જર્મન એન્જિનિયરે નોકરી છોડી 35 દેશોમાં 30 હજાર કિલોમીટર ફરીને 4 ટન પ્લાસ્ટિક એકઠું કર્યું
Love Of Nature: આપણાં દેશમાં પ્રકૃતિને માતા તરીકે ગણી પૂજવામાં આવે છે. પરંતુ છેલ્લાં કેટલાંય સમયથી માનવીય પ્રવૃત્તિને કારણે આપણે પ્રકૃતિને ઘણું નુકસાન પહોંચાડયું છે અને તેના પરિણામો આપણે ભોગવી પણ રહ્યા છીએ. ત્યારે કેટલાંક લોકો એવા પણ હોય છે જે પ્રકૃતિને સ્વચ્છ રાખવાં માટે પ્રયત્નશીલ હોય છે. જર્મનીમાં રહેતા પ્રકૃતિપ્રેમી ટોબિયસ રીશે 'પ્લાસ્ટિક નાબૂદી' ઝૂંબેશ શરૂ કરી છે, જેમાં છેલ્લાં બે વર્ષમાં 35 દેશમાં 30 હજાર કિ.મી.નો પ્રવાસ કરીને ચાર ટનથી વધારે પ્લાસ્ટિક એકત્રિત કર્યું છે. અમદાવાદમાં આવેલ થોળ બર્ડ સેન્ચ્યુરીમાં 16 પર્યાવરણ પ્રેમીઓ સાથે મળીને એક દિવસમાં 60 કિ.ગ્રામ પ્લાસ્ટિક વેસ્ટ કલેક્ટ કર્યો હતો અને સ્થાનિક લોકોને સ્વચ્છતા વિશે અવેર કર્યા હતા.
આ વિશે ટોબિયસ રીશે જણાવ્યું હતું કે, 'બે વર્ષ પહેલાં હું એક પ્રાકૃતિક સ્થળની મુલાકાતે ગયો હતો. ત્યાં મેં જોયું કે, ત્યાં આવતા પ્રવાસીઓ પ્લાસ્ટિક વસ્તુઓનો યુઝ કરી તેને ત્યાં જ ફેંકી દે છે. આ ઘટના બાદ મેં પ્રકૃતિને બચાવવા અને પ્લાસ્ટિક વેસ્ટને એકત્રિત કરવા ઝૂંબેશ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. પ્લાસ્ટિક અવેરનેસ માટે મેં એન્જિનિયરિંગ જોબ છોડી દીધી છે. બે વર્ષ પહેલાં ગ્રીસથી પ્રાકૃતિક સ્થળોએ જઇને પ્લાસ્ટિક કામગીરી શરૂ હતી અને અત્યાર સુધીમાં 35 દેશમાં પ્રવાસ કરીને ચાર ટનથી વધારે પ્લાસ્ટિક એકત્રિત કર્યું છે. વિશ્વના દરેક પ્રાકૃતિક સ્થળોને બચાવવા માટેની કામગીરીમાં સ્થાનિક લોકોનો સહકાર સારો મળી રહ્યો છે.'
ગ્રીસથી પ્લાસ્ટિક ઝુંબેશ શરૂ કરી હતી
પ્લાસ્ટિક વર્ષો સુધી જમીનમાં ઓગળતુ નથી. લોકો પ્રાકૃતિક સ્થળોએ પ્રવાસ કરે છે ત્યારે પ્લાસ્ટિક ફેંકીને આવતા હોય છે, જેનાથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકના ઢગ બની જાય છે. વિશ્વના મોટાભાગના દેશમાં પ્લાસ્ટિક અવેરનેસ માટે શરૂ કરેલ આ યાત્રામાં ગ્રીસ, તર્કી, જ્યોર્જિયા, આર્જેનિયા, ઈરાન, કઝાકિસ્તાન, પાકિસ્તાન થઇને ભારતમાં પ્રવાસ કર્યો. હવે આગામી સમયમાં નેપાળ, ચાઇના, તિબેટ, થાઇલેન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા સુધીનો પ્રવાસ કરવાનું આયોજન છે.
80 કરોડ લોકો 2 કિલો દીઠ પ્લાસ્ટિક એકત્ર કરે તો તમામ પ્રાકૃતિક સ્થળો સાફ થઈ જાય
આજના સમયે દરેક વ્યક્તિને પ્રાકૃતિક સ્થળે જઇને રહેવું ગમે છે પરંતુ તેમણે કરેલો પ્લાસ્ટિક વેસ્ટ ત્યાં રહેતા પ્રાણીઓ માટે જોખમરૂપ બને છે. 'પીક 2.2 કિ.ગ્રામ'સ્લોગન સાથે કાર્ય કરવાની શરૂઆત કરી છે. વિશ્વના 8 બિલિયન લોકો એક વર્ષમાં પ્રાકૃતિક સ્થળેથી 2.2 કિલો પ્લાસ્ટિક એકત્રિત કરે તો વિશ્વના જ બધા પ્રાકૃતિક સ્થળોની સફાઇ થઇ જાય અને વેસ્ટ પ્લાસ્ટિક પણ એકત્રિત થઇ શકે છે.
માઉન્ટ આબુમાં પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરતા જોઈને તેઓ અમદાવાદ આવવા પ્રેરિત કર્યા
માર્શલ મોજીસ જણાવે છે કે, 'હું અને મારા મિત્રો માઉન્ટ આબુમાં નેચર રાઇડ માટે ગયા હતા. આ સમયે ટોબિયસ રીશને પ્લાસ્ટિક એકત્ર કરતા જોયા હતા ત્યારે અમે આ કાર્યથી પ્રેરાઇને તેમને અમે અમદાવાદ આવીને ત્યાંના કુદરતી સ્થળોની મુલાકાત કરવા માટે કહ્યું હતું. તેમણે સહજતાથી અમદાવાદ આવીને થોળ બર્ડ સેન્ચ્યુરીમાં જઇને 16 પર્યાવરણપ્રેમીઓ સાથે મળીને એક દિવસમાં ૬૦ કિ.ગ્રામ પ્લાસ્ટિક એકત્રિત કર્યું હતું.'