Get The App

અંતિમ વિદાયમાં અશ્રુઓનો દરિયો છલકાયો, જામનગર હિબકે ચઢતાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
અંતિમ વિદાયમાં અશ્રુઓનો દરિયો છલકાયો, જામનગર હિબકે ચઢતાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા 1 - image


Bhanvad Suicide Case : જામનગર ના માધવબાગ વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ ભાણવડ નજીક બુધવારે આત્મહત્યા કરી લીધી હતી, જે દુઃખદ ઘટના બાદ સમગ્ર કુટુંબીજનો અને તંત્ર પણ સ્તબ્ધ થઈ ગયું હતું. ગત રાત્રે મૃતદેહોને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ આજે ચારેય મૃતકોના પોસ્ટ મોર્ટમ કરવામાં હતા. 

જામનગરની જી.જી. હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના તબીબોની પેનલ મારફતે તમામના પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યા હતા, ત્યારે જામનગર અને ભાણવડની પોલીસ ટુકડી હાજર રહી હતી. અને મૃતકના કુટુંબીજનો પણ શોકમગ્ન અવસ્થામાં હાજર રહ્યા હતા. ત્યારબાદ ચારેય મૃતકોને તેમના નિવાસ્થાન જામનગરના સાંઢીયા પૂલ નજીક માધવબાગ વિસ્તારમાં આવેલા તેમના રહેઠાણે લઈ જવામાં આવ્યા હતા. 

આ આહીર પરિવારના ચારેય સભ્યોની એકસાથે અર્થી ઉઠતાં ભારે હૃદય દ્રાવક દ્રશ્યો સાથે અશ્રુઓનો દરિયો છલકાયો હતો. અંતિમ યાત્રામાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી, માહોલ એટલો ગમગીન હતો કે ગમે તેવા કઠણ કાળજાના માનવીને પણ રડાવી દે તેવા કરૂણ દ્વશ્યો સર્જાયા હતા. 

માધવબાગથી અંતિમ યાત્રાને કાઢવામાં આવી હતી અને જામનગરના આદર્શ સ્મશાન ગૃહમાં લઇ જવામાં આવી હતી. જ્યાં પરિવારના તમામ સભ્યોની અંતિમ વિધિ કરવામાં આવી હતી. અંતિમ યાત્રામાં કુટુંબીજનો, જ્ઞાતિજનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 

શું હતી ઘટના?

 દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પાસે આવેલા ધારાગઢ ગામે હાલ જામનગર રહેતાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ હાલ જામનગરના ગોકુલનગર તરફ આવેલા માધવબાગ-1માં રહેતા અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉ.વ.42)ને જામનગરમાં પિત્તળની ભઠ્ઠી છે. તે પત્ની લીલુબેન (ઉ.વ. 42), પુત્ર જિજ્ઞોશ (ઉ.વ. 20) અને પુત્રી કિંજલ (ઉ.વ. 18) સાથે બે ટુ વ્હીલર પર સંભવતઃ જામનગરથી નીકળી લાલપુર થઈ ભાણવડ નજીક આવેલા ધારાગઢ ગામે પહોંચ્યા હતા.

જયાં રોડથી અંદરની સાઈડ 500 મીટરના અંતરે રેલવે ફાટક નજીક કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં ચારેયના સ્થળ પર મોત નિપજયા હતા. ત્યાંથી પસાર થતાં રાહદારીએ તેમને બેભાન હાલતમાં જોતાં ભાણવડ પોલીસને જાણ કરી હતી. 

સ્થળ નજીકથી કપાસમાં છાંટવાની ઝેરી દવા મળી આવી હતી. જેના આધારે તે પી આત્મહત્યા કરી લીધાના તારણ પર પોલીસ પહોંચી હતી. જોકે પરિવારના ચારેય સભ્યોએ કયા કારણથી આ અંતિમ પગલું ભર્યું તે વિશે પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ માહિતી મળી નથી. પરંતુ આપઘાત પાછળનું કારણ ગંભીર હશે તેવું પોલીસ માની રહી છે. ચોકકસ કારણ જાણવા માટે પોલીસે મોબાઈલના આધારે તપાસ શરૂ કરી છે. મૃતકોના પરિવારજનોની પણ પોલીસ પુછપરછ કરશે. 


Google NewsGoogle News