અમદાવાદમાં બિલ્ડરને ડિજિટલ અરેસ્ટ કરી એક કરોડ રૂપિયા પડાવ્યા: અકાઉન્ટ ફ્રીઝ કર્યું તો વેરિફિકેશનના નામે છેતરપિંડી
ભોગ બનનાર સતર્કતા દાખવી એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું તો પણ બિ્લ્ડરને ટારગેટ કરી દેવાયા
પાર્સલમાં ડ્રગ્સ હોવાની સાથે કરોડોના ગેરકાયદેસર વ્યવહાર કરાયાનો કેસ થયો હોવાનું કહી ધમકી અપાઇઃઅમદાવાદ સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી
AHMEDABAD DIGITAL ARREST CASE : શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતા એક બિલ્ડરે ફેડેક્સ કુરિયરના પાર્સલમાં ડ્રગ્સ, પાસપોર્ટ જેવી શંકાસ્પદ ચીજવસ્તુઓ મોકલી હોવાથી ગુનો નોંધ્યો હોવાનું કહીને એનસીબીના નામે વિડીયો કોલ કરીને ગઠિયાઓએ બિલ્ડરને સતત ત્રણ દિવસ ડીજીટલ એરેસ્ટ કરીને 1.05 કરોડની રકમની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે બિલ્ડરને શંકા જતા તેણે સાવચેતીના ભાગરૂપે પોતાનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું હતું. તેમ છતાંય, ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગના માણસોએ વેરિફીકેશનનું કહીને તેમની પાસેથી માતબર રકમ પડાવી લીધી હતી. શહેરના નારણપુરામાં આવેલી શીવ સંકલ્પ સોસાયટીમાં રહેતા 53 વર્ષીય કેતનભાઇ પટેલ બિલ્ડીંગ કન્સ્ટ્ર્ક્શનનો વ્યવસાય કરે છે. ગત ત્રીજી જુલાઇના રોજ તેમને ફેડેક્સ કુરિયરથી ફોન આવ્યો હતો કે કેતનભાઇ પટેલના નામે એક પાર્સલ ઇરાન જતુ હતું. જેમાં પાસપોર્ટ, ડેબિટ કાર્ડ અને એમડી ડ્રગ્સ છે. આ સદર્ભમાં મુંબઇ નાકાટીક્સની અંધેરી સ્થિત ઓફિસમાં ગુનો નોંધાયો છે.
અકાઉન્ટ ફીઝ કર્યું છતાં કરી નાંખી છેતરપિંડી
આ માટે તમારે મુંબઇ હાજર થવુ પડશે અથવા ઓનલાઇન સ્ટેટમેન્ટની સાથે તપાસમાં સહયોગ આપવો પડશે. જો કે કેતનભાઇ કોઇ પાર્સલ મોકલ્યુ ન હોવાનું જણાવતા તેમને આ નિવેદન લખાવવાનું કહીને સ્કાય પેથી વિડીયો કોલ કરીને કહ્યું હતું કે તમારા નામે દેશમાં અલગ અલગ બેંકોમાં કરોડો રૂપિયાના ગેરકાયદેસર વ્યવહારો પણ થયા છે. જેથી કેતનભાઇને શંકા જતા તેમણે સાવચેતીના ભાગરૂપે કોલ કરીને તેમનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું હતું.
બીજી તરફ કોલ કરનાર પોલીસે બીજા દિવસે સવારે વિડીયો કોલથી વધુ પુછપરછ કરવાનું કહ્યું હતું. બીજા દિવસે એક અન્ય અધિકારીએ વિડીયો કોલ કરીને જણાવ્યું હતું કે આરબીઆઇના વેરિફીકેશન માટે તમારા બેંક એકાઉન્ટમાં રહેલા નાણાં તપાસવાના હોવાથી એક ેએકાઉન્ટમાં ટ્રાન્સફર કરો. પરંતુ, કેતનભાઇ નાણાં ટ્રાન્સફર ન કરતા તેમને રાતના 11 વાગ્યા સુધી વિડીયો કોલથી ડીજીટલ એરેસ્ટ રાખ્યા હતા. તેમ છતાંય, ફરીથી ત્રીજા દિવસે વિડીયો કોલ કરીને તેમના આર્થિક વ્યવહાર ચેક કરવાનું કહીને તેમના એકાઉન્ટમાં રહેલા 1.09 કરોડ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહેતા કેતનભાઇ પાસે વિડીયો કોલ ચાલુ રખાવીને બેંકમાંથી આરટીજીએસથી રૂપિયા 1.05 કરોડ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવીને વેરીફિકેશન બાદ પરત કરવાનું કહીને ફોન કટ કરી દીધો હતો. જો કે ત્યારબાદ નાણાં પરત ન આવતા કેતનભાઇને છેતરપિડી થયાનો ખ્યાલ આવ્યો હતો. આ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.