માત્ર ૨૦ હજારની ચોરી થઈ એટલે સાંતેજ પોલીસે કલાકો સુધી ફરિયાદ ન નોંધી
રાંચરડામાં આવેલા સુરમ્ય-૨ બંગ્લોઝની ઘટના
ફરિયાદીએ રાજકોટ રેંજ આઇજીની મદદથી ગાંધીનગર એસપીને રજૂઆત કરાયા બાદ અંતે ફરિયાદ નોંધાઇઃ પોલીસની બેદરકારીનો વધુ એક નમુનો
અમદાવાદ, ગુરુવાર
અમદાવાદના છેવાડામાં આવેલા રાંચચડા સ્થિત સુરમ્ય-૨ બંગ્લોઝમાં બુધવારે રાતના હથિયારો સાથે ત્રાટકેલા તસ્કરોએ રોકડ સહિત ૨૦ હજારની મત્તાની ચોરી કરી હતી. જ્યારે કારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં સફળતાં ન મળતાં નાસી ગયા હતા. આ બનાવ અંગે ગાંધીનગર જિલ્લાની સાંતેજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ, ચોરીમાં ગયેલા મુદ્દામાલની રકમ માત્ર ૨૦ હજાર જ હોવાથી પોલીસે ફરિયાદ નોંધવાનું ટાળીને ફરિયાદી અને તેમના મિત્રને કલાકો સુધી પોલીસ ચોકી પર બેસાડીને પરેશાન કર્યા હતા.
જો કે આ બાબતે રાજકોટ રેંજ આઇજીની મદદ લઈને ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને જાણ કરી હતી. ત્યારબાદ સાંતેજ પોલીસે ફરિયાદ નોંધવાની તસ્દી લીધી હતી. ચોરી કરવા આવેલા તસ્કરો હથિયાર સાથે આવ્યા હતા અને ભોગ બનનારના પરિવારમાં ૯૬ વર્ષના વૃદ્ધા હોવા છતાંય, પોલીસે આ બાબતને અવગણીને માત્ર ચોરીની રકમ ઓછી હોવાનું કહીને ફરિયાદ નોંધવાનું ટાળતાં પોલીસની કામગીરી શંકાના ઘેરાવામાં આવી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે ૬૧ વર્ષીય હરીશભાઈ ગુત્તીકર રાંચરડામાં આવેલા સુરમ્ય-૨ ખાતે તેમના પરિવાર સાથે રહે છે. બુધવારે રાતના ૧૧ વાગે તે નિત્યક્રમ મુજબ સૂવા માટે ગયા હતા.
રાતના અઢી વાગ્યાની આસપાસ તેમના ઘરમાં અવાજ થતાં તપાસ કરી ત્યારે તેમના રૂમના કબાટનો દરવાજો ખુલ્લો હતો અને તેમની માતાના રૂમનો કબાટ પણ ખુલ્લો હતો. જેથી તસ્કરો હોવાની શંકાને આધારે તપાસ કરી ત્યારે રૂમમાં ચાર તસ્કરો હરીશભાઈની લેપટોપ બેગ, તેમના પત્નીના પર્સમાંથી મુદ્દામાલ કાઢી રહ્યા હતા અને હરીશભાઈએ બૂમાબૂમ કરતાં તે કારની ચાવી લઈને બહાર નાસી ગયા હતા. પરંતુ, કાર નીકળી ન શકતાં ચારેય લોકો નાસી ગયા હતા. ચાર તસ્કરો પૈકી બે પાસે હથિયાર હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં સાંતેજ પોલીસના પીએસઆઈ ચુડાસમા સ્ટાફ સાથે આવ્યા હતા અને તપાસ કરતાં કુલ ૨૦ હજારની મત્તાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ હરીશભાઈને સવારે આઠ વાગે ચોકી પર આવવાનું કહ્યું હતું પણ બપોર સુધી ફરિયાદ નોંધી નહોતી. તે પછી હરીશભાઈને સાંજે ચાર વાગે બોલાવ્યા હતા ત્યારે એમ કહ્યું હતું કે ૨૦ હજારની મત્તાની ચોરી થઈ છે. જેથી સાદી અરજી લઈને તપાસ કરીશું. જો કે હરીશભાઈના એક મિત્ર રાજકોટ રેંજ આઇજી અશોક યાદવના ભાઈ હોવાથી તેમણે આ બાબતે અશોક યાદવને કહ્યું હતું અને રાજકોટ રેંજ આઇજી અશોક યાદવે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજાને વાકેફ કર્યા હતા. જેથી ગાંધીનગર એસપીએ પીએસઆઇ ચુડાસમાને આ બાબતે ઠપકો આપીને તાત્કાલિક ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાનું કહેતાં પોલીસે ફરિયાદ નોંધી હતી.
જો કે આ સમયે સમયે પીએસઆઇ ચુડાસમાએ એસ પી રવિ તેજા સાથે દલીલ કરી હતી કે માત્ર ૨૦ હજારની ચોરી છે એટલે ફરિયાદ નોંધી નથી. આ અંગે ફરિયાદીએ જણાવ્યું કે મારા ઘરમાં ૯૬ વર્ષના માતા રહે છે અને તસ્કરો હથિયાર સાથે આવ્યા હતા. ત્યારે ગુનાની ગંભીરતા ચોરીની રકમની નહીં પણ સુરક્ષાના મામલે વધી જાય છે. ત્યારે પોલીસે કલાકો સુધી હેરાન કર્યા હતા અને સિનિયર અધિકારીઓએ દરમિયાનગીરી કરતાં કામગીરી કરી હતી. જે ગંભીર બાબત છે.