‘અગલે બરસ તુ જલ્દી આના...’ : આજે ગણેશને ઉત્સાહ સાથે અશ્રુભીની આંખે વિદાય અપાશે

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
Ganpati Visarjan


Ganpati Visarjan 2024: જેનું સર્જન છે તેનું વિસર્જન પણ છે. પરંતુ હૃદયની નિકટ હોય તેનું વિસર્જન એટલે કે વિદાયની વેળા આવે ત્યારે બહારથી લાગણીશૂન્ય જણાતી વ્યક્તિનું હૃદય પણ ભારે થઇ જાય છે, તો કેટલાકની આંખોમાંથી અશ્રુ પણ વહેવા લાગે છે. આવી જ એક ઘડી એટલે ગણેશ વિસર્જન. આજે અનંત ચતુર્દશી નિમિત્તે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ભક્તો 'ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આના....' ની વહાલભરી વિનંતી સાથે દુંદાળા દેવને વિદાય આપશે. 

અબીલ ગુલાલની છોળો અને ડીજેના તાલ સાથે દુંદાળા દેવને વિદાય આપવા ભક્તો સજ્જ

જ્યોતિષીઓના મતે ગણેશ વિસર્જન માટે આજે સવારે 9:35 થી બપોરે 2:10 અને રાત્રે 8:20 થી 9:45 દરમિયાન ગણેશ ભગવાનની મૂર્તિના વિસર્જન માટે શ્રેષ્ઠ સમય છે. અમદાવાદમાં આ વખતે 800થી વઘુ નાના-મોટા પંડાલોમાં ભગવાન ગણેશની મૂર્તિનું સ્થાપન કરાયું હતું. આ પૈકી 50 ટકાથી વઘુ મૂર્તિનું વિસર્જન થઇ ચૂક્યું છે. જ્યારે બાકીની તમામ મૂર્તિઓનું આજે સાર્વજનિક સ્થળ તેમજ ઘરમાં વિસર્જન થશે. અમદાવાદમાં અંદાજે 700 જેટલી સોસાયટીઓમાં સાર્વજનિક વિસર્જન કરવાની સાથે 40 હજારથી વઘુ લોકો દ્વારા સ્થાપિત માટીની મૂર્તિનું પણ ઘરમાં જ વિસર્જન કરાશે. 

આ પણ વાંચો: આજે ગણેશ વિસર્જન: અમદાવાદમાં બંધ રહેશે આ રસ્તા, જાણી લો વૈકલ્પિક રૂટની વ્યવસ્થા

આજે વિસર્જન બંદોબસ્ત માટે પોલીસ સ્ટેન્ડ ટુ 

ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી કોઇના ઘર-સોસાયટી-ઓફિસમાં તો અનેક જાહેર સ્થળોએ દુંદાળા દેવ વિશિષ્ટ અતિથિ બનેલા છે. વિસર્જનમાં બંદોબસ્ત માટે વહેલી સવારથી મોડી રાત સુધી પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે. ડીજેના તાલ, અબીલ ગુલાલ, નાસિક ઢોલ તેમજ ફટાકડા સાથે ગણેશજીનું ભવ્ય સરઘસ નીકળશે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નદીમાં વિસર્જનની મનાઇ ફરમાવી રિવરફ્રન્ટ પર બનાવેલા નવ ફૂટ ઊંડા પવિત્ર કુંડમાં મોટી મૂર્તિઓના વિસર્જનનું આયોજન કર્યું છે. જો કે, અનેક અમદાવાદીઓએ ઘર,જાહેર સ્થળે સ્થાપવામાં આવેલી ગણેશજીની પ્રતિમાઓનું લોક હિતમાં સ્થળ વિસર્જનની નવી પરંપરા શરૂ કરી છે. વિસર્જનના સરઘસને લીધે ટ્રાફિક જામની  સમસ્યા સર્જાય નહીં તેના માટે પણ વિશિષ્ટ આયોજન કરાયું છે. 

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવેલા કૃત્રિમ કુંડમાં વિસર્જન 

અમદાવાદના 40 વિવિધ લોકેશન ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પિરાણા ખાતે નકકી કરવામાં આવેલી જગ્યાએ વિસર્જન કરવા માટે 49 જેટલા કૃત્રિમ વિસર્જન કુંડ બનાવાયા હતા. 

7 સપ્ટેમ્બરથી શરુ થયેલા ગણેશ મહોત્સવ દરમિયાન તંત્ર તરફથી 22658 જેટલી નાની-મોટી ગણેશજીની મૂર્તિનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં ફૂલ,પુજાપા સહિતની સામગ્રીને અલગથી એકત્રિત કરવામાં આવી હતી.

ભાવિકો તરફથી અર્પણ કરવામાં આવેલા ફૂલ, પુજાપા, પિતાંબર સહિતની ધાર્મિક સામગ્રી એકઠી કરવા સાત ઝોનમાં સાત કલેકશન વાન કાર્યરત કરવામાં આવી હતી.

‘અગલે બરસ તુ જલ્દી આના...’ : આજે ગણેશને ઉત્સાહ સાથે અશ્રુભીની આંખે વિદાય અપાશે 2 - image


Google NewsGoogle News