ઇસ્કોન મંદિર વિવાદ: યુવતીએ કહ્યું હું ખુશ છું, મારી મરજીથી લગ્ન કર્યા છે, મને જીવવા દો, માતા-પિતા પર લગાવ્યા આરોપ
ISKCON temple controversy : અમદાવાદના ઇસ્કોન મંદિરના વિવાદમાં યુવતીએ વીડિયો જાહેર કરીને મોટો ખુલાસો કર્યો છે. આ વીડિયોમાં યુવતીએ પિતાના આક્ષેપને નકારી કાઢ્યા છે અને કહ્યું કે કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે અને ઘણી ખુશ છું. મારા પેરેન્ટ્સ ખોટી ખોટી ફરિયાદ કરે છે. એમ કહેતાં સમગ્ર ઘટનાને એક નવો વળાંક આપી દીધો છે. આ ઉપરાંત માતા-પિતા પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે પેરેન્ટ્સે મારું જીવન નર્ક બનાવ્યું હતું પણ હવે હું ખુશ છું.
પેરેન્ટ ખોટી ફરિયાદ લખાવી રહ્યા છે
વીડિયોમાં યુવતી કહેતી જોવા મળે છે કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે અને ખૂબ જ ખુશ છું. આ લગ્ન માટે 27 તારીખે હું મારી મરજીથી ઘરેથી નીકળી હતી. મારા માતા પિતા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ લખાવી રહ્યા છે કે હું ઘરેથી દાગીના વગેરે લઈને ભાગી છું તે ખોટું છે. હું બાય ફ્લાઇટ આવી છું ત્યાં ચેકિંગ સમયના સીસીટીવી ફૂટેજ જોઈ શકો છો, તેમાં સ્પષ્ટ દેખાઈ જશે કે હું ઘરેથી શું-શું સામાન લઈને ભાગી છું.
આ લગ્નથી ખુશ છું, મારી મરજી લગ્ન કર્યા છે
મે મહિનાના અંતમાં તેમણે મને ખૂબ મારી હતી અને જેથી મદદ માટે હું મારા એક મિત્રના ઘરે જતી રહી હતી અને ત્યાંથી પાછા ઘરે લઈ ગયા હતા. ઘરે પાછા ફરતાં એજ વસ્તુઓ રીપીટ થવા લાગી હતી. તે મારવાની અને બળજબરીપૂર્વક લગ્ન કરવાની ધમકી આપતા હતા. અમે માતા પિતા છીએ તો અમે ગમે તે કરી શકીએ. જેથી મને લાગ્યું કે અહીં મારા જિંદગી બરબાદ થઈ શકે છે. જેથી મારી સુરક્ષાને ધ્યાનમાં રાખી ત્યાંથી નીકળી ગઈ છું. હું આ લગ્નથી ખૂબ જ ખુશ છું કારણ કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ ઇસ્કોન મંદિરના પૂજારીઓના કબજામાં મારી પુત્રી, તેને રોજ ડ્રગ્સ અપાય છે, પિતાનો સનસનીખેજ આરોપ
પેરેન્ટ ગોળી મારી દેવાની ધમકી આપે છે
જો મારા માતા પિતા આવા ખોટા આરોપો લગાવી રહ્યા છે અને મને હેરાન કરે છે અને હજુ પણ ધમકી આપે છે. તમે તેમના મેસેજ અને રેકોર્ડિંગ જોશો તો તેમાં ધમકીઓ જ જોવા મળશે. તું પાછી આવી જા નહીંતર તને જીવતી સળગાવી દઈશું અથવા તો ગોળી મારી દઈશું. અમારી પહોંચ ક્યાં સુધી છે તને ખબર નથી. હજુ પણ આ વસ્તુઓ થઈ રહી છે તો પ્લીઝ મારી રિકવેસ્ટ છે કે હું તેમને મળવા કે વાત કરવા માંગતી નથી અને તેમને જોવા પણ માંગતી નથી. હું તેમનાથી દૂર રહેવા માંગુ છું અને અમે મારી જિંદગીમાં ખુશ રહેવા માંગું છું અને તે તેમની જિંદગીમાં ખુશ રહે. હું કોઈને હેરાન કરવા માંગતી નથી તો પ્લીઝ મને હેરાન ના કરશો.
હું મારી લાઇફ જીવી રહું છું આ પહેલાં મારા માતા પિતાએ મારી જિંદગી નર્ક કરી દીધી હતી. એક માતા પિતા તરીકે કોઈ બાળકને બેલ્ટ અને વાયપર વડે મારઝૂડ કરવી, ગાળો ભાંડવી અને તેને મેન્ટલ ટોર્ચર કરવું એ સારી વાત નથી. કોઈ કાયદો કાનૂન આ બધી બાબતોની પરવાનગી આપતો નથી.
શું છે સમગ્ર મામલો?
અમદાવાદના એસજી હાઇવે પર આવેલા સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરના પૂજારીઓના કથિત બ્રેઇન વોશ અને પ્રભાવમાં છેલ્લા છ મહિનાથી લાપતા બનેલી પોતાની પુત્રીની ભાળ મેળવવા એક નિવૃત્ત આર્મીમેન પિતાએ ગુજરાત હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા છે. અરજદારે તેમની પુત્રીને જાનનું જોખમ હોવાની અને તેને નિયમિત રીતે ગાંજો-ડ્રગ્સ અપાતું હોવા સહિતના ગંભીર આક્ષેપો પણ અરજીમાં કર્યા છે. હાઇકોર્ટે કેસની ગંભીરતા ઘ્યાને લઈ લાપતા યુવતીને અદાલત સમક્ષ હાજર કરવા નિર્દેશ કર્યો હતો અને કેસની વઘુ સુનાવણી તા. 9મી જાન્યુઆરીએ રાખી છે.
યુવતીને હાજર કરો : સરકાર, અમદાવાદ પોલીસ કમિશ્નરને નોટિસ
વઘુમાં, જસ્ટિસ સંગીતા વિશેણ અને જસ્ટિસ સંજીવ ઠાકરની ખંડપીઠે રાજય સરકાર, શહેર પોલીસ કમિશ્નર, મેઘાણીનગર પોલીસ મથકના પીઆઇ, ઇસ્કોન સાથે સંકળાયેલા નીલેશ નરસૈંયાદ દેશવાની, સુંદર મામા પ્રભુ, મુરલી મનોહર પ્રભુ, નારદમુની ઉર્ફે નિર્મોઈ મુરલી મનોહર પ્રભુ, અંકિતા સિંધી, હરિશંકરદારસ મહારાજ, અક્ષયતિથિ કુમારી, મોહિત પ્રભુજી મહારાજ અને કોર્પસ વિરુદ્ધ કારણદર્શક નોટિસ જારી કરી છે.
બ્રેઇન વોશ કર્યું હોવાથી પૂજારી સાથે ભાગી ગઈ : પિતાનો આક્ષેપ
અરજદાર પિતા દ્વારા કરાયેલી હેબીયર્સ કોર્પસ અરજીની સુનાવણી દરમિયાન એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, એસજી હાઇવે પર આવેલા સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરમાં તેમની પુત્રી દર્શન અને પૂજા-ભકિત માટે નિયમિત રીતે જતી હતી. તે દરમિયાન તેણી ઇસ્કોન મંદિરના ઉપરોકત પૂજારીઓના સંપર્કમાં આવી હતી. ઇસ્કોન મંદિરના ઉપરોકત પૂજારીઓએ અરજદારની પુત્રીનું સંપૂર્ણપણે બ્રેઇન વોશ કરી દીધું હતું અને તેઓના પ્રભાવમાં લઈ લીધી હતી. જેને પગલે ગત 27 જૂન 2024ના રોજ અરજદારની પુત્રી ઘરેથી 23 તોલા સોનું અને રૂ.3.62 લાખ રોકડા લઈ મંદિરના એક પૂજારી સાથે ભાગી ગઈ હતી.
મારી પુત્રીને નિયમિત રીતે ડ્રગ્સ અને ગાંજો અપાય છે: પિતાનો આક્ષેપ
અરજદાર પિતાએ અરજીમાં ગંભીર આક્ષેપો કર્યા હતા કે, તેમની પુત્રી મંદિરના પૂજારીઓની ગેરકાયદે કસ્ટડી અને કેદમાં જ છે અને તેઓ દ્વારા તેમની પુત્રીને નિયમિત રીતે ડ્રગ્સ અને ગાંજો અપાઈ રહ્યો છે. જેના કારણે તેણીના જીવનું જોખમ બન્યું છે. આ સમગ્ર મામલે અરજદાર પિતાએ મેઘાણીનગર પોલીસથી લઈ સોલા પોલીસમથક, શહેર પોલીસ કમિશ્નર સહિત સંબંધિત સત્તાવાળાો સમક્ષ વારંવાર રજૂઆત અને અરજ કરી હોવા છતાં પોલીસ દ્વારા પણ તેમની પુત્રીને શોધવાના કોઈ અસરકારક પ્રયાસો કરાયા નથી, જેના કારણે આટલા મહિનાઓ બાદ પણ તેમની પુત્રીની ભાળ સુદ્ધાં મળી નથી.