દર્દી લાવો-કમિશન મેળવો: ગુજરાતમાં કૉર્પોરેટ-ખાનગી દર્દીઓની મફત સારવાર પણ જનરલ પ્રેક્ટિશનરોને જલસા
Khyati Hospital Controversy : ગુજરાતમાં કૉર્પોરેટ-ખાનગી હૉસ્પિટલમાં ગરીબ દર્દીઓને મોકલી સરકારી યોજના થકી નાણાં કમાવવાનું સુવ્યસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે. ઘણાંને કદાચ એ વાતની ખબર નહીં હોય કે, ગામડામાં નાના દવાખાના ચલાવતા જનરલ પ્રૅક્ટિશનર જ કૉર્પોરેટ હૉસ્પિટલના અસલી એજન્ટ છે. આ જનરલ પ્રૅક્ટિશનર ગામડામાંથી શહેરમાં ખાનગી હૉસ્પિટલમાં દર્દી મોકલી મસમોટું કમિશન મેળવે છે. ગુજરાતમાં કૉર્પોરેટ હૉસ્પિટલમાં ગરીબ દર્દીઓને મોકલવાનું સુવ્યવસ્થિત નેટવર્ક ધમધમી રહ્યું છે. જાણવા જેવી વાત એ છે કે, ખાનગી હૉસ્પિટલ અને જનરલ પ્રૅક્ટિશનર વચ્ચે મિડીયેટરની મહત્ત્વની ભૂમિકા હોય છે.
ગામડામાંથી દર્દીઓને કૉર્પોરેટ હૉસ્પિટલમાં મોકલવાનું સુવ્યવસ્થિત નેટવર્ક
મેડિકલ વ્યવસાયમાં પકડ જમાવવા માટે પણ મોટા ફંડિગની જરૂર હોય છે. લેટેસ્ટ ટૅક્નોલૉજી સાથે અદ્યતન તબીબી સાધનો વસાવી હૉસ્પિટલમાં મોટું રોકાણ કરવામાં આવે છે ત્યારે વળતર માટે હૉસ્પિટલ સંચાલકો અવનવી તરકીબ અજમાવતા હોય છે. હવે કૉર્પોરેટ હૉસ્પિટલમાં દર્દીઓ માટે પણ જાણે હોડ જામી છે. ઘણી હૉસ્પિટલોએ નાના શહેરોમાં ઓપીડી-ક્લિનિક શરુ કર્યા છે.
આ ઉપરાંત દર્દીઓ લાવવા માટે કમિશન-કોન્ટ્રાક્ટ પર મિડીયેટર રાખ્યા છે જેને સાદી ભાષામાં ‘દલાલ’ કહે છે. આ દલાલો જે ગામડાઓમાં નાના ક્લિનિક ચલાવતાં જનરલ પ્રૅક્ટિશનરના સંપર્કમાં હોય છે. આ જનરલ પ્રૅક્ટિશનર દર્દીને છાતીમાં દુખાવો થાય કે તરત જ નક્કી કરેલી ખાનગી હૉસ્પિટલમાં સારવાર લેવા ભલામણ કરે છે. સામાન્ય રીતે ગામના ડૉક્ટર પર ગ્રામજનને વઘુ વિશ્વાસ હોય છે તેના કારણે જ ખાનગી હૉસ્પિટલોએ જનરલ પ્રૅક્ટિશનરને પડદા પાછળના એજન્ટ બનાવી દીધા છે.
આ પણ વાંચો: સ્ટેન્ટ કાંડ બાદ ખ્યાતિ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ, ચાર તબીબો સામે પણ કાર્યવાહી: એક્શનમાં ગુજરાત સરકાર
બસથી માંડીને હોસ્ટેલ સુધીની સુવિધા
ગામડામાંથી દર્દીઓને શહેરની કૉર્પોરેટ હૉસ્પિટલમાં મોકલવા માટે ખાસ બસ સુવિધા હોય છે. એટલું જ નહીં, દર્દીના જમવા ઉપરાંત રહેવા માટે હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવે છે. મફત સારવાર હોવાના કારણે ગરીબ-અભણ દર્દી સારવારને લઈને કોઈ ચિંતા કરતું નથી પરિણામે ડૉક્ટરોને ફાવ્યું છે. દર્દી દાખલ થાય અને જેવી સારવાર થાય તે આધારે જનરલ પ્રૅક્ટિશનરનું કમિશન નક્કી થાય છે.
જેમકે, એન્જિયોગ્રાફી,એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરી થાય. જુદી જુદી સારવાર દીઠ અલગ અલગ કમિશન ચૂકવાય છે. એવી પણ જાણકારી મળી રહી છે કે, કેટલાંક મિડીયેટરો મેડિકલ વ્યવસાયમાં એવી રીતે કામ કરી રહ્યા છે કે, માત્ર સારવારનો ખર્ચ જ હૉસ્પિટલ સંચાલકને મળી રહે. બાકી દર્દીની દવાથી માંડીને પીએમજેવાયએ યોજના હેઠળ મળતી બધી સહાય મિડીયેટર લે છે. આર્થિક રીતે ડચકાં ખાતી ખાનગી હૉસ્પિટલોના સંચાલકો આવું કૃત્ય કરતાં પણ ખચકાટ અનુભવતા નથી.
આ પ્રમાણે, કેટલાય દલાલ એવા છે જેમની લાખોમાં કમાણી છે. કૉર્પોરેટ હૉસ્પિટલમાં સત્તાવાર કમિશન મેળવે છે. કમિશન પેટે પેટ્રોલ-ડિઝલની કુપનથી માંડીને લેપટોપ, રેફ્રિજરેટર, એસી સહિત વિદેશ ટુરના પેકેજનો લાભ આપવામાં આવે છે. ટૂંકમાં, ખાનગી હૉસ્પિટલોમાં દર્દીઓ લાવવા માટે અહમ ભૂમિકા ભજવનારા મિડીયેટરની કમાણી લાખોમાં છે. અમદાવાદ જ નહીં, હાલ ગુજરાતના મોટા શહેરોમાં મેડિકલ મિડીયેટરો સક્રિય છે.