ગુજરાતમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારનું ગાબડું, મહેસાણાના આંબેડકર બ્રિજનો એક ભાગ બેસી ગયો

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારનું ગાબડું, મહેસાણાના આંબેડકર બ્રિજનો એક ભાગ બેસી ગયો 1 - image


ગુજરાતમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડા જોવા મળ્યા છે. જેમાં મહેસાણામાં આવેલો આંબેડકર બ્રિજનો એક ભાગ બેસી ગયો છે. આ કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. 

બ્રિજને રીપેર કરવા માટે તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ હતી

ગુજરાતભરમાં છેલ્લા કેટલાક સમયથી બ્રિજ તેમજ રાજમાર્ગો પર ગાબડા પડવા તેમજ રોડ બેસી જવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે હવે વધુ એક બ્રિજમાં ગાબડું પડ્યું છે. મહેસાણા-વિસનગર રિંગને જોડતા આંબેડકર બ્રિજ આજે વહેલી સવારે બેસી ગયો હતો. બ્રિજના ઉપરના ભાગે જોડતી એક્સલ અને રોડ વચ્ચે બે ફૂટનું ગાબડું પડ્યું હતું. બ્રિજ પર ગાબડું પડતા જ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બ્રિજને રીપેર કરવા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2014માં આ બ્રિજ બનીને તૈયાર થયો હતો.

અગાઉ પણ આંબેડકર બ્રિજ તૂટ્યો છે

આ પહેલીવાર નથી કે બ્રિજ પર ગાબડા પડ્યા હોય, આ પહેલા પણ વરસાદમાં બ્રિજ ચાર વખત તૂટ્યો છે અને દર વખતે તંત્ર પોતાની આબરૂ બચાવવા માટે થીગડાં મારે છે. આ બ્રિજ પર દરરોજ અનેક વાહનો પસાર થાય છે ત્યારે વાંરવાર બ્રિજ તૂટવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે  તેમ છતાં તંત્ર નક્કર પગલાં લેતું નથી. 

ગુજરાતમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારનું ગાબડું, મહેસાણાના આંબેડકર બ્રિજનો એક ભાગ બેસી ગયો 2 - image


Google NewsGoogle News