ગાંધીનગર પોલીસ MLA ગજેન્દ્રસિંહ પરમારની કડી મેળવવામાં નિષ્ફળ
દુષ્કર્મની ફરિયાદના ૮૦ દિવસ છતાંય, કાર્યવાહી શૂન્ય
કેસની તપાસમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકાને પગલે કેસની તપાસ અન્ય એજન્સીને સોંપવા માટે અરજી કરવામાં આવી
અમદાવાદ,રવિવાર
પ્રાતિંજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ ગુજરાત હાઇકોર્ટની આદેશ બાદ ગાંધીનગર પોલીસે મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી. આ સમયે હાઇકોર્ટ તટસ્થ તપાસના આદેશ આપ્યા હતા. જો કે ગુનો નોંધાયાના ૮૦ દિવસ બાદ પણ ગાંધીનગર પોલીસ ફરાર ધારાસભ્યની કડી મેળવવામાં નિષ્ફળ રહી હોવાથી સમગ્ર કેસની તપાસ સીબીઆઇ કે સીઆઇડી ક્રાઇમને સોંપવા માટે ડીજીપીને રજૂઆત કરવામાં આવી છે. સાથેસાથે ગાંધીનગર પોલીસ પર આક્ષેપ કર્યો છે કે ફરિયાદીએ આરોપી ધારાસભ્યના લોકેશન અંગે અગાઉ જાણ કરી હતી. પરંતુ, ગાંધીનગર પોલીસે રાજકીય દબાણમાં આવીને કોઇ કાર્યવાહી કરી નહોતી.
ભારતીય જનતા પાર્ટીના પ્રાતિંજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ ગુજરાત હાઇકોર્ટની આદેશ બાદ ગાંધીનગર પોલીસે ગત ૧૯મી ઓક્ટોબરના રોજ સેક્ટર-૨૧ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી. હાઇકોર્ટે ફરિયાદ નોંધવાનો આદેશ આપવાની સાથે કેસની તપાસ તટસ્થ રીતે થાય તેવી ખાસ તાકીદ કરી હતી. જો કે ફરિયાદ નોંધાયાના ૮૦ દિવસથી વધુનો સમય પસાર થવા છતાંય, ગાંધીનગર પોલીસે ફરાર ગજેન્દ્રસિંહ પરમારને ઝડપી લેવામાં નિષ્ફળ ગઇ છે અને હજુ તપાસ ચાલુ હોવાનું ગાણુ ગાવામાં આવી રહ્યું છે. આ અંગે ફરિયાદી મહિલાએ ડીજીપીને લેખિતમાં રજૂઆત કરી છે કે ગાંધીનગર પોલીસે દુષ્કર્મ જેવા ગંભીર કેસની તપાસમાં ગંભીર બેદરકારી દાખવી છે. કારણ કે હજુ સુધી પિડીતાનું નિવેદન નોંધવામાં આવ્યું નથી. એસસીએસટી સેલની ઓફિસે બોલાવીને કલાકો સુધી બેસાડી રાખે છે અને તપાસ અધિકારી નથી આવ્યા જેથી પછી બોલાવવાનું કહીને જવાનું કહે છે. એટલું જ પોલીસનો દાવો છે કે ધારાસભ્ય ફરાર છે. પરંતુ, ગાંધીનગર પોલીસને ગત ૪ ડિસેમ્બરના રોજ ગજેન્દ્રસિંહ પરમાર તલોદ સ્વામીનારાયણ મંદિરમાં પુજામાં હાજર હોવાનું અને એકવાર ભાજપની સંકંલન સમિતીની બેઠકમાં પણ તે આવ્યો હોવાની માહિતી આપી હતી. પરંતુ, ગાંધીનગર પોલીસે રાજકીય દબાણમાં આવીને તપાસ કરી નહોતી.
એટલુ જ નહી આ કેસમાં સમાધાન કરવા માટે કેટલાંક લોકો દ્વારા સતત દબાણ કરવામાં આવી રહ્યુ ંછે. જેથી સમગ્ર કેસની તપાસ તટસ્થ રીતે થાય તે માટે સીબીઆઇ કે સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપવા માટે ડીજીપીને રજૂઆત કરવામાં આવી છે.