ઇસ્કોન મંદિરમાં રહેતી યુવતીનો મરજીથી લગ્ન કર્યાંનો દાવો, હાઇકોર્ટનો પતિ સાથે મોકલવાનો હુકમ
Iskcon Temple Girl Brain Wash Case : એસજી હાઇવે પર આવેલા સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરના પૂજારીઓના કથિત બ્રેઇન વોશ અને પ્રભાવમાં છેલ્લા છ મહિનાથી લાપતા બનેલી પોતાની પુત્રીની ભાળ મેળવવા એક નિવૃત્ત આર્મીમેન પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી હેબીયર્સ કૉર્પસ અરજીની સુનાવણીમાં મંગળવારે પોલીસે યુવતીને હાઇકોર્ટ સમક્ષ હાજર કરી હતી.
યુવતીએ હાઇકોર્ટની પૂછપરછ દરમિયાન અદાલતને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તેણે પોતાની મરજીથી લગ્ન કરી લીધા છે અને તે તેના પતિ સાથે જ જવા માંગે છે. જેથી હાઇકોર્ટે યુવતીની ઇચ્છા મુજબ તેના પતિ સાથે મોકલી આપવા હુકમ કર્યો હતો.
અરજદાર નિવૃત્ત આર્મીમેન પિતા દ્વારા કરાયેલી હેબીયર્સ કૉર્પસમાં આક્ષેપ કરાયા હતા કે, એસજી હાઇવે પર આવેલા સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરમાં તેમની પુત્રી દર્શન અને પૂજા-ભકિત માટે નિયમિત રીતે જતી હતી. તે દરમિયાન તેણી ઇસ્કોન મંદિરના ઉપરોકત પૂજારીઓના સંપર્કમાં આવી હતી. ઇસ્કોન મંદિરના ઉપરોકત પૂજારીઓએ અરજદારની પુત્રીનું સંપૂર્ણપણે બ્રેઇન વોશ કરી દીધું હતું અને તેઓના પ્રભાવમાં લઈ લીધી હતી.
આ પણ વાંચો: જામનગરની નર્સે આચર્યું અધમ કૃત્ય, ગલૂડિયાને સ્કૂટી પાછળ દોરડેથી બાંધી ઢસડતા હોવાનો વીડિયો વાયરલ
જેને પગલે ગત તા.27 જૂન 2024ના રોજ અરજદારની પુત્રી ઘરેથી 23 તોલા સોનુ અને રૂ. 3.62 લાખ રોકડા લઈ મંદિરના એક પૂજારી સાથે ભાગી ગઈ હતી. એમની પુત્રી મંદિરના પૂજારીઓની ગેરકાયદે કસ્ટડી અને કેદમાં જ છે અને તેઓ દ્વારા તેમની પુત્રીને નિયમિત રીતે ડ્રગ્સ અને ગાંજો અપાઈ રહ્યો છે. જેના કારણે તેણીના જીવનુ જોખમ બન્યું છે.
પોલીસ તપાસમાં એ વાત સામે આવી હતી કે, અરજદારની પુત્રી ઘરેથી ભાગીને ઇસ્કોન મંદિરના અનુયાયી સાથે લગ્ન કરીને ઉત્તરપ્રદેશમાં રહેતી હતી. દરમિયાન પોલીસે યુવતીને હાઇકોર્ટ સમક્ષ હાજર કરતાં યુવતીએ અદાલતને જણાવ્યું કે, તે પોતાની મરજીથી જ ઘરેથી ભાગી હતી અને તેણી પુખ્તવયની છે. મારી પર કોઈનું દબાણ નથી અને મેં મારી મરજીથી જ લગ્ન કરી લીધા છે. તે તેના માતા-પિતા સાથે પરત જવા માંગતી નથી.
યુવતીએ તેના પતિના ઘેર ઉત્તરપ્રદેશ સુધી જવા પોલીસ સુરક્ષાની માંગ પણ કરી હતી. જેને પગલે હાઇકોર્ટે યુવતીને તેના પતિના ઘેર સુરક્ષિત રીતે પહોંચાડવા અંગે હુકમ કરી અરજદાર પિતાની રિટ અરજીનો નિકાલ કર્યો હતો.