ગ્લાસ તોડા બારા આના જેવી સ્થિતિ, V.S. હોસ્પિટલનું ૨૪૪ કરોડનું ડ્રાફટ બજેટ, ૨૪૦ કરોડ મ્યુનિ.તંત્રઆપશે
હેરીટેજ પ્રકારના બિલ્ડિંગના સમારકામ માટે ૪૦ કરોડની ફાળવણી,ગત વર્ષે પણ સમારકામની જાહેરાત કરાઈ હતી
અમદાવાદ,ગુરુવાર,16
જાન્યુ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વાડીલાલ સારાભાઈ
હોસ્પિટલની ખાયા-પીયા કુછ નહીં,ગ્લાસ
તોડા બારા આના જેવી સ્થિતિ છે.હોસ્પિટલના ઈન્ચાર્જ મેડીકલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા
વર્ષ-૨૦૨૫-૨૬ માટે હોસ્પિટલનું રુપિયા ૨૪૪.૯૦ કરોડનું ડ્રાફટ બજેટ વી.એસ.બોર્ડ
સમક્ષ રજૂ કરાયુ હતુ.હોસ્પિટલના હેરીટેજ બિલ્ડિંગના સમારકામ માટે રુપિયા ૪૦ કરોડની
ફાળવણી કરાઈ છે.ગત વર્ષે પણ હેરીટેજ પ્રકારના બિલ્ડિંગના સમારકામ કરવાની જાહેરાત
કરાઈ હતી.રુપિયા ૨૪૦.૭૬ કરોડ મ્યુનિ.તંત્ર પાસેથી ગ્રાન્ટ પેટે મેળવવાનો અંદાજ
મુકાયો છે.
સ્થાપનાના સો વર્ષ પુરા કરી ગયેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત
વી.એસ.હોસ્પિટલની હાલત જર્જરીત અને ખંડેર બની ગઈ છે.વર્ષ-૨૦૨૫-૨૬નું ડ્રાફટ બજેટ ઈન્ચાર્જ
મેડીકલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા રજૂ કરવામા આવ્યુ છે.જેમાં હોસ્પિટલના હેરીટેજ પ્રકારના
મેઈન ટાવર બિલ્ડિંગ સાથે સંલગ્ન ૧થી ૬ વોર્ડના રીટ્રોફીટીંગ અને સમારકામ માટે રુપિયા
૨૫ કરોડ તથા હોસ્પિટલના હેરીટેજ પ્રકારના શેઠ ચિનાઈ પ્રસુતિ ગૃહ હોસ્પિટલના રીટ્રોફીટીંગ
અને સમારકામ માટે રુપિયા ૧૫ કરોડની રકમ ફાળવવામાં આવી છે.હોસ્પિટલની નર્સીંગ સ્કૂલ,હોસ્ટેલ બિલ્ડિંગના
રંગરોગાન માટે રુપિયા ૫૦ લાખની રકમ ફાળવવામાં આવી છે.આઘાતજનક બાબત એ છે કે રુપિયા ૨૪૪.૯૦
કરોડના બજેટ પૈકી રુપિયા ૨૪૦.૭૬ કરોડ ગ્રાન્ટ મેળવવાનો અંદાજ ઈન્ચાર્જ મેડીકલ સુપ્રિટેન્ડન્ટ
દ્વારા ડ્રાફટ બજેટમાં મુકવામાં આવ્યો છે. બે કરોડ રાજય સરકાર ગ્રાન્ટ આપશે.
ટ્રસ્ટીઓએ વ્યવસ્થાપક મંડળ પાસે હોસ્પિટલના ખર્ચ અંગે વિગત
મંગાઈ
શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના ટ્રસ્ટીઓ બ્રિજેશ ચિનાઈ તથા
ડોકટર નિશિત શાહ દ્વારા ઈન્ચાર્જ મેડીકલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા હોસ્પિટલના રજૂ
કરવામાં આવેલા ડ્રાફટ બજેટમાં કરવામાં આવનારા ખર્ચ અંગે વ્યવસ્થાપક મંડળ પાસેથી
વિગત માંગી છે.ટ્રસ્ટીઓએ કહયુ,
હોસ્પિટલની સ્થાપનાથી આજદીન સુધી અમે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને સારવાર
મળી રહે એ બાબતના પક્ષમાં છીએ.રીનોવેશનની વાત કરવામા આવે છે ,કઈ રીતનું
રીનોવેશન કરાશે?, દર્દીઓને
શું સુવિધા મળશે, દર્દીઓ
કયાંથી આવશે અને તેમને ફ્રીમાં સારવાર અપાશે કે પછી એસ.વી.પી. હોસ્પિટલની જેમ
ચાર્જ લેવામા આવશે આ તમામ બાબતમાં અમે વિગતવાર માહીતી માંગી છે.
મા.જે.પુસ્તકાલયનું ૨૦ કરોડનું ડ્રાફટ બજેટ રજૂ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
સંચાલિત શેઠ મા.જે.પુસ્તકાલયનું વર્ષ-૨૦૨૫-૨૬ માટેનુ રુપિયા ૨૦.૫ કરોડનું ડ્રાફટ
બજેટ ગ્રંથપાલ દ્વારા રજૂ કરવામાં આવ્યુ છે.પુસ્તકાલયમાં રહેલા ગાંધીજીના તથા
ગાંધીજી સાથે સંકળાયેલા પુસ્તકાલયને લગતી તમામ માહીતી એ.આઈ.ટેકનોલોજીની મદદથી
મેળવી શકાશે.આ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગાંધી સાહીત્યને જીવન સ્વરૃપમાં દર્શાવવામાં
આવશે.પુસ્તકાલયની ડોકયુમેન્ટ્રી બનાવવા રુપિયા પાંચ લાખની ફાળવણી કરાઈ છે.