સુરેન્દ્રનગરમાં રૂંવાડા ઉભા કરી દેતી ઘટના સામે આવી, નરાધમોએ હેવાનિયતની હદ પાર કરી
નાની બાળકીના મૃતદેહ સાથે છેડછાડ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે
સુરેન્દ્રનગર, 27 ફેબ્રુઆરી 2023 સોમવાર
સુરેન્દ્રનગરમાં હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. થાનગઢની દોઢ વર્ષની બાળકી હૃદયમાં કાણાં સાથે જન્મી હોવાથી ગત 25 ફેબ્રુઆરીએ સારવાર અર્થે થાન સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ બાળકીની દફનવિધિ કરવામાં આવી હતી. આ બાળકીના મોતનાં આંસુ હજી સુકાયા જ નહોતા ત્યાં બીજા દિવસે જ અસ્તવ્યસ્ત હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ પરિવારજનોએ બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બાળકીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાઈ હતી. જ્યાં પ્રાથમિક તપાસમાં તેની સાથે દુષ્કર્મ ન થયું હોવાનો ખુલાસો થયો હતો.
દુષ્કર્મ થયું હોવાનું જણાંતા પોલીસને જાણ કરી
બાળકીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, અમારી દીકરીને જન્મથી જ હૃદયમાં કાણું હતું. જેથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તે બાળકીને મૃત જાહેર કરી હતી. બાદમાં દીકરીની દફનવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે આ બાળકીની લાશ અસ્તવ્યસ્ત હાલતમાં મળી આવી હતી જેથી પ્રથમ દૃષ્ટિએ આ બાળકી સાથે કોઈ અજુગતો બનાવ થયો હોય તેવું લાગી રહ્યું હતું. જેને લઈ પોલીસ સ્ટેશને જતા પોલીસે અરજી આપવાની વાત કહી હતી. આ ઘટનાની ગંભીરતા દેખાતાં બહેનોએ બાળકીના મૃતદેહનું ચેકઅપ કરતા આ બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું જણાંતા પોલીસને જાણ કરી હતી.
મૃતદેહ સાથે છેડછાડ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે
પોલીસે મૃતદેહને લઈ થાનગઢ આરોગ્ય કેન્દ્રમાં રજૂ કરતા ત્યાં ડોક્ટરે જણાવ્યું કે, તેના પ્રાઈવેટ પાર્ટ સાથે છેડછાડ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ત્યાર બાદ મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવ્યો હતો. પરિવારજનોએ માંગ કરતાં કહ્યું હતું કે, જે પણ આવારા તત્ત્વો છે તેને ઝડપી લઈને તપાસ કરવામાં આવે. મૃતદેહ સાથે છેડછાડ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. મૃતદેહ કોને બહાર કાઢ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.