ગૌતમ અદાણીના પુત્ર જીત અને દીવા શાહ લગ્નગ્રંથિએ જોડાયા, પરિવારજનો અને મિત્રોની હાજરીમાં લગ્ન સંપન્ન
Jeet Adani-Diva Shah Marriage: અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીતના લગ્ન સાદગી પૂર્વક, પરંપરાગત રિવાજો સાથે પરિવારજનો અને કેટલાક નજીકના સંબંધીઓની હાજરીમાં બેલવેડર ક્લબ શાંતિગ્રામ ખાતે સંપન્ન થયા હતા.
28 વર્ષીય જીત અદાણી જૂથના એરપોર્ટ બિઝનેસની કંપની અદાણી એરપોર્ટ હોલ્ડીંગના ડિરેકટર છે. તેમના લગ્ન ડાયમંડ મર્ચન્ટ જયમીન શાહની પુત્રી દીવા શાહ સાથે જૈન અને ગુજરાતી પરંપરા અને શાસ્ત્રોક્ત વિધિથી બપોરે બે વાગ્યે શરુ થયા હતા. બન્નેની સગાઈ પણ માર્ચ 2023માં એક ખાનગી સમારોહમાં થઇ હતી. દીવાના પિતા મુંબઈ અને સુરત સ્થિત સી. દિનેશ એન્ડ કંપનીના માલિક છે. અદાણીના મોટા પુત્ર કરણના લગ્ન એડવોકેટનો વ્યસાય કરતા અને દેશની ટોચની લો-ફર્મ સિરિલ અમરચંદ મંગળદાસના પાર્ટનર પરિધિ સાથે થયા છે.
કૌટુંબિક સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુરુવારે પ્રિ-વેડિંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રખ્યાત સિંગર દલેર મહેંદીના પુત્ર ગુરદીપ મહેંદીએ પંજાબી ગીતો રજૂ કરેલા જેમાં નવદંપતિ સહીત પરિવારજનોએ પણ ભાગ લીધો હતો.
'આ એક નાનું અને ખાનગી ફંકશન હતું'
માત્ર પરિવાર અને કેટલાક નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન પૂર્ણ થયા બાદ ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું હતું કે, "ભગવાનના આશીર્વાદ સાથે જીત અને દીવા આજે લગ્નગ્રંથીમાં બંધાયા છે. આ એક નાનું અને ખાનગી ફંકશન હતું અને હું બધા શુભેચ્છકોને નિમંત્રણ નથી આપી શક્યો એના માટે દિલગીર છું."
દર વર્ષે નવપરિણીત 500 દિવ્યાંગ દરેક યુવતી આર્થિક મદદની જાહેરાત
લગ્ન પહેલા જીત અદાણીએ પ્રભુતામાં પગલા પાડનારા 21 દિવ્યાંગ યુગલોને પોતાના ઘરે બોલાવી સંસારી જીવનની શુભકામનાઓ આપી હતી. પરિવાર દ્વારા લગ્નની ઉજવણીને મંગલ સેવા જાહેર કરતા હવે થી દર વર્ષે નવપરિણીત 500 દિવ્યાંગ દરેક યુવતીને રૂ.10 લાખની આર્થિક મદદ પ્રદાન કરવાની જાહેરાત પણ કરી હતી.