ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટને હાઈકોર્ટની લીલીઝંડી
અમદાવાદ, તા. 8 સપ્ટેમ્બર 2022,ગુરુવાર
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ધરોહર સમાન સાબમરતી આશ્રમના પ્રસ્તાવિત રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને અંતે આજે હાઈકોર્ટે ફરી લીલીઝંડી આપી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત હાઈકોર્ટે ફરી આ કેસને સાંભળ્યો હતો અને આજે આ મામલે ચુકાદો આપ્યો છે.
અગાઉ આશ્રમના પ્રસ્તાવિત રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરેલી રિટની ફરી સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને નિર્દેશ કર્યો હતો. જૂન માસમાં શરૂ થયેલ સુનાવણીનો આજે અંત આવ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે ગાંધી આશ્રમની આસપાસના વિસ્તારને ગાંધી વિચારો અને મૂલ્યોનું જતન અને પ્રચાર થઈ શકેએ રીતે જ રીડેવલપમેન્ટ કરવાના પ્લાનને છૂટ આપી છે. હાઈકોર્ટે ચુકાદામાં ટાંક્યું હતુ કે મૂળ ગાંધી આશ્રમની 5 એકર જગ્યા યથાવત રહેશે.
HCએ રિટ ફગાવી, સુપ્રીમના આદેશ બાદ ફરી સુનાવણી
નવેમ્બર, 2021માં ગુજરાત હાઇકોર્ટે સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટ સામેની રિટ ફગાવી હતી અને રિડેવલપમેન્ટના રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.
જોકે તુષાર ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના ચુકાદા વિરૂદ્ધ અપીલ કરી હતી અને સુપ્રીમ કોર્ટે 1 એપ્રિલ,2022ની સુનાવણીમાં નોંધ્યું હતું કે હાઇકોર્ટે રિટની સુનાવણી દરમિયાન સરકાર પાસેથી સોગંદનામા પર વિસ્તૃત જવાબ માંગવાની જગ્યાએ સંક્ષિપ્ત દલીલોના આધારે જ પીટિશન રદ કરી છે જેથી પીટિશનની ફરી હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવે અને આ મુદ્દે જૂન માસમાં શરૂ થયેલ સુનાવણીનો આજે ચુકાદો આવ્યો છે.
આ પણ વાંચો : ગાંધી આશ્રમ રીડેવલોપમેન્ટ પ્રોજેક્ટના કમિટી મેમ્બર અને તેમની પત્ની પર હુમલો: 11 સામે ફરિયાદ