અમદાવાદ અકસ્માત કેસ, પોલીસ FSLની ટીમને ઘટના સ્થળે બોલાવવાનું જ ભૂલી ગઈ?
Ahmedabad Road Accident: અમદાવાદના બોપલ-આંબલી રોડ પર વૈભવી ઓડી કારચાલક રીપલ પંચાલે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી પાંચથી સાત જેટલા વાહનો અડફેટે લીધા હતા. જોકે, ઘટનાની જાણ થતાં પોલીસ કાફળો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, પરંતુ અકસ્માત સર્જાયાના કલાકો સુધી અધિકારીઓએ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL)ને જાણ જ કરી નહતી. જેને લઈને ઘટના સ્થળે પહોંચેલા DCP નીતા દેસાઈ અધિકારીઓનો ઉધડો લીધો હતો.
પોલીસ FSLને બોલાવવાનું ભુલી ગઈ
ઓડી કારચાલક રીપલ પંચાલે પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી વાહનો અડફેટે લીધા હતા. ત્યારબાદ તેની કાર રેલીંગ સાથે અથડાતાં રોકાઈ ગઈ હતી. ગુસ્સે ભરાયેલા લોકોએ તેને કારમાંથી બહાર કાઢી મેથીપાક ચખાડ્યો હતો. પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી. પરંતુ આ અકસ્માત સર્જાયાના કલાકો સુધી અધિકારીઓએ એફએસએલને જાણ કરી નહોતી.
DCPએ અધિકારીઓનો લીધો ઉધડો
અકસ્માત અને તેને કારણે ભારે હોબાળો થતાં DCP નીતા દેસાઈ પણ તપાસ માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે તેમણે તપાસ અધિકારીઓને એફએસએલ ટીમનું શું કહેવું છે તેવો સવાલ કર્યો. પરંતુ ઘટનાના ચાર-પાંચ કલાક થવા છતાં તપાસ અધિકારીઓએ તો એફએસએલ બોલાવી જ નહોતી. જેના કારણે DCP અધિકારીઓ પર રોષે ભરાયા હતા.
પોલીસ મોડી પહોંચી હોવાનો આક્ષેપ
DCP નીતા દેસાઈએ તપાસ અધિકારીઓને આડેહાથ લેતાં કહ્યું કે, એફએસએલ બોલાવીએ તો જ કારની સ્પીડનો ખ્યાલ આવશે.' ઉલ્લેખનીય છે કે, આ અકસ્માત બાદ પોલીસ 40 મિનિટ મોડી પહોંચી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
FSLની તપાસ કેમ મહત્ત્વની?
FSL ટીમની તપાસ આ પ્રકારના કિસ્સામાં ઘણી મહત્ત્વની સાબિત થાય છે. તેનો રિપોર્ટ પોલીસ તપાસમાં મહત્ત્વનો પુરાવો પણ બને છે. રીપલે નશાકારક પદાર્થ લીધો હતો તો તે કયો હતો?, શું એક કરતાં વધુ વસ્તુનો નશો કર્યો હતો કે કેમ? કારની સ્પીડ કેટલી હતી? વગેરે સવાલોના જવાબ FSLની ટીમની તપાસમાં જ બહાર આવી શકે છે.