મકરબામાં આવેલી પેસેફીક રીલોકેશન સર્વિસના સંચાલકો તાળા મારી ફરાર
સરખેજ પોલીસને છેતરપિંડી કરતી ગેંગને લઇને અનેક મહત્વના પુરાવા મળ્યા
અનેક લોકોને ધોરણ 12નું બનાવટી પ્રમાણપત્ર બનાવીને સ્કીલ બેઝ્ડ વિઝાના આધારે કેનેડા મોકલીને છેતરપિંડી આચરવામા આવી
અમદાવાદ, બુધવાર
અમદાવાદના મકરબામાં પેસેફીક રીલોકેશન સર્વિસના સંચાલકો સામે સરખેજ પોલીસને અનેક મહત્વના પુરાવા મળ્યા હોવાની વિગતો સામે આવી છે. જેમાં મુખ્ય આરોપી નિતીન પાટીલ અને વિજયા સાલવે તેમજ ચેતન શર્માએ સાથે મળીને અમદાવાદ સહિત ગુજરાતના અનેક લોકોને સ્કીલ બેઝ્ડ વર્ક પરમીટના નામે લાખો રૂપિયાનો ચુનો લગાવ્યો હતો. જેમાં તેમણે ઘોરણ 12નું બનાવટી પ્રમાણ પત્ર તૈયાર કરવાની માંડીને બહેરીનમાં આઇઇએલટીએસની પરીક્ષાનું કૌભાંડ પણ ચલાવવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ વિઝા કૌભાંડના આક્ષેપિતોનો ભાંડો ફુટતા મકરબામાં આવેલી તેમની ઓફિસમાં તાળા મારીને ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ કૌભાંડનો મુખ્ય કાવતરાખોર નિતીન પાટીલ અને તેની સાથે સંકળાયેલી વિજયા સાલવે કેનેડાના જતા રહ્યા છે. જ્યારે છેલ્લે અમદાવાદની મકરબાની ઓફિસનું સચાલન કરતો ચેતન શર્મા નામનો વ્યક્તિ પણ શંકાના ઘેરાવામાં છે. ત્યારે કેનેડાના સ્કીલ વિઝાના કેસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.