Get The App

કારથી અકસ્માત કર્યો હોવાનું કહીને બે માથાભારે શખ્સોએ સિનિયર સિટીઝન પાસેથી એક લાખના ચેક લખાવી લીધા

ઘાટલોડિયા પોલીસે બેંકના અને એસવીપી હોસ્પિટલના સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓને ટ્રેક કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી

બેંક અને હોસ્પિટલના સીસીટીવી ફુટેજ ટ્રેક કરીને આરોપીઓની કડી મેળવી

Updated: Feb 24th, 2025


Google NewsGoogle News
કારથી અકસ્માત કર્યો હોવાનું કહીને  બે માથાભારે શખ્સોએ સિનિયર સિટીઝન પાસેથી એક લાખના ચેક લખાવી લીધા 1 - image

અમદાવાદ,સોમવાર

તમારી કારથી અકસ્માત થયો છે અને સારવાર કરાવવા માટે પૈસા આપવા પડશે નહીતર હુમલો કરીશુ તેમ કહીને કાર ચલાવતા સિનિયર સિટીઝન અને મહિલાઓને ટારગેટ કરીને નાણાં પડાવતી ગેંગ વિરૂદ્ધ ઘાટલોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પારસનગર પાસે સિનિયર સિટીઝનની કારને રોકીને સારવાર કરાવવાના નામે તેમની પાસેથી સેલ્ફના બે ચેક લખાવી લીધા હતા. આ અંગે ઘાટલોડિયા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની લીડ મેળવીને તપાસ શરૂ કરી છે. શહેરના મણિનગર ભૈરવનાથમાં આવેલી ચંદ્રાવતી સોસાયટીમાં રહેતા કમલેશભાઇ મહેતા ઘાટલોડિયામાં પણ અન્ય મકાન ધરાવે છે. ગત ગુરૂવારે તે બપોરના બે વાગે નવરંગપુરા સ્થિત ઓફિસથી તેમના ઘાટલોડિયામાં આવેલા ઘરમાં જતા હતા. ત્યારે એઇસી ચાર રસ્તા પાસે સિગ્નલ બંધ હતી અને તે ખુલતા તે પારસનગર તરફ જતા હતા. આ સમયે એક્ટીવા સ્કૂટર પર આવેલા બે યુવકોએ તેમની કારને રસ્તામાં આંતરીને રોકાવીને કહ્યું હતું કે તમારી કારથી મારા ભાઇને હાથમાં ઇજા થઇ છે. જેથી તેને દવાખાને લઇ જાવ.  આ સમયે કમલેશભાઇએ જણાવ્યું હતું કે તેમની કારથી અકસ્માત થયો નથી. પણ માનવતાના ધોરણે તે યુવકને કારમાં બેસાડીને નજીકના દવાખાને લઇ ગયા હતા. પરંતુ, તે બંધ હતું. જેથી તે યુવકે ધમકી આપી હતી કે મેરા ભાઇ દારૂ કાં ધંધા કરતા હે ઔર મે આપકો ઠોક દુગા જેથી કમેલશભાઇ તેને  સારવાર માટે એસવીપી હોસ્પિટલ લઇ ગયા હતા. આ સમયે જેેને ઇજા થઇ હતી તે કારમાંથી ઉતરીને ઇમરજન્સી વોર્ડમાં જતો રહ્યો હતો અને અન્ય યુવક કમલેશભાઇ સાથે કારમાં હતો. થોડીવાર તે યુવક મોબાઇલમાં એક એક્સરે નો ફોટો લઇને આવ્યો હતો . જે બતાવીને તેણે કહ્યું હતું કે હાથના હાડકા તુટી ગયા છે. જો કે કમલેશભાઇએ તેમને મળવા જવાની વાત કરતા બંનેએ તેમને કારમાં બેસાડીને સારવાર માટે ખર્ચના એક લાખ રૂપિયા માંગ્યા હતા.

જો કે કમલેશભાઇ પાસે નાણાં ન હોવાથી તેમણે ૫૦ હજારના બે અલગ અલગ સેલ્ફના ચેક લખીને આપ્યા હતા અને કાર લઇને બંનેને પરિમલ ગાર્ડન પાસે આવેલી  આઇસીઆઇસીઆઇ બેંકમાં લઇ ગયા હતા. પરંતુ, સાંજના ચાર થતા કેસ પેમેન્ટ બંધ થતા બંનેએ કમલેશભાઇ જતા રહેવાનું કહીને બીજા દિવસે ચેકથી નાણાં ઉપાડશે. જો કે કમલેશભાઇએ બીજા દિવસે સ્ટોપ પેમેન્ટ કરાવીને સમગ્ર મામલે ઘાટલોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ઘાટલોડિયા પોલીસ મથકના પીઆઇ જે એસ કંડોરીયાએ જણાવ્યું કે પોલીસે બેંક અને હોસ્પિટલના સીસીટીવી ફુટેજ ટ્રેક કરીને આરોપીઓની કડી મેળવીને તેમની શોધખોળ શરૂ કરી છે.


Google NewsGoogle News