી નવુ બિલ્ડિંગ બાંધી આપવાનુ હતુ
મ્યુનિ.દ્વારા સ્મોલકોઝ કોર્ટમાં પિટીશન કરીને દાદ માંગવામાં આવી
અમદાવાદ,મંગળવાર,28 જાન્યુ,2025
અમદાવાદના જમાલપુરમાં કાચની મસ્જિદ વકફની જગ્યામાં જર્જરીત
થયેલી મ્યુનિસિપલ શાળાના બિલ્ડિંગને જમીનદોસ્ત કરી ત્યાં મ્યુનિ.શાળા માટે નવુ
બિલ્ડિંગ નવુ બાંધી આપવાનુ હતુ. મ્યુનિ.તરફથી આ અંગે વકફ તેમજ કાચની મસ્જિદ ટ્રસ્ટ
સમક્ષ આ અંગે માંગણી કરવામાં આવી હતી.જોકે હજી સુધી નવુ બિલ્ડિંગ બાંધી આપવામાં
નહીં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગે સ્મોલકોઝ કોર્ટમાં દાદ માંગવામાં
આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ જગ્યાના ભાડા પેટે વર્ષ-૨૦૧૭ સુધી પ્રતિ
માસ રુપિયા ૧૮૫ લેખે ભાડુ પણ ભરવામાં આવ્યુ હતુ.
આ અંગેની વિગત એવી છે કે, છેલ્લા ૭૦ વર્ષથી કાચની મસ્જિદની જગ્યામાં મ્યુનિસિપલ
સ્કૂલબોર્ડ સંચાલિત શાળા અસ્તિત્વમાં હતી.૧૯૯૫માં વકફ અસ્તિત્વમાં આવતા આ જગ્યા
વકફ હસ્તક જતી રહી હતી.જો કે ભાડુઆત તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનનો કબજો યથાવત
રહયો હતો.વર્ષ-૨૦૦૫માં આ શાળાનુ બિલ્ડિંગ જર્જરીત થતા તેના મકાનમાં યોગ્ય રીપેરીંગ
કરવા પણ કાચની મસ્જિદ ટ્રસ્ટ તરફથી સુચન કરવામાં આવ્યુ હતુ.મ્યુનિસિપલ કોર્પોરેશન
તરફથી ૫૦ ચોરસવાર જગ્યાના પ્રતિ માસ રૃપિયા ૧૮૫ લેખે વર્ષ-૨૦૧૭ સુધી ભાડુ પણ
ભરવામાં આવ્યુ હતુ.આ અગાઉ વર્ષ-૨૦૧૦માં મ્યુનિ.શાળાના જર્જરીત થયેલા બિલ્ડિંગને
તેના સ્થાને મ્યુનિસિપલ કોર્પોરેશનને નવુ બિલ્ડિંગ બનાવી આપવાની શરતે જ બિલ્ડિંગ
જમીનદોસ્ત કરવામા આવ્યુ હતુ.જયાં હજી સુધી નવુ બિલ્ડિંગ મ્યુનિસિપલ કોર્પોરેશનને
બાંધીને આપવામા આવ્યુ નથી.આ સ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્મોલકોઝ કોર્ટમાં
પિટીશન કરી વકફને આ સ્થળે મ્યુનિ.શાળા માટે નવુ બિલ્ડિંગ બાંધી આપવાના આદેશ આપી
ફરીથી મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાડુઆત તરીક કબજો આપવા દાદ માંગવામાં આવી છે.