મનીષ ગોસ્વામીએ વેપારી પાસેથી ૨૫ લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ નોંધાઇ
માથાભારે મનીષ ગોસ્વામી ફરીથી સક્રિય થતા વેપારીઓમાં ફફડાટ
સુભાષ ચોકમાં આવેલી કપડાની દુકાનમાં આવીને ૨૫ લાખ નહી આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપીઃ ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધ્યો
અમદાવાદ,રવિવાર
વેપારીઓ અને બિલ્ડરોને ધમકાવીને ખંડણી માંગીને આતંક ફેલાવનાર મનીષ ગોસ્વામી ફરીથી સક્રિય થતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. મેમનગર સુભાષ ચોકમાં વેસ્ટર્ન વેરની દુકાન ઘરાવતા વેપારી દુકાનમાં આવીને મુંબઇ ખાતે રહેતા વેપારીના પુત્ર પાસેથી ૨૫ લાખની ખંડણી માંગીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ઘાટલોડિયા પોલીસ મથકે નોંધાવી છે. મનીષ ગોસ્વામી વિરૂદ્ધ અમદાવાદ ઉપરાંત, અન્ય શહેરોમાં અનેક ગુના નોધાઇ ચુક્યા છે અને વિશાલ ગોસ્વામી ગેંગ સાથે પણ તેની સંડોવણી બહાર આવતા કાર્યવાહી થઇ ચુકી છે. શહેરના નારણપુરા શાસ્ત્રીનગરમાં રહેતા રહેતા દિનેશભાઇ કોન્ટ્રાક્ટર મેમનગર સુભાષ ચોકમાં લેડીસ વેસ્ટર્ન વેરનો વ્યવસાય કરે છે. દિનેશભાઇનો એક પુત્ર કરણ મુબઇ ખાતે રહે છે અને અમદાવાદ ખાતેની દુકાનમાં કપડા સપ્લાય કરે છે. ગત ૩૧મી ઓક્ટોબરના રોજ દિનેશભાઇ તેમની દુકાન પર હતા ત્યારે મનીષ ગોસ્વામી (રહે.ન્યુ પરિવાર હોમ્સ, ન્યુ એસ જી હાઇવે, ગોતા) નામનો માથાભારે વ્યક્તિ આવ્યો હતો.
તેણે દિનેશભાઇને ધમકી આપી હતી કે તારા પુત્ર કરણ પાસેથી મારે ૨૫ લાખ લેવાના નીકળે છે. જો નહી આપે તો જાનથી મારી નાખીશ. જો કે કરણને આ અંગે પુછતા તેણે દિનેશભાઇને જણાવ્યું હતું કે તેને મનીષ ગોસ્વામી સાથે કોઇ નાણાંકીય લેવડ દેવડ નથી. આ અંગે ઘાટલોડિયા પોલીસે મનીષ ગોસ્વામી વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ કંડોરિયાએ જણાવ્યું કે મનીષ ગોસ્વામી હાલ ફરાર થઇ ગયો છે અને તેને ઝડપી લેવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અગાઉ પણ તેના વિરૂદ્ધ ખંડણી, મારામારી સહિતના અનેક ગંભીર ગુનો નોંધાઇ ચુક્યા છે.